નિઝામુદ્દીન દરગાહના બે મૌલવી પાકિસ્તાનથી લાપતા

નવી દિલ્હીઃ નિઝામુદ્દીન ઓલિયાની દરગાહના બે મૌલવી પાકિસ્તાનથી લાપતા થયાના અહેવાલ છે, જેના કારણે ભારે ખળભળાટ મચી ગયો છે. આસિફ નિઝામી અને નાઝિમ નિઝામી નામના આ બે મૌલવી નિઝામુદ્દીન દરગાહના જાણીતાં નામ છે. તેઓ લાહોરના દાતા દરબાર દરગાહના આમંત્રણથી ત્યાં ગયા હતા અને ત્યાંથી તેઓ ગાયબ થયાનું બહાર આવતાં વિદેશ મંત્રાલયે આ મામલે પાકિસ્તાન સરકાર સાથે અતિગંભીરતાથી ચર્ચા કરી છે.

ઈસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચ આયોગે આ અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય સાથે વાત કરી છે, જોકે હજુ સુધી આ અંગે ભારતને કોઈ સત્તાવાર માહિતી મળી નથી. દિલ્હીના હજરત નિઝામુદ્દીન અને લાહોરના દાતા દરબાર વચ્ચે જૂનો સંબંધ છે. તેથી આ બંને સૂફી દરગાહના મૌલવીઓ દર વર્ષે એકબીજાને ત્યાં આવતા-જતા રહે છે ત્યારે પાકિસ્તાની મીડિયામાં એવા અહેવાલ બહાર આવ્યા છે કે એક ભારતીય મૌલવી કરાચીથી જ્યારે બીજા મૌલવી લાહોરથી ગાયબ થયા છે, જોકે આ વાતને વિદેશ મંત્રાલયે સમર્થન આપ્યું નથી.

૮૦ વર્ષના આસિફ અલી નિઝામી 6 માર્ચે પાકિસ્તાન એરલાઈન્સના વિમાનથી કરાચી પહોંચ્યા હતા. ત્યાં તેઓ તેમની બહેનના ત્યાં રોકાયા હતા અને ત્યાંથી બાબા ફરીદની દરગાહ પર ચાદર ચઢાવવા લાહોર ગયા હતા.
http://sambhaavnews.com/

You might also like