મહારાષ્ટ્રના દહાણુ પાસે માલગાડીના ડબ્બામાં આગનો બનાવ, અમદાવાદ-મુંબઇ રેલ વ્યવહારને અસર

મહારાષ્ટ્રના દહાણુ પાસે માલગાડીના બે ડબ્બામાં આગનો બનાવ બન્યો છે. જેના પગલે અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. મુંબઇ ડિવિઝનના દહાણુ રોડ સ્ટેશન પાસે રાત્રે અંદાજે 10:35 વાગે માલગાડીના બે ડબ્બામાં અચાનક આગ લાગતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

જો કે આગ લાગવાની જાણકારી મળતાં રેલવે વિભાગના કર્મચારી તરત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે આગ એટલી બધી ભયંકર હતી કે તેના પર કાબૂ મેળવતા ઘણો બધો સમય લાગ્યો હતો.

માલગાડીના ડબ્બામાં આગલાગવાના કારણે રેલવેના આવનજાવન પર અસર જોવા મળી હતી. અપ અને ડાઉન બંને રૂડ પર રેલવે સેવા પર અસર થતાં અનેક ટ્રેનો તેમના નિયત સમય કરતાં મોડી ચાલી રહી છે જ્યારે અનેક ટ્રેન રદ્દ કરી દેવામાં આવી છે.

મહારાષ્ટ્રના દહાણુ અને વનગાંવ વચ્ચે માલગાડીમાં આગ લાગી હતી. ગુરૂવારે મોડી રાત્રે ટ્રેનમાં આગ લાગતા મુંબઈથી અમદાવાદનો રેલ વ્યવહાર ઠપ્પ થયો છે.અનેક ટ્રેનોના સમય પત્રકમાં ફેરફાર અને કેટલીક ટ્રેનો રદ્દ પણ કરવામા આવી છે.

અમદાવાદથી ઉપડતી કર્ણાવતી એક્સપ્રેસને વલસાડથી પરત કરવામાં આવી. જ્યારે વલસાડ એક્સપ્રેસ અને ફ્લાઈંગ રાનીને રદ્દ કરવામાં આવી. આ ઘટના બાદ રેલ તંત્ર દ્વારા ટ્રેનના જે ડબ્બામાં આગ લાગી હતી, તે ડબ્બાને દૂર કરીને કામગીરી ચાલુ કરવામાં આવી હતી.આ ઘટના બાદ બન્ને તરફની લાઈનો બંધ રાખવામાં આવી છે.

You might also like