૨૦ મહિનાથી મારી પત્ની અને બાળકો ક્યાં છે તેની મને ખબર નથી

અમદાવાદ: શહેરના કોટ વિસ્તારમાં રહેતી એક પરિણીતા તેના ત્રણ સંતાનો સાથે છેલ્લા 20 મહિનાથી લાપતા બની છે. રહસ્મય સજોગોમાં અપહ્યત પરિણીતાનો મામલો મહિલા ક્રાઈમ બ્રાંચમાં ચર્ચાસ્પદ બન્યો છે. લાપતા પરિણીતાની ભાળ મેળવવા માટે તેના પતિએ હાઈકોર્ટમાં કરેલી હેબિયસ કોર્પસ અરજીમાં ખુદ હાઈકોર્ટે મહિલા ક્રાઈમ બ્રાંચને પતિની ફરિયાદ અનુસંધાનમાં તાત્કાલિક પગલાં લેવા માટે હુકમ કર્યો છે તેમ છતાં આજ દિન સુધી પોલીસ તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

આ સમગ્ર પ્રકરણમાં મિલન સોની નામના એક શખ્સની ભૂમિકા ગંભીર શંકાના ઘેરામાં છે કે જેની સામે ખુદ પરિણીતાના પતિએ અપહરણ સહિતના ગુનાની ફરિયાદ પણ કરી છે પરંતુ તેમછતાં હજુ સુધી આ મામલે પોલીસે તપાસ સુધ્ધાં કરી નથી કે, લાપતા પરિણીતાની ભાળ મેળવી શકી નથી.

રહસ્યના અનેક તાણાવાણા સર્જતા આ કેસની વિગતો એવી છે કે, માણેકચોક વિસ્તારમાં રહેતા રાજેશભાઈનાં 17 વર્ષ અગાઉ શહેરના કોટ વિસ્તારમાં રહેતી હીના સાથે પ્રેમલગ્ન થયા હતાં. લગ્નજીવન દરમિયાન તેઓને ત્રણ સંતાનો થયાં. 2014માં ઉનાળુ વેકેશન માટે હીના સંતાનો સાથે પિયર ગયા બાદ ત્યાંથી સાસરિયે પરત ફરવાના બદલે તેના ભાઇના ત્યાં રોકાવા જતી રહી હતી. એ પછી ત્યાંથી પરિણીતા રહસ્યમય સંજોગોમાં ત્રણ સંતાનો સાથે લાપતા બની ગઇ હતી. દરમ્યાન ગત તા.27-7-2014ના રોજ રાજેશભાઈના ત્યાં મિલન સોની નામના શખ્સે આવી હીનાબહેન સાથે છૂટાછેડા લઇ લેવા ધમકી આપી હતી. આ અંગે રાજેશભાઈએ ખાડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજેશભાઈએ મિલન નામના શખ્સના બેકગ્રાઉન્ડની તપાસ કરી તો તેમાં જાણવા મળ્યું હતું કે, મિલન સોની નામનો શખ્સ મૂળ મહેસાણાનો વતની છે અને તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ તમામ હકીકતો પરત્વે રાજેશભાઈએ મહિલા ક્રાઇમ બ્રાંચથી લઇ સંબંધિત સત્તાવાળાઓનું ધ્યાન દોરી પોતાની પત્ની અને બાળકોની સુરક્ષા અને તેઓની ભાળ મેળવવા માટે વારંવાર લેખિત રજૂઆતો કરી હતી, છતાં પોલીસે કોઇ જ કાર્યવાહી કરી નહી. થાકી હારીને રાજેશભાઈએ ગુજરાત હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં. હાઇકોર્ટે પણ કેસની ગંભીરતાને ધ્યાને લઇને અરજદાર પતિની ફરિયાદ અનુસંધાનમાં તાત્કાલિક પગલાં લેવા મહિલા ક્રાઇમ બ્રાંચને સ્પષ્ટ હુકમ કર્યો હતો. જો કે, એ કમનસીબી છે કે, પોલીસ સત્તાવાળાઓ તરફથી હજુ સુધી હાઇકોર્ટના હુકમ અનુસંધાનમાં કોઇ જ નક્કર પગલાં લેવાયા નથી.

રાજેશભાઈએ જણાવ્યું હતું કે, હાઇકોર્ટના હુકમ છતાં પોલીસે મારી પત્ની અને સંતાનોને શોધવામાં કે મીલન સોની વિરુદ્ધ કાર્યવાહી કરવાના કોઇ જ પગલાં લીધાં નથી. છેલ્લા 20 મહિનાઓથી મેં મારી પત્ની અને સંતાનોનું મોં જોયું નથી. એ લોકો કયાં છે અને કઇ પરિસ્થિતિમાં છે તેની જાણ સુદ્ધાં મને નથી. જો હાઇકોર્ટના હુકમ છતાં મને હવે પોલીસ તરફથી ન્યાય નહી મળે તો છેક સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય માટે જઇશ.

મહિલા ક્રાઈમ બ્રાંચનાં એસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, અમને પાંચમી ફેબ્રુઆરીનાં રોજ હાઈકોર્ટનો ઓર્ડર મળ્યો હતો જેથી મેં મહિલા પોલીસ સ્ટેશનનાં પીઆઈને જાણ કરીને બન્ને પરિવારને પોલીસ સ્ટેશનમાં મળવા બોલાવ્યા છે. ઉપરાંત પહેલા અરજી થઈ ત્યારે કેમ તપાસ કરવામાં આવી ન હતી તેની પણ તપાસ કરાશે .

સીબીઆઇએ પણ કાર્યવાહી કરવા સૂચના આપી હતી
રાજેશભાઈની ફરિયાદ અનુસંધાનમાં ખુદ સીબીઆઇ, ગાંધીનગરના ડીએસપી તરફથી ડીજીપી કચેરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના જારી કરાઇ હતી પરંતુ તેમછતાં હજુ સુધી આ મામલામાં કોઇ જ પરિણામ આવ્યું નથી.

You might also like