દિલ્હી અેરપોર્ટ પર કરોડોના સામાનનું કોઈ માલિક નથી

નવી દિલ્હી: હવે તમે દિલ્હી અેરપોર્ટ પર જાવ તો યાદ રાખવું કે ક્યાંક તમે પણ તમારો મોબાઈલ ફોન, બેગ સ્ક્રીનિંગ, વેઇટિંગ અેરિયા કે પછી અન્ય ચેકિંગ પોઈન્ટ પાસે ભૂલતા તો નથી ને. અા વર્ષે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સના અધિકારીઅોઅે પાંચ મહિનાના સમયગાળામાં દિલ્હી અેરપોર્ટ પરથી મુસાફરોના ૮૯૫ મોબાઈલ ફોન જમા કર્યા છે.

અા વર્ષે જાન્યુઅારીથી મે સુધી યાત્રીઅો દ્વારા ભુલાઈ ગયેલા સામાનની કુલ કિંમત લગભગ બે કરોડની અાસપાસ છે. તેમાંથી માત્ર ૯૧ લાખ રૂપિયાની કિંમતનો સામાન યાત્રીઅોને પાછો અપાયો છે. જ્યારે કરોડો રૂપિયાની કિંમતનો સામાન દિલ્હી અેરપોર્ટ પર લાવારિસ પડ્યો છે.

દિલ્હી અેરપોર્ટ પર યાત્રીઅો સૌથી વધુ પોતાના મોબાઈલ ફોન ભૂલી ગયા છે. ૮૯૫ મોબાઈલમાંથી માત્ર ૩૧૭ ફોન યાત્રીઅોને પરત કરી શકાયા છે. જ્યારે ૫૭૮ ફોન અેરપોર્ટ અોથોરિટી પાસે જમા છે. ગયા વર્ષે સીઅાઈઅેસઅેફ અધિકારીઅોઅે ૨૧૪૮ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા જેમાંથી ૭૩૪ તેના માલિકોને પરત કરાયા હતા અને ૧૪૧૪ અેરપોર્ટ મેનેજર પાસે જમા કરાયા છે.

યાત્રીઅો દ્વારા છોડી દેવાયેલા સામાનમાં લેપટોપ, કેમેરા, પાસપોર્ટ પણ હોય છે. અા બધાની જાણકારી અોનલાઈન મળી શકે છે. સીઅાઈએસએફ એક અધિકારીઅે જણાવ્યું કે કેટલાક લોકો અમારી પાસે અાવીને ખોવાયેલા સામાનની જાણકારી અાપે છે અને પોતાનો સામાન પાછો લઈ જાય છે પરંતુ અાવા લોકોની સંખ્યા બહુ અોછી હોય છે. એરપોર્ટ અોથોરિટી પાસે હવે મોટી સંખ્યામાં લોસ એન્ડ ફાઉન્ડ અાર્ટિકલ જમા છે. સીઅાઈઅેસએફ સ્ટાફ યાત્રીઅો દ્વારા છોડાયેલા લેપટોપ, રિસ્ટ વોચ, જ્વેલરી, વોલેટ વગેરે સામાનને નિયમિત રીતે જમા કરે છે.

પાસપોર્ટ, પાનકાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ પણ યાત્રીઅો અેરપોર્ટ પર ભૂલી જાય છે. અા વર્ષે જાન્યુઅારીથી મે મહિના સુધી યાત્રીઅો દ્વારા છોડાયેલા સામાનની કુલ કિંમત ૨ કરોડની અાસપાસ છે.

You might also like