સુરદાસો અન્યના જીવનમાં સૂર રેલાવશે

પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને સુરદાસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આવા વ્યક્તિઓ તરફે સમાજ દયાભાવના રાખીને તેમને મદદ કરવામાં સેવા કાર્ય કર્યાનો સંતોષ મેળવે છે. જોકે કચ્છના પ્રજ્ઞાચક્ષુઓ હવે બીજાને મદદરૂપ બનવા કટિબદ્ધ બન્યા છે.

કોઈની મદદ લઈને જીવનમાં આગળ વધવાને બદલે અન્ય પ્રજ્ઞાચક્ષુઓ, વિકલાંગો, ગરીબ કે જરૂરતમંદોને મદદરૂપ કરીને સમાજનો ભાર હળવો કરવાના હેતુથી જ રચના કરાયેલી ‘લાયન્સ ક્લબ ઓફ કચ્છ – સાઈટ ફર્સ્ટ’ને વિશ્વમાં પ્રજ્ઞાચક્ષુઓની પ્રથમ લાયન્સ ક્લબ બનવાનું માન મળ્યું છે. પ્રજ્ઞાચક્ષુઓએ આ ક્લબ થકી સમાજને ઉપયોગી કાર્ય કરવાનું બીડું ઝડપ્યું છે.

ક્લબના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા (આંશિક અંધ, રાત્રે જોઈ શકતા નથી) કહે છે,
‘અત્યાર સુધી સમાજે મદદ કરીને અમને પગભર કર્યા છે. આથી જીવનમાં સામાજિક-આર્થિક રીતે સક્ષમ બનેલાં લોકો પોતાની ત્રુટિઓને ભૂલીને અન્યોને મદદરૂપ થવા ઇચ્છતા અમારા ૨૦થી વધુ મિત્રોએ આ ક્લબની રચના કરી છે.

અમારા બે-ત્રણ મેમ્બર આંશિક અંધ છે, બાકીના સંપૂર્ણ અંધ છે. અમે ભવિષ્યમાં અન્ય અંધજનો, વિકલાંગો અને જરૂરતમંદોને મદદરૂપ થઈ શકાય તેવા કાર્યક્રમો હાથ ધરીશું. વિકલાંગોને રેલવેના સ્માર્ટ કાર્ડ કઢાવવામાં થતી સમસ્યાના નિવારણનું કામ સર્વપ્રથમ હાથ ધરાયું હતું, જેમાં સફળતા મળી છે.

રેલવેના સ્માર્ટ કાર્ડ માટે દરેક વિકલાંગને અમદાવાદનો ધક્કો ખાવો પડતો, પરંતુ અધિકારીઓને મળીને આ તકલીફ અંગે વાત કરી. હવે અધિકારી જ નિયત દિવસે ભુજ આવીને કાર્ડ માટેની તમામ ફોર્માલિટી પૂર્ણ કરશે તેવું નક્કી થયું છે. આ રીતે અમે દરેક સમસ્યાઓ સમજૂતીથી ઉકેલવા પ્રયત્ન કરીશું.’ આથી જ લાગી રહ્યું છે કે, અન્યોના જીવનમાં સૂર રેલાવવામાં સુરદાસો સહાયરૂપ થશે.

You might also like