હેમાની હત્યાનું કારણ પૈસા કે દ્વેષ?

એક ખ્યાતનામ અને તેજસ્વી કલાકાર પતિ સાથે અણબનાવ થતાં છૂટાછેડા મેળવી ચૂકી હોય અને ભરણપોષણ માટે કોર્ટમાં ટક્કર આપી રહી હોય એવામાં અચાનક એની હત્યા થાય તો તરત પતિ પર શંકા ઉપજે, પરંતુ આ કેસમાં ફાઉન્ડ્રી ચલાવનાર એક વ્યક્તિ કહે છે કે એના શેઠને પાંચ લાખ રૂપિયા લહેણાં નીકળતા હોવાથી હત્યા કરી છે. કેવાં છે આ રહસ્યના તાણા-વાણા?

૧ર ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ કાંદીવલીના દહાણુકર વાડીના નાળામાં કચરો વીણી રહેલી વ્યકિતએ નાળામાં નવાં નકોર બોક્સ જોયાં અને લાગ્યું કે કશુંક અજુગતું છે. તે અત્યંત ગભરાઈ ગઇ. જેમ તેમ કરીને તે સ્વસ્થ થઇ અને પોલીસને કંઈક અઘટિત થયું હોવાની જાણ કરી. પોલીસે આવીને જોયું તો એક પેક બોક્સમાંથી એક પગ બહાર આવેલો દેખાતો હતો. બાજુમાં જ બીજું પેક બોક્સ પણ પડ્યું હતું. પોલીસે બન્ને બોક્સ બહાર કાઢીને ખોલ્યાં તો બન્નેમાંથી એક એક લાશ નીકળી.

મિસિંગ રિપોર્ટને આધારે તપાસ કરતાં ખબર પડી કે એક લાશ મશહૂર આર્ટિસ્ટ હેમા ઉપાધ્યાય અને બીજી લાશ હેમાના વકીલ હરીશ ભંભાણીની છે. બન્ને પોતપોતાના ક્ષેત્રમાં મશહૂર હતાં. વકીલ હેમા માટે છૂટાછેડાનો કેસ લડી રહ્યો હતો. આ સમાચાર ટીવીમાં પ્રસારિત થતાં જ એક ટેમ્પો ડ્રાઇવરે પોલીસ પાસે આવીને કબૂલાત કરી કે આ બોક્સ તેણે જ નાળામાં ફેંક્યાં હતાં. તેને ખબર નહોતી કે ગઈ રાત્રે તેણે ફેંકેલાં બોક્સમાં મૃતદેહો છે. તેની કેફિયતના આધારે પોલીસે આ સંદર્ભે ચાર લોકોની ધરપકડ કરી લીધી છે અને મંગળવારની સાંજે આ લખાય છે ત્યાં સુધી એક આરોપી ફરાર છે. ફરાર આરોપી પકડાશે ત્યારે જ જાણવા મળશે કે બન્નેની હત્યા કેવી રીતે અને શા માટે કરવામાં આવી?

હેમા હિરાણી મૂળ ગુજરાતના વડોદરા શહેરમાં રહેતા સિંધી પરિવારની દીકરી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફાઈન આર્ટ્સના અભ્યાસ વખતે હેમાને કોલેજના ચિંતન ઉપાધ્યાય સાથે પ્રેમ થઈ ગયેલો. ચિંતન રાજસ્થાનમાં વસતા ગુજરાતી પરિવારનો છે.

બન્નેએ ૧૯૯૮માં લગ્ન કરી લીધાં હતાં. લગ્ન બાદ હેમા અને ચિંતન મુંબઈમાં જુહુ ખાતેના એક ફ્લેટમાં રહેવા લાગ્યાં. બન્ને ચિત્રકાર હતા. હેમાએ મૂર્તિકાર અને ચિત્રકાર રૂપે દેશ-વિદેશમાં નામના મેળવી. તેને ગુજરાત કલા અકાદમી તથા રાષ્ટ્રીય કલા અકાદમીનો એવોર્ડ તથા કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય તરફથી સ્કોલરશિપ પણ મળી હતી. તેનાં પ્રદર્શન મુંબઈ, દિલ્હીની સાથે વિદેશોમાં પણ યોજાયાં. વર્ષો અગાઉ આવેલી ફિલ્મ ‘અભિમાન’ની જેમ જેટલી નામના કલાકાર પત્ની હેમાને મળી એટલી નામના કલાકાર પતિ ચિંતનને નહોતી મળી.

લગ્નનાં ૧૦-૧ર વર્ષ બાદ હેમા અને ચિંતન વચ્ચે ઝઘડા થવા લાગ્યા. ચિંતને હેમા ઉપર ક્રૂરતાના આરોપ લગાવીને ર૦૧૦માં ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે કેસ દાખલ કર્યો હતો. ઓક્ટોબર ર૦૧૪માં બાંદ્રાની ફેમિલી કોર્ટે આરોપોને યોગ્ય ઠેરવીને તેમનાં છૂટાછેડા મંજૂર કર્યા, કોર્ટે હેમાની ભરણપોષણ અરજી નામંજૂર કરતાં નોંધ્યું કે, ‘હેમા પોતે પગભર છે અને સારી આવક મેળવે છે એટલે તેને ભરણપોષણની જરૂર નથી.’ તે પછી હેમાએ ફરીથી કાયમી ભરણપોષણ માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી જે હજુ પેન્ડિંગ છે, હેમાએ સંયુક્ત ઘર માટે જે ખર્ચ કર્યો હતો તેના વળતર પેટે હેમાને ૧૬ લાખ ૪૦ હજાર રૂપિયા ચૂકવવા કોર્ટે ચિંતનને આદેશ કર્યો હતો.

ચિંતનનો આરોપ હતો કે હેમા લગ્નના પહેલા દિવસથી જ તેને સતાવતી હતી, તેના શાકાહારી કુટુંબમાં માંસાહારી ભોજનનો આગ્રહ કરતી, ફેશનેબલ અને ટૂંકાં કપડાં પહેરતી અને માનસિક રીતે ટોર્ચર કરતી હતી. સામે હેમાનો આરોપ હતો કે, ચિંતનનો પરિવાર હેમાની જાત પ્રત્યે શરમ અનુભવતો હતો એટલે તેને દબાણમાં રાખતા હતા.

છૂટાછેડાના કેસ સાથે જુલાઈ ર૦૧રમાં હેમાએ ચિંતન પર એક ક્રિમિનલ કેસ પણ કર્યો કે, ‘ચિંતને પોતાના બેડરૂમમાં મહિલાઓની અર્ધનગ્ન તસવીરો બનાવી છે, જે અશ્લીલતા ફેલાવે છે. જાન્યુઆરી ર૦૧૩માં કોર્ટે ચિંતન સામે કાર્યવાહી શરૂ કરવા આદેશ કર્યો. જોકે મે ર૦૧૩ના રોજ હાઈકોર્ટે ચિંતન સામેના આ નીચલી કોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. જો હેમાની હત્યા ન થઈ હોત તો હેમાએ કરેલા કાયમી ભરણપોષણના કેસ સંદર્ભે ૧૮ ડિસેમ્બરે બન્ને હાઈકોર્ટમાં સાથે જોવા મળતાં.

કોર્ટ કેસ સહિત બધી વિગતો તપાસવાનું ખાસ કારણ છે. જ્યારથી હેમા અને ચિંતનનો કેસ ચાલી રહ્યો છે, ત્યારથી હેમા જુહુવાળા ફ્લેટમાં રહે છે અને ચિંતન દિલ્હીમાં. તે જ્યારે દિલ્હીથી મુંબઈ આવે ત્યારે જુહુના એ ફ્લેટમાં રહેતો. ચિંતને પોલીસને જણાવ્યા મુજબ હેમા ૧૧ ડિસેમ્બર, ૨૦૧૫ની રાતથી પાછી નથી ફરી એના સમાચાર મળતાં તેણે રાતની ફ્લાઈટમાં મુંબઈ આવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ મોડી રાત પછી કોઈ ફ્લાઈટ ન મળતાં નછૂટકે બીજા દિવસે સવારની ફ્લાઈટમાં મુંબઈ આવ્યો હતો. પોલીસ તપાસમાં તેની વાત સાચી સાબિત થઈ છે. છૂટાછેડાનો કેસ ચાલતો હોવાથી પોલીસે શંકાના દાયરામાં ચિંતનને પણ લઈને તેની બે દિવસ સુધી પૂછપરછ કરી. હેમાની અંત્યેેષ્ઠીમાં પણ ચિંતનને પોલીસ વૅનમાં જ લવાયો હતો.

પોલીસ ચિંતનની પૂછપરછની સાથે સાથે અન્ય પાસાંઓ પણ ચકાસી રહી હતી. પોલીસે કાંદીવલીના એક ગોડાઉનમાંથી ત્રણ લોકો આઝાદ રાજભર, પ્રદીપ રાજભર અને વિજય રાજભરને ઝડપી લીધા. પછી શિવકુમાર રાજભર ઉર્ફે સાધુને વારાણસીથી ઝડપી લેવાયો હતો. આ બધા વિદ્યાધર રાજભર ઉર્ફે વિદ્યા ઉર્ફે ગોટુ માટે કામ કરતા હતા. વિદ્યાધરના પિતા ચિંતનનું ફેબ્રિકેશનનું કામ કરતા હતા.

એમના અવસાન પછી વિદ્યાધરે કામ સાચવી લીધું હતું. ચિંતન મુંબઈ છોડીને દિલ્હી ગયો એટલે વિદ્યાધર હેમાનું કામ કરવા લાગ્યો. પકડાયેલા શિવકુમાર ઉર્ફે સાધુએ પોલીસને કહ્યું કે, ‘વિદ્યાધરે હેમા માટે કરેલા કામના પાંચ લાખ રૂપિયા વારંવારની માગણી છતાં હેમા આપતી ન હતી.’ ૧૧ ડિસેમ્બરે વિદ્યાધરે હેમાને ફોન કરીને ‘ચિંતન સામેના મજબૂત પુરાવાઓ મારી પાસે છે, જોઈએ તો અહીં આવીને લઈ જાવ’ એમ કહેલું.

આથી હેમાએ પોતાના વકીલ હરીશને ફોન કર્યો હતો. હરીશે કહ્યું કે તમે એકલાં ન જતાં, હું પણ આવું છું. હરીશ હેમાના ફ્લેટ પર પહોંચ્યો. પછી હેમા અને હરીશ કાંદીવલીની ઝૂંપડપટ્ટીમાં આવેલા વિદ્યાધરના ગોડાઉનમાં પહોંચ્યાં હતાં. તેઓ ત્યાં કેવી રીતે પહોંચ્યાં? જાતે ગયાં કે તેમને લઈ જવામાં આવ્યાં? તે બાબતની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસનું માનવું છે કે, વિદ્યાધર અને તેના સાથી શિવકુમારે પોતાને ત્યાં કામ કરતા કર્મચારીઓ પ્રદીપ, વિજય અને આઝાદ વગેરેની મદદથી બંનેની હત્યા કરી દીધી હશે. કેવી રીતે અને શા માટે માર્યા? તેની વિગતો આરોપીઓ સ્પષ્ટ જણાવતા નથી.

હેમા-હરીશનાં શબ લઈ જનાર ડ્રાઇવરે કહ્યું કે બોક્સ લઈ ગયો ત્યારે હું જાણતો ન હતો કે તેમાં શું છે? મને ભાડું આપીને બંને બોક્સને નાળામાં નાંખી દેવાનું કહેવાયેલું. કચરો કે ભંગાર હોવાનું સમજીને જ મેં બંને બોક્સ નાળામાં નાંખી દીધાં હતાં.’

કાંદીવલી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સુધીર દલવીએ ‘અભિયાન’ને કહ્યું કે, ‘અમે કેસની હકીકત સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ. આ કેસમાં કોઈ એક ગુનેગાર ન હોઈ ઘણા લોકો સામેલ હોઈ શકે છે. બંન્નેની હત્યા કરવા માટે, તેમની લાશને બોક્સમાં પેક કરવા માટે, ઘણા લોકોની જરૂર પડી હશે. વળી વેરહાઉસના તદ્દન સાંકડા રસ્તે ટેમ્પો જઈ શકે તેમ નથી. એટલે આ બોક્સ ઉપાડીને ટેમ્પોમાં મૂકવા માટે અનેક લોકોની મદદ લેવી પડી હશે. બીજી બાબત એ છે કે, હત્યા ગમે તેણે કરી હોય, તેની પાછળનું કારણ જ્યાં સુધી જણાય ત્યાં સુધી તપાસ ચાલુ જ રહેશે.’

ઘરના સભ્યો આઘાતમાં
હેમાની અંતિમવિધિમાં ભાગ લેવા આવેલા ચિંતનના પિતા નિવૃત્ત પ્રોફેસર વિદ્યાસાગર ઉપાધ્યાયે જણાવ્યું કે હું માનવા તૈયાર નથી કે ચિંતને હત્યા કરી કે કરાવી હોય. આઘાતના માર્યા મારું મગજ કામ કરતું નથી.

હેમાની માતા અને ભાઈ મનીષ હીરાણી પણ અંતિમવિધિમાં ભાગ લેવા મુંબઈ આવી પહોંચ્યાં હતા. તેઓ એટલાં શોકમગ્ન છે કે કોઈ સાથે વાત કરવા તૈયાર નહોતાં. તેઓ વડોદરામાં અકોટા ખાતે મધુબન એપાર્ટમેન્ટમાં ૨૦૧ નંબરના ફ્લેટમાં રહે છે. અત્યારે એ ઘર સાચવતા હેમાના કાકાએ હાથ જોડીને કહ્યું કે અત્યારે હું ઘરમાં એકલો છું અને કોઈ વાત કરવા માગતો નથી.

અમારી મનઃસ્થિતિ સારી ન હોવાથી હાલ અમને એકલા છોડી દો પ્લીઝ…! હેમા જ્યાં અભ્યાસ કરતી હતી એ મહારાજા સયાજીરાવ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સના અધ્યાપકો, ડીન વગેરે તેને યાદ કરતાં એક વાત અચૂક કહે છે, હેમા ભણવામાં ખૂબ હોશિયાર અને સ્વભાવે નમ્ર હતી. હેમા હત્યાના ચારેક દિવસ અગાઉ જ દુબઈમાં આર્ટ એક્ઝિબિશન પુરું કરી પાછી ફરી હતી.

લતિકા સુમન

You might also like