રાજકોટમાં 20 કિલો ચાંદી અને ત્રણ તોલા સોનાની લૂંટ

અમદાવાદ: રાજકોટના કરણપરા વિસ્તારમાં આવેલા કબૂતરચોક પાસે ગત રાતે જામનગરના વેપારી પાસેથી ર૦ કિલો ચાંદી અને બેથી ત્રણ તોલા સોનું ભરેલ બેગની બાઈક પર આવેલા ત્રણ શખ્સ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

લૂંટારુઓએ માત્ર છ સેકન્ડમાં લૂંટની ઘટનાને અંજામ આપી દીધો હતો. વેપારીએ લૂંટારુઓનો પીછો કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ સફળ થયા નહોતા. ઘટનાની જાણ થતાં ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને એ-ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપીઓની સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ જામનગરના ખંભાળિયાનાકા પાસે રહેતા અને રિદ્ધિસિદ્ધિ જ્વેલર્સના નામે સોના-ચાંદીનાં ઘરેણાં અને કાચામાલનો વેપાર કરતા મહેશભાઇ ગોવિંદભાઇ વજાણિયા (ઉં.વ.પ૦) ગઈ કાલે બપોરે દ્વારકા-ભાવનગર રૂટની એસટી બસમાં રાજકોટ આવ્યા હતા તેમના સાથીમિત્ર અને વેપારી ખંભાળિયાના રમેશભાઇ પણ ખાનગી ટ્રાવેલ્સની બસ મારફતે રાજકોટ આવી ગયા હતા.

બંને વેપારીઓ રાજકોટમાં ભેગા થયા હતા અને સોનીબજારમાં સોના-ચાંદીનાં ઘરેણાં સહિતનો માલસામાન અલગ-અલગ વેપારીઓ પાસેથી ભેગો કર્યો હતો. આ બંને વેપારીઓ રાજકોટ અને જામનગરના સોની વેપારીઓને માલ પહોંચાડવાનું કામ કરે છે. ગઈ કાલે અંદાજે દશેક લાખ રૂપિયાનો મુદ્દામાલ મહેશભાઇએ વેપારીઓ પાસેથી જામનગરના ધંધાર્થીઓને આપવા માટે લીધો હતો.

રમેશભાઇએ પણ સોના-ચાંદીના માલની ડિલિવરી લીધી હતી અને થેલામાં ભરીને બંને રાત્રીના ૮.૩૦ થી ૮.૪પ વચ્ચે કોઠારિયા નાકા આવ્યા હતા અને ત્યાં થોડીવાર બેઠા હતા. બાદમાં રિક્ષા કરીને કરણપરાના ચબૂતરા ચોક પાસે પહોંચ્યા હતા. જ્યાં બાજુમાં જ બંનેએ પોતપોતાના થેલા રાખ્યા હતા.

મહેશભાઇએ પોતાનો એક હાથ ઘરેણાં ભરેલા થેલા પર રાખ્યો હતો અને બંને વેપારીઓ સામસામે ઊભા રહીને વાતોએ વળગ્યા હતા. દરમ્યાનમાં ટ્રિપલસવારી બાઇક બંને વેપારીની પાછળના ભાગમાં આવીને ઊભું હતું, તેમાંથી એક શખ્સ ઊતર્યો હતો અને મહેશભાઇનો હાથ હટાવી ઘરેણાં ભરેલો થેલો લઇને ભાગ્યો હતો અને બાઇક પર બેસી ત્રણેય લૂંટારુઓ નાસી ગયા હતા.

છ વર્ષ પહેલાં પણ કેટલાક શખ્સોએ લૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો અને નવ દિવસ પૂર્વે પણ રામનાથપરામાં હતા ત્યારે કેટલાક લૂંટારુઓએ કીમતી મતા ભરેલો થેલો લૂંટી લેવાની કોશિશ કરી હતી. જોકે ઉપરોક્ત બંને વખતે લૂંટારુઅો સફળ થયા નહોતા અને મંગળવારે ફરી લૂંટ કરી ત્યારે સફળ થયા હતા. ક્રાઇમ બ્રાંચ અને એ ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

You might also like