પોલીસ સ્થાનિક સમુદાયમાં સંપર્ક બનાવે તે જરૂરી : મોદીની સલાહ

અમદાવાદ : કચ્છના સફેદ રણ ગણાતા ધોરડોમાં ત્રણ દિવસ સુધી ચાલેલી રાષ્ટ્રીય સ્તરની ડીજી કોન્ફરન્સની આજે પૂર્ણાહૂતિ થઇ હતી. આજે ત્રીજા દિવસે બપોર બાદ કોન્ફરન્સની પૂર્ણાહૂતિ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના થઇ ગયા હતા. મોદી ત્રણ દિવસ સુધી અહીં જ રોકાયા હતા અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. મોદીએ આજે ત્રીજા દિવસે પોલીસ મહાનિર્દેશકોના અધિવેશનને સંબોધન કર્યું હતું.

મોદીએ અધિવેશન દરમિયાન અનુભવેલી ચર્ચાની ગુણવત્તા અને ઊંડાણ પ્રત્યે પસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આ પોલીસ ફોર્સમાં રહેલી વ્યવસાયિક યોગ્યતા અને સમર્પણ દર્શાવે છે. તેમણે અધિનેશન દરમિયાન ઉભરી આવેલી ભલામણોના અમલીકરણ માટે એક સ્પષ્ટ રોડમેપ તૈયાર કરવા હાંકલ કરી હતી. વડાપ્રધાનએ કહ્યું કે ચર્ચા અને મંતવ્યોમાં દેશભરના જુનિયર અને સીનીયર બંને અધિકારીઓ સામેલ હતા, જે નવો ચીલો ચાતરવામાં મદદ કરશે, અને આ એક ખુબ નોંધપાત્ર સિદ્ધિ છે.

નરેન્દ્ર મોદી કહ્યું કે, સંવેદનશીલતા એ પોલીસ વિભાગનું એક મહત્વનું તત્વ છે અને એક એવું લવચીક સંસ્થાકીય માળખું બનાવવું જોઈએ જે પોલીસ દળને નાગરિકોને સંવેદનશીલતાથી સમજવામાં મદદરૂપ બને. તેમણે કહ્યું કે પોલીસ દળોએ આ માટે સ્થાનિક સમુદાયોમાં સંપર્કો બનાવવા જોઈએ. અને સંપર્કો સ્થાવાનો એક ઉત્તમ રસ્તો છે. સમુદાયમાં લોકોની સફળતાઓ અને ઉપલબ્ધિઓની ઉજવણી કરવી.તેમણે કહ્યું કે, જ્યારે લોકો તેમની સફળતાની ઉજવણી માટે પોલીસ સ્ટેશનની મુલાકાત લે છે.

ત્યારે તેમણે પણ પોલીસ અધિકારીઓ દ્વારા કરાયેલા કામ પ્રત્યે આદર અને ઊંડી સમજ કેળવવી જોઈએ. તેમણે કહ્યું કે સમુદાયના લોકોએ પોલીસ સ્ટેશનો સાથે ઓળખ બનાવવી જોઈએ. વડાપ્રધાન સાયબર સુરક્ષા, ડિઝીટલ તકનિક અને સોશિયલ મીડીયા વગેરે વિષયોને આવરી લીધા અને કહ્યું કે પોલીસ અધિકારીઓએ તેમના કામમાં ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે આંતર રાજય સરહદો પાર પડોસી જીલ્લાના પોલીસ દળો વચ્ચે વધુમાં વધુ સંપર્ક વિકસાવવા હાંકલ કરી હતી.

વડાપ્રધાન પ્રવાસન પોલીસ, આપદા પ્રબંધન અને પોલીસ તાલીમ પગેરે વિષયો પર પણ પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. નરેન્દ્ર મોદીએ પોલીસ અધિકારીઓ દ્વારા દાખવવામાં આવેલી નિઃસ્વાર્થ સેવા અને સમર્પણ ભાવની પ્રશંસા કરી હતી, તથા તેમના કામ પ્રત્યેની નિષ્ઠાને રાષ્ટ્રની સુરક્ષાના સાર તરીકે વર્ણવી હતી. વડાપ્રધાનએ આઈબી અધિકારીઓને વિશિષ્ઠ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક પણ એનાયત કર્યા હતા.

આ પહેલા દિવસ દરમિયાન, પ્રતિનિધિઓએ પોલીસ યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિશે ચર્ચા કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે અને કેન્દ્રીય ગૃહ રાજય મંત્રીઓ કીરેન રીજીજુ અને હરિભાઈ પારથીભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતો.

You might also like