ઝારખંડમાં બે મુસ્લિમ વેપારીની હત્યા કરી ઝાડ પર લટકાવ્યા

રાંચી: યુપીના દાદરીમાં બીફની અફવા પર મુસ્લિમ શખસની હત્યા જેવો એક સનસનીખેજ મામલો ઝારખંડમાં સામે આવ્યો છે. ૮ ભેંસ સાથે બજારમાં જઇ રહેલ બે મુસ્લિમ શખસોની કતલ કરીને તેમની લાશો ઝાડ પર લટકાવી દીધી હતી.
આ ઘટનામાં પશુ રક્ષણ સમિતિના સભ્યો ઉપર હત્યાનો શક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ ઘટના ઝારખંડની રાજધાનીથી ૧૦૦ કિ.મી. દૂર લાતેહાર જિલ્લાના બાલમૂઠના જંગલમાં ઘટી હતી. મૃતક મહંમદ મજલૂમ (ઉ.વ. ૩પ) અને આઝાદખાન ઉર્ફે ઇબ્રાહીમ (ઉ.વ.૧પ) પશુઓની લે વેચનો બિઝનેસ કરતા હતા અને એક બીજાનાં સગાં સંબંધી થતાં હતાં. તેમની હત્યા બાદ તેમની લાશોને ઝાડ પર લટકાવી દેવાઇ હતી.

આ બંને મુસ્લિમ વેપારીઓના હાથ પાછળથી બાંધેલા હતા અને હત્યારાઓએ ક્રૂરતાની તમામ મર્યાદાઓ તોડીને તેમનાં મોંમાં કપડાના ડૂચા ઠાંસી દીધા હતા. લાતેહારમાં એસપી અનુપ બરથરીએ જણાવ્યું હતું કે, જે રીતે તેમની હત્યા કરીને તેમની લાશ લટકાવી દેવાઇ હતી તેના પરથી પુરવાર થાય છે કે હત્યારાઓને તેમના પ્રત્યે ભારે નફરત હતી.

ઝારખંડ વિકાસ મોરચાના સ્થાનિક ધારાસભ્ય પ્રકાશરામે દાવો કર્યો છે કે આ ઘટના પાછળ હિન્દુ કટ્ટરવાદીઓનો હાથ છે. આ ઘટનાના વિરોધમાં દેખાવો કરી રહેલા ગ્રામીણોનું કહેવું છે કે બંને પશુઓની લે વેચ કરતા હતા અને તેથી તેમને નિશાન બનાવવામાં આવ્યાં છે. એસ.પી. બરથરીએ હત્યારાઓની ઓળખ અંગે કંઇ કહેવા ઇનકાર કર્યો હતો. એમણે જણાવ્યું હતું કે, આ બંને વેપારીઓની હત્યા પાછળ કોઇ અંગત અદાવત જવાબદાર છે કે કેમ તેની અમે તપાસ કરી રહ્યા છીએ.

You might also like