વિવાદાસ્પદ શિક્ષિકાની પુનઃ નિમણૂક થતા શાળાને તાળાંબંધી અને દેખાવો

ડીસા : ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાંવિવાદાસ્પદ શિક્ષિકાની પુનઃ નિમણૂક થતા વાલીઓએ શાળામાં જઇ હંગામો મચાવ્યો હતો. અને તમામ વિદ્યાર્થીઓને છોડી મૂકી શાળાને તાળું મારી દેતા ચકચાર મચી જવા પામી હતી. જેના કારણે શાળાનું શૈક્ષણિક કાર્ય ઠપ થઇ ગયું હતું. જયાં સુધી આ શિક્ષિકા શાળામાં આવશે ત્યાં સુધી વિદ્યાર્થીઓને શાળાએ નહીં મોકલવાની ચીમકી વાલીઓએ ઉચ્ચારી હતી.

ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં અગાઉ મધુબેન પટેલ નામની શિક્ષિકાએ શાળાના એક વિદ્યાર્થીને ગાલે તમાચો મારી દેતાં તેને કાનમાંથી લોહી આવવાના કારણે તે બીમાર થઇ ગયો હતો. જે સમયે તેના માતાપિતા સહિત અન્ય વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં આવી હંગામો મચાવ્યો હતો. દરમિયાન શિક્ષિકાની અન્ય શાળામાં બદલી કરી દેવાતાં મામલો થાળે પડ્યો હતો. પરંતુ ફરીથી શિક્ષિકા શિક્ષિકાની લાફાવાળીથી મધુબેનની બદલી રાજપુર પ્રાથમિક શાળામાં કરી નિમણૂકના સમાચાર મળતાં જ વાલીઓએ ફરીથી હોબાળો મચાવ્યો હતો.

શાળામાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓએ છોડી મૂકી શાળાને તાળું મારી દીધું હતું. જેના કારણે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય પણ ઠપ થઇ ગયું હતું. તમામ વાલીઓએ ભેગા થઇ શાળામાં તાળું મારી દીધું છે. અને જયાં સુધી આ શિક્ષિકાની બદલી કરવામાં નહીં આવે ત્યાં સુધી તાળું ખોલવામાં નહીં આવે. જયારે આ અંગે શાળાના આચાર્ય ગૌરવકુમાર વસંતભાઇ પંચાલે જણાવ્યું હતું કે, ‘મારી હમણાં જ રાજપુર પ્રાથમિક શાળામાં બદલી થઇ હોવાના કારણે અગાઉની ઘટના વિશે ખબર નથી પરંતુ મધુબેન પટેલ નામની શિક્ષિકાનો ઓર્ડર ગુરુવારે મળ્યો હતો.

શુક્રવારે સવારે શાળામાં હાજર થાય તે પહેલાં જ વાલીઓએ તેમના વિદ્યાર્થીઓને શાળામાંથી લઇ ગયા હતા અને શાળાને તાળું મારી દીધું છે. વિદ્યાર્થીની માતા બરખાબેન સૈનીએ જણાવ્યું હતું કે, અગાઉ શિક્ષિકા મધુબેન પટેલે મારા દિકરાને ગાલ પર લાફો માર્યો હતો. જેના કારણે તેના કાનમાં લોહી આવતાં તે બીમાર થઇ ગયો હતો. અન્યોને પણ માર્યા છે.

You might also like