કારમાંથી ૧૭૯ પેટી દારૂના જથ્થા સાથે બે શખસોની ધરપકડ

અમદાવાદ: છેલ્લા ચારેક મહિનાથી સુષુપ્ત અવસ્થામાં રહેલી પીસીબી સ્ક્વોડ ૩૧ ડિસેમ્બર આવતાં સફાળી જાગી છે અને શહેરમાંથી દારૂના જથ્થાને ઝડપી પોતાની કામગીરી બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. ગત મોડી રાત્રે આંબાવાડીમાં સહજાનંદ કોલેજ ચાર રસ્તા પાસેથી પીસીબી સ્ક્વોડે ૧૭૯ પેટી પરપ્રાંતીય દારૂના જથ્થાને સેન્ટ્રો કારમાંથી ઝડપી બે આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ પીસીબી સ્ક્વોડે ૩૧ ડિસેમ્બરની ન્યૂ યર પાર્ટીઓમાં દારૂની મહેફિલ માટે દારૂનો જથ્થો શહેરમાં ઊતરતો હોવાથી કામગીરી દર્શાવવા ગત મોડી રાત્રે બાતમીના આધારે સહજાનંદ કોલેજ ચાર રસ્તા પાસે વોચ ગોઠવતાં એક સેન્ટ્રો કાર આવી હતી, જેને પોલીસે રોકી તપાસ કરતાં અંદરથી અલગ અલગ ૧૭૯ પેટી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની મળી આવી હતી.

પોલીસે કારમાં બેઠેલા જાવેદખાન પઠાણ (ઉં.વ. ૨૬, રે. કસબાપાર્ક, ફતેવાડી કેનાલ, સરખેજ) અને વકીલ અહેમદ દોસ્ત મહંમદ અન્સારી (ઉં.વ. ૨૬, રહે. મરીયમ બીબીની ચાલી, ગોમતીપુર)ની ધરપકડ કરી હતી. પોલીસે દિલીપ ઉર્ફે દિલીપ મારવાડી, અકબરઅલી ઉર્ફે કાલુ, મફો ઉર્ફે મફો મારવાડી, જોગીન્દર શર્મા ઉર્ફે ફોજી અને મહેન્દ્ર શર્માને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ૧૭૯ પેટી દારૂનો જથ્થો કિંમત રૂ. ૭૧,૬૦૦, સેન્ટ્રો કાર રૂ. ૧.૨૫ લાખ, મોબાઇલ-૨, કિંમત રૂ. ૧૦૦૦ મળી કુલ રૂ. ૧.૯૮ લાખનો મુદ્દામાલ કબજે કરી બંનેની ધરપકડ કરી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઇ જવાના હતા તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.

You might also like