2000 સુધીના ઈ-પેમેન્ટ માટે દરેક વખતે ડિટેઈલ આપવી નહિ પડે

મુંબઈ: ભારતીય રિઝર્વ બેન્કે ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી કરવામાં આવતા બે હજાર રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શનના નિયમમાં રાહત આપતાં જણાવ્યું છે કે આવા દરેક ટ્રાન્ઝેક્શનમાં હવે કાર્ડની ડિટેઈલ ભરવાની જરૂર નથી. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે કે માન્ય કાર્ડ નેટવર્કના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં કાર્ડ જારી કરનારા બેન્ક ચુકવણી પ્રાધીકરણ નિદાન 0નો વિકલ્પ આપવામાં આવશે, જેનો સ્વીકાર કરવો કે નહિ તે જે તે ગ્રાહકની ઈચ્છા પર આધાર રાખશે.

આ નવી સુવિધા હેઠળ એક વાર ટ્રાન્ઝેક્શન કરાયા બાદ આ નિદાન આપનારા વેપારીની સાઈટ પર ચુકવણી કરતી વખતે બીજી વાર કાર્ડનું પૂરેપૂરું વિવરણ આપવું નહિ પડે. આ વિકલ્પ સ્વીકારાયા બાદ ગ્રાહકને સ્વીકૃતિનો વિકલ્પ મળશે, જેમાં કાર્ડનું વિવરણ તથા બેન્ક દ્વારા આપવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ અથવા અન્ય પ્રાધીકરણ વિવરણ ભરવાનું રહેશે. ત્યારબાદ ફરીવાર આ નિદાનનો વિકલ્પ આપનારા વેપારીની સાઈટ પર ફરી 2000ની ખરીદી માટે કાર્ડની ડિટેઈલ નાખવાની જરૂર નહિ પડે. આરબીઆઈએ જણાવ્યું છે કે આ નવી સુવિધાથી ગ્રાહકોનાં સમય અને મહેનત બચશે, જોકે બેન્કે વધુમાં સ્પષ્ટતા કરી છે કે બે હજારથી વધુની ખરીદી માટે કાર્ડ ડિટેઈલ ભરવી પડશે. તેનાથી ઓછા ટ્રાન્ઝેક્શન બદલ ગ્રાહકો ઈચ્છે તો જૂની રીતે જ ટ્રાન્ઝેક્શન કરી શકે છે.

નોટબંધી બાદ લોકો મોટા ભાગે ક્રેડિટ કે ડેબિટકાર્ડથી જ વ્યવહાર કરી રહ્યા છે. તેના કારણે આગામી દિવસોમાં સરકારનું કેશલેસ અર્થતંત્ર બનાવવાનું સ્વપ્ન સાકાર થઈ શકે તેમ છે, જોકે આજે પણ કેટલાક લોકો ક્રેડિટ કે ડેબિટ કાર્ડના ઉપયોગથી અજાણ છે ત્યારે સરકારે પણ આવા ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ વધે તે માટે આવા કાર્ડથી થતા વ્યવહાર પર લેવામાં આવતા સરચાર્જને 31 ડિસેમ્બર સુધી માફ કરી દીધો છે અને આગામી સમયમાં પણ આવો ચાર્જ ઘટાડવાની તૈયારી ચાલી રહી છે.
http://sambhaavnews.com/

You might also like