બગદાદીની સેનામાં બે ભારતીયોઃ ભારતના ૧ર રાજ્યોમાં ISનો પ્રભાવ

નવી દિલ્હી: પ્રજાસત્તાક દિન પૂર્વે હૈદરાબાદમાં ઝડપાયેલા શકમંદોનાં નિવેદનો પરથી સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ થઇ ગઇ છે. એનઆઇએની પૂછપરછમાં એવી ચોંકાવનારી વાત બહાર આવી છે કે ઝડપાયેલા ચાર શકમંદોની પૂછપરછ પરથી ખબર પડી છે કે તેના બે મિત્રો બગદાદની સેનામાં જોડાઇ ગયા છે અને સિરિયામાં આઇએસઆઇએસ માટે લડી રહ્યા છે.

બીજી બાજુ મહારાષ્ટ્રની એટીએસ ટીમે એવો એકરાર કર્યો છે કે ભારતમાં એક ડઝનથી વધુ રાજ્યોમાં આઇએસની અસર જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર એટીએસએ જણાવ્યું છે કે જેહાદી વિચારોને ભડકાવતી ૯૪ વેબસાઇટ બંધ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના એટીએસ વડા વિવેક ફણસાલકરે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર સહિતના દેશના ૧૦થી ૧ર રાજ્યો ખોફનાક ત્રાસવાદી સંગઠન આઇએસથી પ્રભાવિત છે.

દરમિયાન ગોરખપુરથી મળતા સમાચારો અનુસાર કુશીનગરમાં ઝડપાયેેલ શકમંદ આઇએસ આતંકી રિઝવાનની બાબતમાં એવો ચોંકાનારો ઘટસ્ફોટ થયો છે કે રિઝવાન આઇએસના વડા અબુુ બકર અલબગદાદી સાથે સીધો સંપર્કમાં હતા. તે લખનૌમાં ધરપકડ કરાયેલા અલી અહેમદ સરકાર પાસેથી મળેલા લેપટોપ પર ટેરરિસ્ટ વેબસાઇટની સર્ચ કરતો હતો. રિઝવાન સ્વર્ગ મેળવવા ઇચ્છતો હતો તેથી તે સિરિયા જઇને અમેરિકી સેના સામે આઇએસ વતી લડવા માગતો હતો. રિઝવાનના પરિવારે જણાવ્યું છે કે રિઝવાનને ગોળી મારી દેવી જોઇએ.

સિરિયા પહોંચેલા બે ભારતીયો હૈદરાબાદના મહેંદી પટનમ વિસ્તારના છે. બંને સોફટવેર એન્જિનિયર છે અને એક આઇટી કંપનીમાં કામ કરતા હતા. બંને અલગ અલગ રૂટ પરથી સિરિયા પહોંચ્યા હતા.

દરમિયાન પ્રજાસત્તાક દિન પૂર્વે હુમલાઓ કરવાની તૈયારી કરી રહેલા ૧૪ જેટલા લોકોની એનઆઇઅે અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રવિવારે સાંજે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાંથી લશ્કર-એ-તોયબાના આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી એકે-૪૭ રાઇફલ, બે મેગેઝીન, ૬૦ રાઉન્ડ અને એક ગ્રેનેડ મળી આવ્યો હતો.

You might also like