હળવદની જૂથ અથડામણમાં બેની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ: પોલીસનો સજ્જડ બંદોબસ્ત

અમદાવાદ: ગત શુક્રવારે ધ્રાંગધ્રા નજીક એક ક્ષત્રિયની હત્યા થયા બાદ સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને હળવદમાં અજંપાભરી પરિસ્થિતિ રહી છે. ગઇકાલે ક્ષત્રિય ઇન્દ્રસિંહ ઝાલાના ધ્રાંગધ્રા ખાતે યોજાયેલા બેસણાં બાદ હળવદથી એક કિ.મી. દૂર જીઆઇડીસી નજીક ભરવાડો અને દરબારો વચ્ચે જોરદાર અથડામણ થઇ હતી. આ અથડામણમાં સંખ્યાબંધ વાહનોને તોડફોડ કરી આગ લગાડાઇ હતી અને આડેધડ ફાયરિંગ અને પથ્થરમારો કરાયો હતો. આ ઘટનામાં બે વ્યક્તિની હત્યા થયા બાદ સમગ્ર પંથકમાં અજંપાભરી પરિસ્થિતિ સર્જાઇ છે અને વગર કરફયુએ કરફયુ જેવો માહોલ ઊભો થયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ધ્રાંગધ્રાના હરીપર ફાટક પાસે ગયા શુક્રવારે ઇન્દ્રસિંહ ઝાલાની હત્યા થયા બાદ ગઇકાલે ધ્રાંગધ્રા ખાતે તેમનું બેસણું હતું. ક્ષત્રિય કોમના લોકો બેસણામાં હાજરી આપી પરત ફરતા હતા ત્યારે હળવદની એક કિ.મી. દૂર જીઆઇડીસી નજીક ઠાકર મંદિર પાસે બેઠેલા ભરવાડ કોમના સાત આઠ યુવાનો અને આ દરબારો વચ્ચે જોરદાર ધીંગાણું થયું હતું. આમને સામને આવી ગયેલા બંને કોમના ટોળાંઓએ જોરદાર પથ્થરમારો અને વાહનોની તોડફોડ કરી આગચંપી કરતા ૪૦ થી ૪પ વાહનોનો સોથ બોલી ગયો હતો. આ ઘટનામાં ગોળીબાર થયા હોવાનું જાણવા મળે છે. અથડામણમાં ગોલાસર ગામના રાણાભાઇ ભોલુભાઇ ભરવાડ અને સોલડી પાસે થયેલા પથ્થરમારામાં ગંભીર રીતે ઘવાયેલા રાણાભાઇ કમાભાઇ ભરવાડનું મોત થયું હતું જ્યારે સંખ્યાબંધ લોકોને ઇજાઓ પહોંચી હતી.

આ ઘટનાના પગલે હળવદમાં ભયની લાગણી પ્રસરી હતી અને વેપારીઓએ પોતાની દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી. જોતજોતામાં હળવદ ટાઉન આખું બંધ થઇ ગયું હતું. આ બનાવની જાણ થતાં રેન્જ આઇ.જી., ડી.એસ.પી. સહિતના પોલીસ કાફલાએ તાબડતોબ પહોંચી જઇ પરિસ્થિતિ પર અંકુશ મેળવવા ભારે જહેમત કરી હતી. મોડી રાત્રે પરિસ્થિતિ થાળે પડી હતી પરંતુુ રાતભર હળવદ, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરમાં અજંપો રહ્યો હતો સાથે સાથે અફવાઓએ જોર પકડ્યું હતું.

પોલીસ સત્તાવાળાઓએ હળવદ, ધ્રાંગધ્રા રોડ પર સઘન પેટ્રોલિંગ શરૂ કરી એક તબક્કે વાહનવ્યવહાર અટકાવી દઇ ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવાઇ હતી. એસ.આર.પી., પોલીસ અને હોમાગાર્ડના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઇ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં માર્યા ગયેલા બે વ્યક્તિનાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી મોરબીની હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like