સિનેમામાં મારા યોગદાનને દર્શકો યાદ રાખેઃ કાજોલ

અનેક રેકોર્ડ સર્જનારી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની બોલીવૂડની સફળ જોડી શાહરુખ-કાજોલની રોહિત શેટ્ટી દિગ્દર્શિત નવી ફિલ્મ ‘દિલવાલે’ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે કાજોલ સાથેની ખાસ મુલાકાત…

નવી ફિલ્મની રિલીઝ વખતે નર્વસનેસ અનુભવાય છે?
દરેક નવી ફિલ્મ વખતે એવું થાય છે. જોકે આ વખતે હું ખૂબ જ કોન્ફિડન્ટ છું. ફિલ્મના ડબિંગ અને એડિટિંગ દરમિયાન મેં જે ઝલક જોઈ છે તે મને ખૂબ ગમી છે. દિગ્દર્શક રોહિત શેટ્ટીએ ફિલ્મમાં એક્શન, કોમેડી અને રોમાન્સને યોગ્ય રીતે વણી લીધાં છે, આ ત્રણેય વસ્તુ દર્શકોને ખૂબ જ પસંદ આવશે.

‘દિલવાલે’ અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ વચ્ચે શું સામ્યતા છે?
માત્ર શાહરુખ ખાન… એ સિવાય બંને ફિલ્મો ખૂબ જ જુદી છે. પહેલી ફિલ્મને બે પેઢી અને બે સદી વીતી ગઈ, આમ છતાં એ ફિલ્મ લોકોને હજુ પણ પસંદ છે. જોકે આ ફિલ્મની વાર્તા થોડીક જુદી છે. પહેલી ફિલ્મ રોમેન્ટિક ડ્રામા આધારિત હતી જ્યારે આ ફિલ્મમાં રોમેન્ટિક એક્શન કોમેડી છે. આ ફિલ્મ રોહિતની અન્ય ફિલ્મો કરતાં વધુ રોમેન્ટિક હશે.

લોકોને ‘દિલવાલે’ પસંદ આવશે?
એક કલાકારને તેણે કરેલાં કામને કારણે જ વખાણવામાં આવે છે. હું ઇચ્છંુ છું કે, લોકો મારા કામની પણ પ્રશંસા કરે અને સિનેમા પ્રત્યેના મારા યોગદાનને યાદ રાખે. મારી અગાઉની ફિલ્મોની પસંદગીને કારણે મારી આગામી ફિલ્મ સારી જ હશે તે દર્શકો જાણતાં જ હશે. દર્શકોને તે જરૂર ગમશે.

ફિલ્મના શૂટિંગમાં આઈલેન્ડમાં મજા માણી?
બલ્ગેરિયા અને હૈદરાબાદમાં લગાતાર બૅક ટુ બૅક શૂટિંગ ચાલ્યું. શૂટિંગને અમે ખૂબ જ એન્જોય કર્યું. આઈલેન્ડમાં ફિલ્માવેલું ગીત અને ટ્રાવેલિંગ સાથે છ દિવસમાં પૂર્ણ કર્યું. ત્યાંની ડાયરેક્ટ ફ્લાઈટ ન હોવાથી લાંબું ટ્રાવેલિંગ કરવું પડ્યું અને થાક પણ લાગ્યો હતો. જોકે ત્યાંનો અનુભવ અદ્ભુત રહ્યો. બલ્ગેરિયામાં હજુ સુધી કોઈ ફિલ્મનું શૂટિંગ થયું નથી. ત્યાંનાં લોકો પણ ખૂબ જ સારા અને શિસ્તબદ્ધ છે.

તારી પુત્રી ફિલ્મો જોઈને શું રિએક્ટ કરે છે? તારી કઈ ફિલ્મ તેને પસંદ છે?
મારી પુત્રી ન્યાસાને લાગે છે કે, મારે ફિલ્મોમાં રડવું જોઈએ નહીં, પરંતુ આપણી ફિલ્મો ઈમોશનલ હોવાથી એ શક્ય નથી. મારી ફિલ્મ ‘વી આર ફેમિલી’તો એ જોવા જ ગઈ નહોતી, કારણ કે તેમાં પણ ઈમોશનલ સિન્સ હતા. જોકે મારી આટલી ફિલ્મોમાંથી ‘દિલવાલે’ થોડીક તેને ગમે તેવી છે અને તે જરૂર જોવા જશે.

પહેલાં કરતાં હાલના સમયમાં બદલાવ લાગે છે?
હાલનો સમય પહેલાં કરતાં ખૂબ જ બદલાઈ ગયો છે. હવે હોલીવૂડ આપણે ત્યાં આવી ગયું છે. લોકો પાસે ફોન અને ઈન્ટરનેટ હાથવગુ હોઈ એક્સપોઝર ઘણું વધી ગયું છે. પહેલાં એક્ટિંગની એક જ પ્રકારની ફોર્મ્યુલા હતી, આજે દરેક વસ્તુ નવેસરથી શીખવી પડે છે, જે એક્ટર્સ માટે ચેલેન્જ છે.

બોલીવૂડમાં નવી ટેલેન્ટ આવી છે અને લોકો પ્રોફેશનલ બન્યા છે?
લોકો પ્રોફેશનલ બન્યા એ મને પસંદ છે. પહેલાં મોટા સ્ટાર્સ સેટ પર લેટ આવતાં, હવે બધા સમય પર આવે છે. આજના કલાકારો કોન્ફિડન્ટ અને એક્ટિવ છે અને સોશિયલ મીડિયાને કારણે તેમની બ્રાન્ડ વેલ્યૂ છે. કેવું દેખાવું અને અને શું પહેરવું તે શીખવામાં અમને ઘણો સમય લાગ્યો, જ્યારે આજની જનરેશન બધું શીખીને જ આવે છે. જોકે કામ સિવાય તેઓ કોઈને ઓળખતા નથી. પહેલાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ એક પરિવાર જેવી હતી, પરંતુ હવે તે વિસ્તરી ચૂકી છે. હવે બંધનો આવી ગયાં હોઈ કામ પહેલાં દરેકને મળવાનો સમય નથી રહ્યો.

તારી ફિટનેસ અંગે શું કહેવું છે?
આ ક્રેડિટ હું મારી ડિસિપ્લિનને આપું છું. મને રાત્રે પાર્ટીઓમાં જવું પસંદ નથી. રાતે દસ વાગ્યા સુધીમાં સૂઈ જવું, ડાયટિંગ, થોડીક કસરત, દિવસના આઠ ગ્લાસ પાણી પીવું વગેરે બાબતોનું હું ખૂબ ધ્યાન રાખું છું. આ બધા સાથે મગજને ઠંડું રાખવું પણ જરૂરી છે. તમે જ્યાં હોવ, જેવા હોવ, પરંતુ સ્થિર અને સંતુષ્ટ હોવા જોઈએ એ મને મારાં માતા-પિતાએ શીખવ્યું છે.

બોલીવૂડમાં સૌથી સુંદર વસ્તુ કઈ છે?
અમે ફિલ્મો અમારા માટે નહીં, પરંતુ લોકોના મનોરંજન માટે બનાવીએ છીએ એ જ સૌથી સુંદર વસ્તુ છે. તમે સિનેમામાં જાઓ, ટિકિટ ખરીદીને ફિલ્મ જુઓ અને મનભરીને જીવો, પરંતુ એક ખરાબ બાબત પણ છે કે, તમામ પ્રકારનાં લોકો માટે ફિલ્મો નથી બનતી. અહીં મોટા બજેટની ફિલ્મો બને છે. હું જાતે અલગ-અલગ ફિલ્મો જોવાનું પસંદ કરું છું.

તારી પસંદગીની ફિલ્મ કઈ છે?
‘બેખુદી’ એ મારી પહેલી ફિલ્મ છે અને મને ખૂબ પસંદ છે. હું એ ફિલ્મમાં ઊંડી ઊતરી ગઈ હતી. નાચવા-ગાવાના શોખને કારણે પછી મેં અન્ય ફિલ્મો પણ સાઈન કરી હતી. અન્ય ઘણી ફિલ્મો મને યાદ છે અને લિસ્ટ બહુ લાંબું છે. દરેક ફિલ્મમાંથી મને કંઈક શીખવા મળ્યું છે.

You might also like