૩૫૦ જવાનો, ૯૬ કલાકનું ઓપરેશન અને ૨૦ નક્સલવાદીઓનાે ખાતમો

બીજાપુર (છત્તીસગઢ): સીઆરપીએફના આઈજી દેવેન્દ્ર ચૌહાણે સૌથી મોટો ઘટસ્ફોટ કરતાં જણાવ્યું છે કે સુકમા અને બીજાપુરની સરહદે સીઆરપીએફ, કોબ્રા, એસટીએફ અને ડીઆરજીના ૩પ૦ જવાનોએ નક્સલીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું ૯૬ કલાકનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને આ ઓપરેશનમાં ૨૦ નક્સલીઓનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે, જોકે હજુ સુધી કોઈ નક્સલીનો મૃતદેહ મળ્યો નથી.

આ ઓપરેશન દરમિયાન એસટીએફનો એક જવાન શહીદ થયો હતો અને બે ઘાયલ થયા છે. આઈજીએ નક્સલીઓના નામે સંદેશ આપ્યો છે કે જો અથડામણ દરમિયાન કોઈ નક્સલીઓ ઘેરાઈ જાય તો તેઓ શસ્ત્રો હેઠાં મૂકી શરણાગતિ સ્વીકારી લે તો તેમને કોઈ નુકસાન પહોંચાડવામાં આવશે નહીં.

દેવેન્દ્ર ચૌહાણે એસપી કાર્યાલયમાં પત્રકાર પરિષદ બોલાવીને આ ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ અભિયાન દરમિયાન ગામના સ્થાનિક લોકોએ જવાનોને ઘણી મદદ કરી હતી. બાસાગુડા વિસ્તારના પૂવર્તી, રાયગુડમ અને ચીન્નાબોડકેલનાં જંગલોમાં ૧૩થી ૧૫ મે સુધી નક્સલીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, તેમાં ૩૫૦ જવાનોએ ૨૦૦ નક્સલીઓને ઘેરવાની કોશિશ કરી હતી. નક્સલીઓના રેડિયો ટ્રાન્સમિશનને ટ્રેસ કરવાથી એવો ઘટસ્ફોટ થયો છે કે ૨૦ નક્સલીઓ માર્યા ગયા હતા અને તેમના મૃતદેહ તેમના સાથીઓ લઈ જવામાં સફળ રહ્યા હતા.

આઈજીએ જણાવ્યું હતું કે પ્રતિકૂળ પરિસ્થિતિ અને દાહક ગરમીમાં જવાનોએ દુર્ગમ પહાડી વિસ્તારમાં નવી રણનીતિ અને નવા ફોર્મેટનો ઉપયોગ કરીને આ ઓપરેશન ચલાવ્યું હતું. પ્રથમ વાર એવું જોવા મળ્યું કે નક્સલીઓ કોબ્રાની વરદીમાં દેખાયા હતા. આઈજીએ જણાવ્યું હતું કે સમગ્ર ટીમ પરત આવી ચૂકી છે અને એક અન્ય ટીમ ખાનગી રીતે એક મોટું ઓપરેશન હાથ ધરવા જંગલમાં પ્રવેશ કરી ચૂકી છે. આ ઓપરેશનમાં શહીદ થનાર જવાન સુલભ ઉપાધ્યાયનો પાર્થિવદેહ તેમના વતન યુપી રવાના કરવામાં આવ્યો છે.

બુરકાપાલ હુમલામાં સામેલ નક્સલીઓની ધરપકડ
કોબ્રા અને જિલ્લા પોલીસદળે ચિંતાગુફા પોલીસ સ્ટેશનથી ત્રણ અને ચિંતલનાર પોલીસ સ્ટેશનથી પાંચ નક્સલીની ધરપકડ કરીને તેમને સ્થાનિક કોર્ટ સમક્ષ રજૂ કરીને કોર્ટના આદેશ મુજબ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે એક કાયમી વોરંટી નક્સલીની પણ ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ નક્સલીઓ ૨૪ એપ્રિલે સીઆરપીએફના જવાનો પર થયેલા નકસલી હુમલા સહિત અનેક માઓવાદી હુમલામાં સંડોવાયેલા હોવાનો આરોપ છે. ઝડપાયેલા નક્સલીઓ માઓવાદીના ડીએકેએમએસ, મિલિશિયા અને ગ્રામ કમિટીના સભ્ય તરીકે કામ કરતા હતા.
http://sambhaavnews.com/

You might also like