દિલ્હીમાં ઓડ નંબરની શરૂઆતઃ ઈવન નંબરવાળી ગાડીઓને રૂ. ૨૦૦૦નો દંડ

નવી દિલ્હી: દિલ્હીમાં નવા વર્ષથી નવી પહેલ શરૂ થઈ ગઈ છે. પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશ્યથી એકી અને બેકી સંખ્યાના (ઓડ-ઈવન નંબર) વાહનોની ફોર્મ્યુલા આજે ૧લી જાન્યુઆરીથી અમલી બની ગઈ છે. ૧ જાન્યુઆરીથી માત્ર ઓડ નંબર એટલે કે એકી સંખ્યાના નંબરો ધરાવતાં વાહનો અર્થાત એવાં વાહનો જેના નંબરના અંતે ૧, ૩, ૫, ૭ અને ૯ નંબર આવતા હોય તે જ વાહનોને મંજૂરી આપવામાં આવી હતી અને એકી સંખ્યા નહીં ધરાવતાં જે વાહનો રોડ પર જોવા મળ્યાં હતાં તેનું ચલાન કાપીને તેમને દંડ કરવામાં આવ્યો હતો.

આજે સવારે દિલ્હીની સડકો પર બેકી નંબર (ઈવન નંબર) વાળાં જે વાહનો રસ્તા પર નીકળ્યાં હતાં. તેમનાં ચલાન કાપીને તેમને દંડ કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર બી.એસ. બસીએ લોકોને આ ફોર્મ્યુલાનો અમલ કરવા અને સહકાર અપીલ કરી હતી.

દેશમાં પ્રથમ વાર પ્રાયોગિક ધોરણે ૧૫ િદવસ માટે આ ફોર્મ્યુલા હેઠળ નિર્ધારિત નંબરો ધરાવતાં વાહનોને ચલાવવામાં આવશે. આજે એકી નંબરના વાહનો માટે મંજૂરી હોવાથી દિલ્હીની સડકો પર જે બેકી નંબરવાળાં વાહનો નીકળ્યાં હતાં. તેમને રૂ. ૨૦૦૦નો દંડ કરવામાં આવ્યો હતો. ૧૫ િદવસ સુધી પ્રાયોગિક ધોરણે સવારે ૮.૦૦થી સાંજે ૮.૦૦ દરમિયાન આ ફોર્મ્યુલા અમલી રહેશે. જોકે મહિલાઓને તેમાંથી છુટ આપવામાં આવી છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ પોતાના પરિવહન પ્રધાન ગોપાલરાય અને આરોગ્યપ્રધાન સત્યેન્દ્ર જૈન સાથે કાર પુલિંગ કરીને પોતાના કાર્યાલય પર પહોંચ્યા હતા. કેજરીવાલે એફ.એમ. રેડિયો પર લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાના સહકર્મીઓ અને પડોશીઓ સાથે કાર પુલિંગ કરે અને ઓડ-ઈવન નંબરનું પાલન કરે. નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા પાસે ઈવન નંબરની ગાડી છે અને તેથી તેઓ દરેક ઈવન નંબરની ગાડીની તારીખ પર સાઈકલ દ્વારા કાર્યાલય જશે એવી જાહેરાત તેમણે કરી છે.

You might also like