બેડમિન્ટનમાં ફિક્સિંગઃ મલેશિયાએ બે ખેલાડી પર પ્રતિબંધ લગાવ્યો

કુઆલાલમ્પુરઃ મલેશિયાએ બે બેડમિન્ટન ખેલાડીઓ પર ભ્રષ્ટાચાર અને મેચ ફિક્સિંગમાં દોષી ઠર્યા બાદ ક્રમશઃ ૨૦ અને ૧૫ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (WBF)એ જણાવ્યું કે ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ૨૫ વર્ષીય ઝુલ્ફાદલી ઝુલ્કિફલીને ૨૦ વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે અને તેને ૨૫,૦૦૦ ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

૩૧ વર્ષીય ચૂન સિયાંગ પર ૧૫ વર્ષનો પ્રતિબંધ અને ૧૫,૦૦૦ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે.સંસ્થાના નિવેદન અનુસાર આ બંને સટ્ટાબાજી, જુગાર અને અનિયમિત મેચ પરિણામ સંબંધિત WBF આચારસંહિતાના ઉલ્લંઘનના દોષી ઠર્યા છે. WBF પેનલે ગત ફેબ્રુઆરીમાં સિંગાપુરમાં આ મામલાની સુનાવણી કરી હતી, જે દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બંને ખેલાડી ૨૦૧૩થી ઘણી મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હતા.

WBFએ જણાવ્યું કે ઝુલ્ફાદલી લાંબા સમયથી ફિક્સિંગમાં સંડોવાયેલો હતો અને તેણે ચાર મેચનાં પરિણામ પ્રભાવિત કર્યાં હતાં. મલેશિયન બેડમિન્ટન સંઘના અધ્યક્ષ નોર્જા ઝકરિયાએ કહ્યું, ”આ મલેશિયન બેડમિન્ટ માટે દુઃખદ અને આઘાત પહોંચાડનારો દિવસ છે. જે રમત અમારા દિલની નજીક છે તેના પર મેચ ફિક્સિંગનો દાગ લાગી ગયો છે.”

તાન ચૂન ૨૦૧૦માં પ્રતિષ્ઠિત થોમસ કપ માટે મલેશિયન ટીમમાં સામેલ હતો. ઝુલ્ફાદલીએ ૨૦૧૧માં ડેન્માર્કમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન વિક્ટર એક્સલેસનને હરાવીને વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ જીતી હતી.

You might also like