ક્લબ ‘અો-સેવન’માં IPL પર સટ્ટો રમાડતા બે યુવાન ઝડપાયા

અમદાવાદ: આઈપીએલ ટી-ર૦ મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સની અમદાવાદ આર.આર. સેલની ટીમે ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે શેલા ગામની સીમમાં આવેલી ઓ-સેવન ક્લબમાં આવેલા રૂમમાંથી બંને યુવકને સટ્ટો રમાડતા ઝડપી લઇ મોબાઈલ, લેપટોપ અને ટીવી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અમદાવાદ આર.આર.સેલની ટીમને બાતમી મળી હતી કે શેલા ગામની સીમમાં આવેલી ઓ-સેવન ક્લબમાં આવેલા એક રૂમમાં બે શખ્સ પંજાબ ઇલેવન અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ પર સટ્ટો રમાડી રહ્યા છે. જેના આધારે ટીમે ક્લબની ૧૬૦૫ નંબરની રૂમમાં દરોડો પાડી ધવલ ઠક્કર (ઉ.વ.૩૦, રહે. ગૂંજન એપાર્ટમેન્ટ, વાસણા) અને હરીશ તન્ના (ઉ.વ. ૩૦, રહે. ગાલા જિમખાના રોડ, સાઉથ બોપલ)ને ઝડપી લીધા હતા.

ઉપરાંત તેઓની પાસેથી લેપટોપ અને ટેબલેટ પણ મળી આવ્યું હતું. મેચ પર સટ્ટાના સોદા કોની પાસે કપાવતા હતા તે અંગેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. ક્લબમાં રૂમ ભાડે રાખીને તેઓ સટ્ટો રમાડતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે મોબાઈલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, વાઈફાઈ અને ટીવી સહિત રૂ. ૪૩,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

You might also like