ચાઇનામેન કુલદીપના કહેર અને રોહિતની વિસ્ફોટક સદી સામે ઈંગ્લેન્ડની શરણાગતિ

નોટિંગહામઃ તાજેતરમાં જ વન ડે શ્રેણીમાં નબળી ઓસ્ટ્રેલિયન ટીમનાં સૂપડાં સાફ કરી નાખનારી નંબર વન ઈંગ્લિશ ટીમ ભારત સામેની શ્રેણી શરૂ થઈ એ પહેલાં કંઈક અલગ જ સપનાં જોઈ રહી હતી, પરંતુ ટી-૨૦ શ્રેણી શરૂ થતાં જ ચાઇનામેન કુલદીપ યાદવ ઈંગ્લેન્ડના બેટ્સમેનો માટે એક ઉકેલી ન શકાય કોયડો બની ગયો છે. કુલદીપે ગઈ કાલે નોટિંગહામમાં રમાયેલી ત્રણ વન ડેની શ્રેણીની પ્રથમ મેચમાં એવો કહેર વર્તાવ્યો કે ટીમ ઇન્ડિયાએ આસાનાથી આઠ વિકેટે જીત મેળવી લીધી.

કુલદીપની કરિયરના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને ૪૯.૫ ઓવરમાં ૨૬૮ રનમાં ઓલઆઉટ કરી દીધી. ત્યારબાદ રોહિત શર્માની અણનમ વિસ્ફોટક સદી (૧૧૪ બોલમાં ૧૩૭ રન)ની મદદથી ૪૦.૧ ઓવરમાં જ બે વિકેટ ગુમાવીને ૨૬૯ રનનું લક્ષ્ય હાંસલ કરી લીધું. કુલદીપ યાદવને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમે બોલિંગ બાદ બેટિંગમાં પણ ઈંગ્લેન્ડની ટીમને રમતના બધા વિભાગમાં કારમી પછડાટ આપી હતી. ભારતે પ્રથમ વિકેટ શિખર ધવનના રૂપમાં ૫૯ રનના કુલ સ્કોર પર ગુમાવી હતી, પરંતુ ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માએ અંગ્રેજોને કોઈ તક આપી નહોતી.

૨૦૧૯ના વર્લ્ડકપને નજરમાં રાખીને કે. એલ. રાહુલને ત્રીજા નંબરે અને વિરાટ કોહલીને ચોથા નંબરે બેટિંગ કરવાની વાત ભલે ચારે બાજુ ચર્ચાતી હોય, પરંતુ વિરાટે વન ડેમાં પોતાના બેટિંગ ક્રમમાં ફેરફાર નહોતો કર્યો. તેણે રોહિત સાથે મળીને ઈંગ્લેન્ડને શિખવ્યું કે તૈયારી કેવી હોય છે.

આ બંને બેટ્સમેનોએ મેચને સાવ આસાન બનાવી દીધી. સ્પિનર્સને અનુકૂળ પીચ પર આદિલ રાશિદ અને મોઇન અલી પણ રોહિત-વિરાટ સામે સાવ વામણા પુરવાર થયા હતા. રોહિતે ૩૧મી ઓવરમાં શાનદાર છગ્ગો ફટકારીને પોતાની વન ડે કરિયરની ૧૮મી સદી ફટકારી હતી, જ્યારે નોટિંગહામમાં સદી ફટકારનારો રોહિત પહેલો ભારતીય બેટ્સમેન બન્યો હતો.

તેણે ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટી-૨૦ મેચમાં પણ તોફાની સદી ફટકારી હતી. બીજા છેડે કોહલી પાસે પણ સદી ફટકારીને મેદાનમાં બેઠેલી પત્ની અનુષ્કા શર્માના ચહેરા પર સ્મિત લાવવાની તક હતી, પરંતુ તે ૩૩મી ઓવરમાં આદિલની બોલિંગમાં ૮૨ બોલમાં સાત ચોગ્ગા સાથે ૭૫ રન બનાવી સ્ટમ્પ આઉટ થઈ ગયો હતો. રોહિત-વિરાટે બીજી વિકેટની ભાગીદારીમાં ૧૬૭ રન ઉમેર્યા હતા.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને ઈંગ્લેન્ડને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. અંગ્રેજ ઓપનરો જેસન રોય અને જોની બેરિસ્ટોએ ઝડપી શરૂઆત કરી હતી. પહેલી વિકેટ માટે આ બંનેએ ૭૩ રનની ભાગીદારી નોંધાવી હતી. ૧૧મી ઓવરમાં કુલદીપે બોલિંગ આક્રમણ સંભાળતાં જ એક પછી એક ઈંગ્લિશ બેટ્સમેનો પેવેલિયન ભેગા થવા માંડ્યા હતા.

કુલદીપે સૌપ્રથમ રોયને ૩૮ રનના અંગત સ્કોર પર ઉમેશ યાદવના હાથમાં ઝિલાવી દીધો હતો. પછીની ઓવરમાં કુલદીપે બેરિસ્ટોને એલબી આઉટ કરીને ઈંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. એ જ ઓવરના પાંચમા બોલે કુલદીપે જો રૂટને પેવેલિયનમાં મોકલી આપ્યો હતો.

જોસ બટલર અને બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડની ઇનિંગ્સને સ્થિરતા આપીને પાંચમી વિકેટની ભાગીદારીમાં ૯૩ રન જોડ્યા હતા. એ દરમિયાન આ બંનેએ પોતપોતાની અર્ધસદી પૂરી કરી લીધી હતી. કુલદીપે પહેલા બટલરને વિકેટકીપર ધોની હાથમાં ૫૩ રને કેચઆઉટ કરાવી દીધો હતો. ત્યારબાદ સ્ટોક્સને પણ ૫૦ રનના અંગત સ્કોર પર આઉટ કરી દીધો હતો.

કુલદીપે ડેવિડ વિલીના રૂપમાં પોતાની છઠ્ઠી વિકેટ ઝડપી હતી. આમ ભારતે ત્રણ વન ડે મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ હાંસલ કરી લીધી છે. શ્રેણીની બીજી વન ડે આવતી કાલે લોર્ડ્સ ખાતે ભારતીય સમય પ્રમાણે ૩.૩૦ વાગ્યે શરૂ થશે.

You might also like