લઠ્ઠાકાંડના કેસોમાં તારીખ પે તારીખ

અમદાવાદ: વર્ષ 2009માં અમદાવાદમાં થયેલા ચકચારી લઠ્ઠાકાંડનો કેસ મંથર ગતિએ ચાલી છે. સુપ્રીમ કોર્ટ લઠ્ઠાકાંડ કેસની ટ્રાયલ ડે ટુ ડે ચલાવવા ફેબ્રુઆરી 2014માં આદેશ કર્યા હતા. સેશન્સ કોર્ટમાં લઠ્ઠાકાંડના કેસમાં ડે ટુ ડે તારીખો પડે છે. પરંતુ કોઈને કોઈ કારણસર કેસ ચાલી શકતો નથી. માત્ર એક કલાકમાં જ કેસની ટ્રાયલ પૂરી થઈ જાય છે.

શહેરમાં 7 જુલાઇ 2009ના રોજ અમદાવાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો હતો. જેમાં ઝેરી દારૂ પીવાને કારણે ઓઢવમાં 124 વ્યકિતઓનાં મોત થયાં હતાં જ્યારે મજૂર ગામમાં 23 વ્યકિતઓનાં મોત થયાં હતાં. 175 લોકોને ઝેરી દારૂની અસર થઇ હતી. જે પૈકી 40 જેટલા લોકોની આંખ પણ જતી રહી હતી. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાંચે બન્ને કેસમાં વિનોદ ડગરી સહિત 62 આરોપીની ધરપકડ કરી હતી. અમદાવાદની સેશન્સ કોર્ટમાં વર્ષ 2010થી બન્ને કેસની ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2014માં સુપ્રીમ કોર્ટમાં આરોપીઓએ જામીન અરજી ફાઇલ કરી હતી. આ જામીન અરજીમાં લઠ્ઠાકાંડના કેસનો ઝડપી નિકાલ આવે તે માટે કેસ ડે ટુ ડે ચલાવવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતાે.

લઠ્ઠાકાંડ સદર્ભે વિનોદ ડગરી, રાજેન્દ્રસિંહ, જયરામ પવાર સહિત 62 આરોપીની ધરપકડ કરાઇ હતી. જેમાં 27 આરોપીને કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા. હાલ સેન્ટ્રલ જેલમાં 35 જેટલા આરોપી છેલ્લાં 7 વર્ષથી બંધ છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કેસની ટ્રાયલ વર્ષ 2014થી ડે ટુ ડે ચાલી રહી છે. હાલ આ કેસમાં સેશન્સ જજ બી.એન.મકવાણાની કોર્ટમાં લઠ્ઠાકાંડની ટ્રાયલ ચાલી રહી છે.

ઓઢવમાં થયેલા લઠ્ઠાકાંડ કેસમાં 1704 સાક્ષી છે ત્યારે મજૂર ગામના લઠ્ઠાકાંડ કેસમાં 677 સાક્ષી છે. બન્ને કેસમાં જોવા જઇએ તો હજુ સુધી 860 કરતાં વધુ સાક્ષી જ તપાસ્યા છે ત્યારે 1424 સાક્ષી બાકી છે . બન્ને કેસમાં પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરો તપાસી લેવાયા છે ત્યારે મજૂર ગામના કેસમાં એફએસએલના અધિકારીની પણ જુબાની લેવાઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ મહિનાથી આ કેસમાં 2 કરતાં વધુ સાક્ષી જ તપાસાયા છે. એક સપ્તાહ પહેલાં આ કેસમાં સાક્ષીઓની જુબાની લેવાઇ હતી. સુપ્રીમ કોર્ટનાે આદેશ હોવા છતાંય લઠ્ઠાકાંડનો કેસ મંથર ગતિએ ચાલી રહ્યો છે. આ મામલે લઠ્ઠાંકાડમાં સંડોવાયેલા આરોપીના વકીલ ઇલિયાસખાન પઠાણે જણાવ્યું છે કે લઠ્ઠાકાંડમાં રોજ એક કલાકથી વધુ ટ્રાયલ ચાલતી નથી અને માત્ર તારીખ પર તારીખ પડી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં બે કરતાં વધુ સાક્ષી તપાસાયા છે.

http://sambhaavnews.com/

You might also like