મહિલા DYSPના બંગલામાંથી 20 લાખના સોનાના દાગીનાની ચોરી

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં દિન-પ્રતિદિન ચોરીની ઘટના વધી રહી છે. રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી કોઇ અનિચ્છનીય બનાવ શહેરમાં ના બને તે માટે મોડી રાતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રખાયો છે તથા પોલીસ સતત પેટ્રો‌લિંગ કરી રહી છે તેમ છતાંય તસ્કરો સોસાયટી, બંગલા, ફ્લેટ અને મંદિરમાં બિનધાસ્ત ચોરીની ઘટનાને અંજામ આપે છે.

નારોલ વિસ્તારમાં આવેલા મહિલા ડીવાયએસપીના બંગલામાંથી ર૦ લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી થતાં પોલીસબેડામાં દોડધામ મચી ગઇ છે. નારોલ વિસ્તારમાં આવેલ શ્રીજી બંગલાેની ગલીમાં ભગીરથ હોમ્સ બંગલોઝમાં રહેતાં અને જૂનાગઢની પોલીસ ટ્રે‌નિંગ કોલેજમાં ફરજ બજાવતાં ડીવાયએસપી ચેતનાબહેન નવીનચંદ્ર ચૌધરીએ નારોલ પોલીસ સ્ટેશનમાં ૬૭ તોલા સાેનાના દાગીનાની ચોરીની ફરિયાદ કરી છે.

ચેતનાબહેન છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ પોલીસ ટ્રે‌નિંગ કોલેજમાં ફરજ બજાવતાં હોવાથી તે ત્યાં રહે છે. ગઇ કાલે ચેતનાબહેનના મોબાઇલ પર એક ફોન આવ્યો હતો અને તેમના બંગલાનું તાળું તૂટેલું છે તેવું જણાવ્યું હતું.

બંગલાનું તાળું તૂૂટેલું હોવાના સમાચાર મળતાંની સાથે જ ચેતનાબહેન તાત્કા‌િલક જૂનાગઢથી અમદાવાદ આવવા માટે નીકળી ગયાં હતાં. રાતે ચેતનાબહેન તેમના બંગલે પહોંચ્યા ત્યારે બંગલાનું તાળું તૂટેલું હતું અને અંદર રહેલો સરસામાન વેરવિખેર હતો. બંગલાના પહેલા માળ પર જઇને ચેતનાબહેને તપાસ કરી તો રૂમમાં રહેલી લોખંડની તિજોરી તોડીને તસ્કરોએ તેમાં રહેલા ૬૭ તોલા સોનાના દાગીના અને ત્રણ હજાર રૂપિયા રોકડા લઇને ફરાર થઇ ગયા હતા.

ચેતનાબહેને તાત્કા‌િલક પોલીસ કંટ્રોલમાં જાણ કરીને ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ડીવાયએસપીના મકાનમાં ચોરી થઇ હોવાના સમાચાર મળતાંની સાથે નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ મોડી રાતે દોડી ગયા હતા.

પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તસ્કરો તેમના બંગલાના મુખ્ય દરવાજાનું તાળું તોડીને ઘૂસ્યા હતા. તસ્કરોએ આખો બંગલો વેરવિખેર કર્યા બાદ પહેલા માળેથી ર૦ લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી. પોલીસે તસ્કરો વિરુદ્ધમાં ચોરીનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ડીવાયએસપીના બંગલામાં થયેલી ચોરીમાં પોલીસે ડોગ સ્કવોડ, એફએસએલ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સ્પર્ટની પણ મદદ લીધી છે.

નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એ. જાદવે જણાવ્યું છે કે ચેતનાબહેન અપ‌િરણીત છે. તેઓ તેમનાં માતા-પિતા સાથે રહે છે. હાલ તેમનાં માતા-પિતા સુરતમાં રહે છે અને ચેતનાબહેન જૂનાગઢ પોલીસ ટ્રે‌િનંગ કોલેજમાં ફરજ બજાવે છે અને ભગીરથ હોમ્સનું ઘર બંધ હોય છે.

You might also like