૧લી એપ્રિલથી ગુજરાતમાં નવી જંત્રી અમલમાં આવે તેવી શક્યતા

ગાંધીનગર: ગુજરાતમાં આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના પ્રારંભથી એટલે કે તા. ૧ એપ્રિલથી નવી જંત્રી અમલમાં આવશે. રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા આ દિશામાં ચક્ર ગતિમાન કરાયા છે. રાજ્યમાં છેલ્લે વર્ષ ૨૦૧૧માં જંત્રીનું મુલ્યાંકન કરાયું હતું તે વખતે જંત્રીના દરમાં ફેરફાર કરાયા હતા. અમદાવાદ કોર્પોરેશનમાં વર્ષ ૨૦૧૪માં પ્રોપર્ટી ટેક્સના દરોમાં જંત્રી આધારિત ફેરફાર થવાથી લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધના પગલે સત્તાધિશોને જંત્રી આધારિત પ્રોપર્ટી ટેક્સના બિલમાં રાહત આપવી પડી હતી.

પ્રજામાં આ મામલે આજે પણ રોષ હોઈ રાહત નીતિને મ્યુનિ. સત્તાવાળાઓએ આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં પણ ચાલુ રાખવાની ફરજ પડી હતી. રાજ્યમાં અન્ય વિસ્તારોનાં પણ જંત્રી અંગે અનેક ફરિયાદો ઉઠી હતી. હવે રાજ્ય સરકાર વર્ષ ૨૦૧૧માં જંત્રીનું મૂલ્યાંકન કરાયા બાદ તેનું પુનઃ મુલ્યાંકન કરવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે. આ માટે આજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે મહેસુલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં જંત્રીના પુનઃ મૂલ્યાંકન અંગેની વિસ્તૃતપણે વિચારણા હાથ ધરાઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા. ૧ એપ્રિલથી ગુજરાતભરમાં નવી જંત્રી અમલમાં આડે તેવી પુરેપૂરી શક્યતા છે. વર્ષ ૨૦૧૧ની જંત્રીના દરમાં પુનઃ મૂલ્યાંકન થવાનું હોઈ નવી જંત્રીના દરમાં દશ ટકાનો વધારો થાય તેવી પણ સંભાવના છે.

You might also like