ઉમાએ સોનિયા-રાહુલ ગાંધીને ‘તોફાની બાઈકરો’ સાથે સરખાવ્યાં

ઈન્દોર : નેશનલ હેરાલ્ડ કેસને લઈને સંસદમાં કોંગ્રેસના અવરોધને લીધે ઉશ્કેરાયેલા કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીની સરખામણી દિલ્હીના ‘તોફાની બાઈકરો’ સાથે કરતા આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના બંને ટોચના નેતાઓએ આ મામલાને લઈને સંસદને ઠપ્પ કરાવતી વખતે દેશ પ્રત્યેની પોતાની જવાબદારીનો ખ્યાલ રાખ્યો નહીં. ઉમા ભારતીએ પત્રકારોને જણાવ્યું હતું કે, દિલ્હીની સડકો પર બે-ચાર તોફાની બાઈકરો આવી જાય છે.

તેઓ ટ્રાફિક જામ કરે છે અને પોતાને બહુ બહાદૂર સમજે છે. સોનિયા અને રાહુલ પણ (નેશનલ હેરાલ્ડ કેસમાં) સંસદનું કામકાજ અટકાવીને પોતાને બહુ બહાદૂર સમજવા લાગ્યા છે. પરંતુ દેશ પ્રત્યે પોતાની કોઈ જવાબદારી છે તેવો તેમણે ખ્યાલ રાખ્યો નહીં. તેમણે ઉમેર્યું કે સોનિયા અને રાહુલની આ બહાદૂરીનો ભોગ દેશને બનવું પડ્યું છે. નિર્ભયા કાંડ વખતે સગીર રહેલા ગુનેગારના છૂટકારાના મામલે લોકોના મનમાં ભારે રોષ છે પરંતુ કોંગ્રેસે ઊભા કરેલા વિક્ષેપને કારણે જુવેનાઈલ સુધારા એક્ટ રાજ્યસભામાં પસાર થઈ શક્યો નથી.

ઉમાએ જણાવ્યું, ‘શું આ કાયદો પસાર કરાવીને દેશની મહિલાઓની આબરૃ બચાવવી એ સોનિયાની જવાબદારી નથી. શું તેમની એકમાત્ર જવાબદારી પોતાના જમાઈની આબરૃ બચાવવાની જ છે. નેશનલ હેરાલ્ડ મામલામાં કોંગ્રેસ અધ્યક્ષે આપેલા નિવેદન પર તેમણે વળતો પ્રહાર કર્યો હતો. તેમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે તેઓ ઈન્દિરા ગાંધીના વહુ છે અને કોઈનાથી ડરતાં નથી. ઉમાએ કટાક્ષમાં જણાવ્યું હતું, શું સોનિયા એ જ ઈન્દિરા ગાંધીના વહુ છે જેમણે અલાહાબાદ હાઈકોર્ટનો આદેશ માન્યો નહોતો અને કાયદો તથા બંધારણની સરેઆમ અવગણના કરીને દેશમાં કટોકટી લાદી દીધી હતી.

તેમણે કહ્યું, ‘સોનિયા પોતાના સાસુ પાસેથી કશુંક શીખવા જ માગતા હોય તો તેઓ એ ઈન્દિરા ગાંધી પાસેથી ન શીખે જેમણે પોતાની ખુરશી બચાવવા માટે દેશમાં કટોકટી લાદી દીધી હતી. સોનિયા તે ઈન્દિરા ગાંધી પાસેથી શીખે જેમણે બાંગ્લાદેશની મુક્તિ માટે પાકિસ્તાન સામે યુદ્ધ છેડીને તેમાં વિજય મેળવ્યો હતો.’

ઉમાએ કહ્યું, ‘સોનિયાએ ભારતીય નાગરિક હોવાને લીધે દેશના કાયદાનું સન્માન કરવું જોઈએ. નહીંતર તેમને અને તેમના પુત્રને પ્રજા એવી જ રીતે સત્તા પરથી હાંકી કાઢશે જેવી રીતે તે મા-બેટા (ઈન્દિરા અને સંજય ગાંધી)ને સત્તાથી દૂર કર્યા હતા. કટોકટી બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ઈન્દિરા અને સંજયને પરાજય વેઠવો પડ્યો હતો.

You might also like