કૂપવાડામાં અથડામણઃ સેનાના બે જવાન શહીદ

શ્રીનગર: ઉત્તર કાશ્મીરના કૂપવાડા જિલ્લામાં શનિવારે ત્રાસવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં લશ્કરના બે જવાન શહીદ થયા હતા અને ચાર અન્ય ઘાયલ થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ચૌકીબલ સરહદી વિસ્તારના મરસારી ગામમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં લશ્કરના બે જવાન શહીદ થયા છે અને અન્ય ચાર ઘાયલ થયા છે.

અધિકારીના જણાવ્યા પ્રમાણે કૂપવાડા જિલ્લામાં મરસારી ગામમાં જે ઘરમાં ત્રાસવાદીઓ છુપાયા હતા તે ઘરનો નાશ કરી દેવામાં આવ્યો છે. ઘાયલોમાં એક અધિકારીનો પણ સમાવેશ થાય છે. અથડામણમાં બે આતંકી માર્યા ગયાના સમાચાર છે.

રાષ્ટ્રીય રાઈફલ્સ (આરઆર), રાજ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) અને કેન્દ્રીય અનામત પોલીસ દળ (સીપીઆરએફ) સહિત સુરક્ષા દળોએ શુક્રવારે મોડી સાંજે મરસારી ગામના એક ઘરમાં ત્રાસવાદીઓનું એક જૂથ છુપાયું હોવાના સમાચાર મળતાં લશ્કરે ગામને ઘેરાબંધી કરી હતી.

અધિકારીના જણાવ્યા પ્રમાણે સુરક્ષા દળો જ્યારે જે ઘરમાં ત્રાસવાદીઓ છુપાયા હતા તેની નજીક પહોંચ્યા ત્યારે ત્રાસવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધા હતા. તેના જવાબમાં સુરક્ષા દળોએ પણ વળતા ગોળીબાર કર્યા હતા અને આ અથડામણમાં બે સુરક્ષા જવાનો ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

You might also like