સુકમામાં નક્સલીઓના ખાતમા માટે ૨૦૦૦ કોબ્રા કમાન્ડો મોકલાશે

નવી દિલ્હી: છત્તીસગઢના સુકમા જિલ્લામાં નકસલીઓના હુમલામાં ૨૫ જવાન શહીદ થયા બાદ સીઆરપીએફ દ્વારા નકસલીઓનો ખાતમો બોલાવવા સુકમા વિસ્તારમાં ૨૦૦૦ કોબ્રા કમાન્ડોને મોકલવાની તૈયારી ચાલી રહી છે. જેમાં નકસલીઓ અને તેમના હથિયારોનો ખાતમો બોલાવવા કોબ્રા બટાલિયનને જવાબદારી આપવામાં આવશે.

સુકમા તેમજ તેની આસપાસના વિસ્તારમાં નકસલીઓ અવારનવાર સુરક્ષા દળોને નિશાન બનાવી હુમલા કરે છે. ત્યારે તાજેતરમાં સીઆરપીએફના ૨૫ જવાન શહીદ થયા હતા. તેને ધ્યાનમાં લઈને આવું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે અર્ધસૈનિક દળે આ માટે કોબ્રા(કમાન્ડો બટાલિયન ફોર રિસોલુટ એક્શન) ની ૨૦ થી ૨૫ કંપની આ વિસ્તારમાં મોકલવાની યોજના બનાવી છે. આ કંપની હાલ પશ્વિમ બંગાળ, બિહાર, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં છે. તેમને સુકમા જિલ્લામાં મોકલવામાં આવશે. કોબ્રાની એક કંપનીમાં ૧૦૦ જવાન હોય છે.

અધિકારીએ જણાવ્યું કે ટૂંક સમયમાં જ ટીમને આ વિસ્તારમાં મોકલવામાં આવશે.  માત્ર ગુપ્તચર વિભાગની સૂચનાથી જ કોબ્રાનું અભિયાન ચાલે છે. જેમાં ખૂબ જ તાલીમ પામેલા કમાન્ડોની ટીમ તૈયાર કરવામાં આવે છે. આ કમાન્ડો દુશ્મનોને નિષ્ક્રિય બનાવી દે છે.

http://sambhaavnews.com/

You might also like