૨૦૦૫માં થયેલી હત્યા કેસના કાગળો પોલીસે ખોઈ નાખ્યા!

અમદાવાદ: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વર્ષ 2005માં થયેલી હત્યા કેસના કાગળ પોલીસ સ્ટેશનથી ગાયબ થઇ જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેસમાં સંડોવાયેલા એક આરોપીએ સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજીમાં પોલીસ કોર્ટમાં કાગળ જમા નહીં કરાવતાં મામલો સામે આવ્યો છે. કોર્ટે ઓઢવ પોલીસ સામે લાલ આંખ કરીને બે દિવસમાં કેસના કાગળ શોધીને હાજર રહેવા માટે નોટિસ ઇસ્યુ કરી છે.

ઓઢવ વિસ્તારમાં વર્ષ 2005માં કરિયાણાની દુકાનના માલિકની 500 રૂપિયા ઉધરાણીના માગવાના મુદ્દે હત્યા કરવામાં આવી હતી.આ કેસની તપાસ ઓઢવ પોલીસે કરતાં છ આરોપીઓની ધરપકડ કરી હતી. જે પૈકી એક આરોપી સાજિદ ઉર્ફે બાબુ કાણિયો વર્ષ 2006માં પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયાે હતો. એકાદ વર્ષ પહેલાં સાજિદ પોલીસ સમક્ષ હાજર થઇ જતાં તેને સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

તાજેતરમાં આરોપી સાજિદ ઉર્ફે બાબુ કાણિયાએ તેના વકીલ નિશાર વૈદ્ય મારફતે સેશન્સ કોર્ટમાં જામીન અરજી ફાઇલ કરી હતી. જામીન અરજીમાં આઠ મુદત પડી હોવા છતાંય ઓઢવ પોલીસ કેસના તમામ કાગળ કોર્ટમાં જમા કરાવ્યા નથી. આ મુદ્દે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે ઓઢવ કરિયાણાની દુકાનના માલિકની થયેલી હત્યાનો કેસ ચાલી ગયો છે. સાજિદે સેશન્સ કોર્ટમાં જામીન અરજી ફાઇલ કરી છે. કોર્ટે અવારનવાર ઓઢવ પોલીસને કેસના કાગળ લઇને હાજર થવાનું કીધું છે પરંતુ કાગળ મળતા ન હોવાને કારણે તેઓ કોર્ટમાં ગેરહાજર રહેતા હતા. કોર્ટે બે દિવસમાં કેસના કાગળ કોર્ટમાં જમા કરાવવા આદેશ કર્યાે છે.

You might also like