રાજધાની નવી દિલ્હીમાં 20થી 25 ટકા બાળકો અસ્થમાનો શિકાર

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવા સંબંધિત યાચિકા પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ એ સત્ય જાણે છે કે નવજાત બાળકો પ્રદૂષણને કારણે ફેફસાંની બીમારીનો ભોગ બની રહ્યાં છે. ર૦થી રપ ટકા બાળકો અસ્થમા અને બ્રોન્કાઇટિસનો શિકાર બન્યા છે.

કોર્ટ એ બાબત પર અભ્યાસ કરી રહી છે કે શું ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો કે તેને તાર્કિંક રીતે રેગ્યુલેટ કરવા. કોર્ટે કહ્યું કે બે બાબતોનું ધ્યાન રાખવાનું છે કે ફટાકડાથી કેટલું પ્રદૂષણ થઇ રહ્યું છે અને તેને કંટ્રોલ કરવા શું ઉપાય કરવા જોઇએ. બીજું આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે તહેવાર લોકોની જિંદગીનો હિસ્સો પણ છે.

સુનાવણી દરમિયાન અરજદારના વકીલે દલીલ કરી કે સપ્ટેમ્બર-ર૦૧પમાં આ અરજી દાખલ કરાઇ હતી. ૧૧ નવેમ્બર ર૦૧૬ના રોજ કોર્ટે આદેશ કર્યો હતો કે રાજધાનીમાં એર પોલ્યુશન કંટ્રોલ કરવા માટે સુપ્રીમે કડક પગલાં ભરતાં તમામ પ્રકારના ફટાકડાનાં વેચાણના લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધાં હતાં. પોલ્યુશનના લેવલને જોતાં આ નિર્ણય લેવાયો હતો.

અરજકર્તા તરફથી કહેવાયું હતું કે પીએમ ર.પનું લેવલ દિવાળીમાં ફટાકડાના કારણે અનેકગણું વધી જાય છે અને સંશોધનોથી એ સ્પષ્ટ થયું છે કે તે બાળકો માટે પણ ખતરનાક હોય છે. તેમની અરજીમાં એનસીઆર વિસ્તારમાં ફટાકડાનાં વેચાણ, પઝેશન અને ટ્રાન્સપોર્ટેશન પર પ્રતિબંધની વાત કરાઇ હતી. બાળકોનાં ફેેફસાં પ્રભાવિત થઇ રહ્યાં છે.

પીએમ ર.પ લેવલ વધવાથી નવજાત શિશુ અને બાળકોને વધુ ખતરો છે. હોસ્પિટલોમાં શ્વાસની બીમારીવાળા બાળકોની સંખ્યા વધી રહી છે જે અત્યંત હાનિકારક છે. નવજાત બાળકોનાં ફેફસાં ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઇ રહ્યાં છે. બાળકો તરફથી તેમના ભવિષ્ય અને સ્વાસ્થ્યને સુર‌િક્ષત રાખવા માટે અરજી કરીને કહેવાયું હતું કે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે.

You might also like