‘ચાલ’ કહી આપે તમારી યાદશક્તિનું ભાવિ

ખૂબ જૂની કહેવત છે, સાઠે બુદ્ધિ નાઠે. એટલે કે માણસની ઉંમર ૬૦ વર્ષની થાય એ પછી એની બુદ્ધિ નાસવા લાગે છે. વિજ્ઞાનીઓ એને ડિમેન્શિયા અથવા અલ્ઝાઈમર (યાદશક્તિનો ભ્રંશ) કહે છે. ૬૦ વર્ષની ઉંમર વટાવનારા મોટા ભાગનાં લોકોને એની ચિંતા કોરી ખાતી હોય છે કે, વધતી ઉંમર સાથે બુદ્ધિ ખલાસ થતી જશે તો?

ફ્રાન્સના તોલુસ શહેરમાં આવેલી યુનિવર્સિટી હૉસ્પિટલના સંશોધક નાતાલિયા ડેલ કેમ્પોએ તાજેતરમાં ૬૦ વર્ષ ઉપરનાં સ્ત્રી-પુરુષોની બુદ્ધિ ઘસાશે કે નહીં, એ જાણી લેવાનો એક સરળ ઉપાય શોધી કાઢ્યો છે. આ નિષ્ણાતે ૬૦ વર્ષ ઉપરનાં ૧૨૮ સ્ત્રી-પુરુષોના મગજની ચકાસણી કરી અને તેમની ચાલનો અભ્યાસ કરી જોયો. એમાં જાણવા મળ્યું કે, જે સ્ત્રી-પુરુષોની ચાલ ધીમી હોય એને યાદશક્તિ ઊડી જવાની શક્યતા વધુ રહે છે.

અભ્યાસમાં જાણવા મળ્યું કે, યાદશક્તિ ભ્રંશ થવાનું કારણ મગજનાં કેન્દ્રોમાં જામતા એમીલોઈડ પ્રોટીનના રેસા હોય છે. આ પ્રોટીન મગજમાં કુદરતી રીતે બનતું જ રહે છે. મગજનાં રસાયણો તેને તોડીને ભૂક્કો કરતા રહે છે. જો મગજનાં રસાયણો તેને તોડી ન શકે તો તે મગજનાં વિવિધ કેન્દ્રોમાં જામવા લાગે છે અને ત્યાંના કોષને નિષ્ક્રિય બનાવતું રહે છે.

યાદશક્તિ કેન્દ્રના કોષનો વારો ખૂબ મોડેથી આવે છે. પહેલાં એમીલોઈડ મગજના પુટામેન કેન્દ્રમાં અડ્ડો જમાવે છે. આ કેન્દ્ર શરીરના સ્નાયુઓને નિયંત્રિત કરે છે. અહીં એમીલોઈડ જામે તો વ્યક્તિની હિલચાલ ધીમી પડી જાય છે. જો ૬૦ વર્ષ પછી ચાલ નવ ટકા કે વધુ ધીમી પડે તો એવા સ્ત્રી-પુરુષને આગળ જતાં યાદશક્તિ નાશ પામવાનું જોખમ અનેકગણું વધી જાય છે.

આ પ્રયોગ અલ્ઝાઈમરનો રોગ શરીરમાં પોતાનું પોત પ્રકાશે અને ડૉક્ટરને એની જાણ થાય એ પહેલાં કહી આપશે કે તમને અલ્ઝાઈમર થવાનું જોખમ છે. એટલે તમે પાણી પહેલાં પાળ બાંધી શકશો.

You might also like