નિર્ભયા કેસઃ ભારે વિરોધ છતાં સગીર દોષિતનો છૂટકારો થયો

નવી દિલ્હી : ત્રણ વર્ષ અગાઉ દિલ્હીમાં પેરા મેડિકલ વિદ્યાર્થિની પર ગેંગરેપ અને બાદમાં હત્યાના સગીર દોષિતનો સુધાર ગૃહમાંથી છૂટકારો થયો હતો. ગયા ડિસેમ્બર ૨૦૧૨ થી તેને ત્યાં રાખવામાં આવ્યો હતો. તેને દિલ્હીમાં એક એનજીઓની દેખરેખ હેઠળ રાખવામાં આવશે. ગઇ મધરાતે તાકીદે સુનાવણી હાથ ધરીને તેના છૂટકારા સામે મનાઇ હુકમ આપવાની દાદ માગતી દિલ્હી મહિલા પંચની અરજીને સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી દીધી હતી.

જસ્ટિસ એ. કે. ગોપાલ અને જસ્ટિસ યુ યુ લલિકની વેકેશન બેન્ચે રવિવારે વહેલી સવારે બે કલાકે તેમનો આદેશ સંભળાવ્યો હતો અને કેસની સુનાવણી સોમવાર પર રાખી હતી. દિલ્હી હાઇકોર્ટના આદેશ સામે દિલ્હી મહિલા પંચે દાખલ કરેલી સ્પેશિયલ લિવ પિટિશનને ભારતના ચીફ જસ્ટિસ ટી. એસ. ઠાકુરે વેકેશન બેન્ચને મોકલી આપી હતી. અગાઉ હાઇકોર્ટે તેના છૂટકારા સામે મનાઇ ફરમાવવાનો ઇનકાર કર્યો હતો. સગીર દોષિતને તેના નિર્ધારિત છૂટકારાના એક દિવસ અગાઉ શનિવારે દિલ્હીની બહાર લઇ જવાયો હતો.

દોષિત હવે ૨૦ વર્ષનો છે અને સૌથી ક્રૂર હુમલાખોરો પૈકીનો એક છે. તેના જીવને જોખમ હોવાથી ચિંતાને લઇને તેને અજ્ઞાત સ્થળે લઇ જવાયો હતો. પીડિતાના માતા-પિતાએ જણાવ્યું હતું કે તેઓ તેના છૂટકારાનો ઇનકાર કરતા હાઇકોર્ટના આદેશથી ખૂબ નિરાશ થયા હતા. તેમણે જણાવ્યું કે તેમને ન્યાય જોઇએ છે. નિર્ભયાની માતાએ કહ્યું માટે માત્ર ન્યાય જોઇએ છે. મને તેના (સગીર દોષિત) છૂટકારા પર સ્ટે જોઇએ છે.

સુનાવણી માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા માટે છે. તેમણે (ડીસીડબ્લ્યુ) ગઇ રાત્રે પ્રયત્ન કરી જોયો. તેમણે દિવસ દરમ્યાન આ પ્રયાસ કર્યો હોત તો તેનો છૂટકારો અટકાવવામાં કદાચ સફળ થયા હોત.નિર્ભયાના માતા-પિતાએ સગીર દોષિતના છૂટકારાના વિરોધમાં દેખાવો પણ કર્યા હતા. દરમ્યાન સગીર દોષિતના છૂટકારાના વિરોધમાં નિર્ભયાના માતા-પિતાના નેતૃત્વમાં દેખાવકારોએ ઇન્ડિયા ગેટ પર દેખાવો યોજયા હતા. દિલ્હી પોલીસે સુરક્ષાના કારણસર ઇન્ડિયા ગેટ અને રાજપથ પરથી દેખાવકારોને હાંકી કાઢ્યા હતાં.

પોલીસ તેમને સંસદ માર્ગ પોલીસ સ્ટેશને લઇ ગઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે, દેખાવકારો જંતરમંતર પર વિરોધ દેખાવો યોજી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાટનગર દિલ્હીમાં ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે બનેલી અને સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ કેસની હાલમાં જ વરસી પસાર થઇ છે. આરોપીને છોડી મુકવામાં આવ્યા બાદ આ કમકમાટી ભરી ઘટનાની યાદ ફરી એકવાર તાજી થઇ છે.

૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે એક પેરા મેડીકલની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જવા માટે પોતાના મિત્રની સાથે બસની મુસાફરી કરી હતી એ જ વેળા ચાર નરાધમ શખસોએ તેના ઉપર ચાલતી બસમાં અમાનવીય રીતે ગેંગરેપ કર્યો હતો. આ બનાવમાં તે એટલા હદ સુધી ઘાયલ થઈ ગઈ હતી કે થોડાક દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ તેનું મોત થયું હતું.

આ હચમચાવી મૂકનાર ઘટનાના કારણે દેશભરમાં તમામ લોકો એક મત થઈ ગયા હતા અને તમામ જગ્યાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન થયા હતા જેના પરિણામ સ્વરૃપે સરકારને મહિલાઓ પર થતા અત્યાચાર માટે નવા કાયદાઓ બનાવવાની તરત ફરજ પડી હતી.

You might also like