Exclusive: કમનસીબ કાશ્મીરીઓને ગુજરાતની હૂંફ

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની પાછળ એક બંધ પડેલી મિલના કંપાઉન્ડમાં ૬૦થી વધુ કાશ્મીરી મુસ્લિમ પરિવારો પૂર, આતંકવાદ અને બરફવર્ષા જેવી ત્રિવિધ સમસ્યાઓથી ત્રસ્ત થઈને વતન છોડી આવી પહોંચ્યા છે. પૃથ્વી પરનું સ્વર્ગ ગણાતું એમનું વતન છોડીને શા માટે તેમણે નિરાશ્રિત બનીને અમદાવાદ આવવું પડ્યું? ખુદાના એ બંદાઓએ ‘અભિયાન’ સમક્ષ રજૂ કર્યો લાગણીસભર હકીકતનો ચિતાર..

‘હમ કશ્મીરી બહોત સીધેસાદે લોગ હૈ સાહબ. હમ વો લોગ હૈ જો હિન્દુઓ કો અમરનાથ ઔર વૈશ્નોદેવી કે દર્શન કરવાતેં હૈ. કશ્મીર ભારત કા હી હિસ્સા હૈ ઔર હમ સબ કશ્મીરી ભારત કે સાથ હી ખુશ રહ સકતે હૈ. ઐસે મેં હમ ભલા પાકિસ્તાન ક્યોં જાયે. આજ માહૌલ ઐસા હૈ કી કશ્મીર-બારામુલ્લામે કભી ભી, કુછ ભી હો સકતા હૈ. આતંકવાદને ઈસ મુલ્ક કો બદનામ કર દિયા હૈ. કહીં સે ભી હમલા હોને કા ડર રહતા હૈ. ગુજરાત મેં સબ લોગ ભલે હૈ, મદદગાર હૈ…ઈસલિયે હમ યહાં ચલે આયે સાહબ..?’

૧૨ ડિસેમ્બર, ૨૦૧૫ના ઊગતા શિયાળાની સાંજના છ વાગ્યે એક તંબુના અંધારિયા ખૂણામાં ૬૦ જેટલા કાશ્મીરી પરિવારોના મોભી મુસ્તાક અહેમદ શેખ ‘અભિયાન’ના પત્રકાર સાથે વાતચીત દરમિયાન આ રીતે પોતાનું હૃદય ઠાલવે છે, બરાબર ત્યારે જ સરસપુરની મસ્જિદના ભૂંગળામાંથી અલ્લાહુ અકબરનો સૂર વહેવો શરૂ થાય છે.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંઃ ૧૨ની પાછળનો એક વિસ્તાર. વર્ષો અગાઉ અમદાવાદ ગુજરાતનું માન્ચેસ્ટર હતું, એ કાળની ભવ્ય જાહોજલાલીની યાદ અપાવતું મિલની ઇમારતનું જર્જરિત બિલ્ડિંગ જમીનદોસ્ત થવાની તૈયારી કરતું હતું. અહીં મિલના ખંડિયેર હિસ્સામાં સરસપુરની ચાલીઓનો મજૂરવર્ગ આખા દિવસના પરિશ્રમનો થાક ઉતારવા દેશી દારૂની પોટલી પીવા આવતા હોવાનું જણાય છે.

બીજી તરફ છે વખાના માર્યા ‘પૃથ્વી પરનું સ્વર્ગ’ જેવું પોતાનું વતન છોડીને આવેલા કાશ્મીરી મુસ્લિમ પરિવારોના કામચલાઉ તંંબુઓ. છુટાછવાયા તંબુઓમાં મહેંદી લગાવેલી દાઢીવાળા કેટલાક કાશ્મીરી યુવકો ફરી રહ્યા છે. કોઈ તંબુમાંથી વૃદ્ધ મહિલાની આજીજીભરી આંખો તગતગતી દેખાય છે, તો કોઈ તંબુમાંથી અચાનક ‘મિસ ઇન્ડિયા’ને પણ લઘુતાગ્રંથિ પ્રેરે તેવો કોઈ ચહેરો ડોકાઈને તરત અંદર ખેંચાઈ જાય છે. કલશોર કરતાં બાળકોની ટોળી, સસ્તો નાસ્તો વેચતા ફેરિયાઓની બૂમો, સાંજ પડ્યે માળામાં પાછાં ફરતાં પંખીઓનો કલશોર અહીં અનુભવી શકાય છે.

ચાર દાયકા અગાઉ સામાન્ય માણસ માટે કાશ્મીર એટલેઃ સફરજન, સગડી, શિકારા, હાઉસબોટ અને દાલ સરોવરનું એવું ચિત્ર મનમાં રચાતું હતું. આજે સ્થિતિ વિપરીત છે. હવે લોકો માટે કાશ્મીર આતંકવાદ, પૂર, અમરનાથ યાત્રા, સરહદી ઘૂસણખોરી, સૈન્ય અને પાકિસ્તાનનું પ્રતીક બની ગયું હોય એવું ચિત્ર છે. જોકે અમદાવાદની એક બંધ મિલના કંપાઉન્ડમાં નસીબના માર્યા આવી પડેલા કાશ્મીરીઓને જો આ યાદી બનાવવાનું કહેવામાં આવે તો તેમાં બેરોજગારી, ગરીબી, બદનામી અને અસલામતી જ મુખ્ય હોવાના.

કાશ્મીરના મુખ્ય ત્રણ વિભાગોમાં જમ્મુ, કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ થાય છે. જમ્મુ હિન્દુ બહુમતી, કાશ્મીર મુસ્લિમ બહુમતિ અને લદ્દાખ બૌદ્ધ બહુમતિ ધરાવતા વિસ્તાર છે. મોટા ભાગનું રાજ્ય હિમાલય પર્વતમાળાથી ઢંકાયેલું હોવાથી ઠંડું છે. હિમાલયનોબરફ ઓગળવાથી બારેમાસ વહેતી જેલમ અને ચિનાબ અહીંની મુખ્ય નદીઓ છે. તો દાલ, વુલર અને નાગીન સરોવરો જાણીતા છે.

ધીરેધીરે આતંકવાદે જન્નત સમી આ ધરતી પર એવું તાંડવ કર્યું છે કે જનમાનસમાં કાશ્મીર એટલે આતંકવાદ – એવી માન્યતા સ્થાયી થઈ ચૂકી છે. આજે લોકો કાશ્મીરને જન્નતને બદલે આતંકવાદ, પૂર, બરફવર્ષા જેવી કુદરતી હોનારતો અને સરહદી તંગદિલી જેવા નકારાત્મક કારણોને લઈને યાદ કરે છે. આતંકવાદનો એરું જાગ્યો ત્યારથી જ પોતાનું વતન છોડી આવેલા કાશ્મીરી પંડિતોનો પ્રશ્ન હજુ ઊભો જ છે, ત્યાં અહીંના ગ્રામ્ય વિસ્તારોની વસતિ પણ હવે કંટાળીને વતન છોડવા મજબૂર બની છે. આવા જ કેટલાક મુસ્લિમ ખેડૂત પરિવારો હાલ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પાછળ આવીને રોકાયા છે. ખાવાના પણ પૈસા નથી એવા આ પરિવારોના પુરુષો અમદાવાદની બજારોમાં પોતાનું ઓળખકાર્ડ સાથે રાખીને મજૂરી માગવા જાય છે, પણ દાઢીમાં મહેંદીનો રંગ, મુસ્લિમ નામ અને ઉપરથી પાછું બદનામ કાશ્મીરનું છોગું. આ બધું તેમને પેટનો ખાડો પૂરવા જેટલું રળવા દેતાં નથી.

લોકો ભલા છે, અમારી છાપ ખરાબ છે
તેઓ કહે છે, ‘અહીંના લોકો દયાળુ છે. આસપાસમાં ક્યાંય પણ કશુંક જોઈતું હોય તો ચોક્કસ મદદ કરે છે, પણ કામ માંગવાની વાત કરીએ ત્યારે તેઓ અટકી જાય છે. અગાઉના અનુભવો અને કાશ્મીર જેવા આતંકવાદના મામલે બદનામ પ્રદેશના લોકો પર તેમને શંકા જાય છે. કાશ્મીરની છાપ જ એવી ઊભી થઈ ગઈ છે કે, અમારા નામે અહીં કોઈ જરા પણ જોખમ લેવા માંગતું નથી. ભલે અમારી પાસે ઓળખપત્ર હોય છતાં પણ લોકોને આતંકવાદી પ્રવૃત્તિની શંકા રહે છે. વાંક અહીંના લોકોનો નથી, પણ એક બદનામ પ્રદેશના રહીશ હોવાના નાતે અમારા નસીબનો જ ગણવો રહ્યો.’

કાશ્મીરમાં ભૂકંપ અને પૂરના ઉપરાઉપરી કેરથી ગ્રામીણ મુસ્લિમ પરિવારોને ભારે નુકસાન થવા પામ્યું છે. મુખ્યત્વે અખરોટ, સફરજન, મકાઈ અને ડાંગરની ખેતી કરીને પેટપૂરતું રળી લેતા આ મુસ્લિમ પરિવારોના યુવાઓમાં શિક્ષણનું પ્રમાણ સામાન્ય છે. મોટા ભાગના કાં તો ટુરિસ્ટોના ગાઈડ તરીકે કામ કરે છે અથવા ખેતી કરે છે. ઓછી આવકમાં દારુણ ગરીબી વચ્ચે દિવસો પસાર કરતા આ કાશ્મીરી મુસ્લિમ પરિવારો આફતોથી નોંધારા બની ગયા હતા. હિમવર્ષા શરૂ થયા પછી ચારેબાજુ બેથી દસફૂટ બરફના થર થઈ જાય છે. એમાં એ લોકો અહીં જીવી જ ન શકે. એવા ૬૦ જેટલા પરિવારો હાલ અમદાવાદ છે. જમ્મુ-કશ્મીરના ચાર જિલ્લાઓ કૂપવાડા, બારામુલ્લા, બડગામ અને અનંતનાગનાં અલગ અલગ ગામોમાંથી આવેલા આ પરિવારો બે માસ જેટલો સમય અમદાવાદમાં રહેશે.

અમદાવાદ શા માટે આવ્યા?
દિલ્હીમાં કેમ્પ હોવા છતાં તમે કેમ આટલે દૂર અમદાવાદ આવ્યા? – આ સવાલના જવાબમાં મુસ્તાકભાઈ શેખ જણાવે છે, દિલ્હીમાં મોંઘવારી અસહ્ય છે. યુપીમાં હિંસક વાતાવરણ છે એટલે ત્યાં જવાનું માંડી વાળ્યું. ગુજરાતમાં અગાઉ પણ હું આવી ચૂક્યો છું. અહીંના લોકો ભલા છે. અહીંની પોલીસ પણ માનવતાવાદી છે, કોઈ ભેદભાવ નથી. એટલે અમે અમદાવાદ આવવાનું નક્કી કર્યું. બધાંનાં નામ-સરનામાં ઓળખપત્રો સહિત પોલીસમાં નોંધાવી દીધા ત્યારથી તેઓ દરરોજ રાત્રે ચોકિયાત પણ આપે છે.

મુસ્તાકભાઈનો પરિવાર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગોગલડોરા ગામનો વતની છે. ધોરણ ૧૦ સુધીનો અભ્યાસ ધરાવતા મુસ્તાકભાઈ ગામમાં સફરજન, અખરોટ અને ડાંગરની ખેતી કરે છે. પૂર આવ્યું તે રાતને યાદ કરતાં તેઓ કહે છે કે, ‘એ સમયે રાતના બાર વાગ્યાની આસપાસ પાણી આવી ચઢ્યું હતું. જોતજોતામાં તો પાણી મકાનના બીજા માળ સુધી ચડી ગયું. અમે ત્રીજા માળે હોવાથી બચી ગયા. ચાર દિવસ સુધી પાણી રહ્યું.

ઘરમાં જે ખાવા-પીવાનું હતું તેમાંથી જેમતેમ કરીને ચાર દિવસ ચલાવ્યું. પૂરના પાણી ઓસર્યા બાદ ખેતરોમાં જઈને જોયું તો તણાઈને આવેલી માટી અને પથ્થરોના થર જામી ગયેલા. પથ્થરો વચ્ચે અમે મહેનતથી ઉગાડેલા છોડ દબાઈ મર્યા હતા. પૂર આવ્યું ત્યારે ડાંગરની સિઝન લેવાની તૈયારી હતી. તેનું પૂરમાં નામોનિશાન મટી ગયું. તળેટીમાં વાવેલા અખરોટ અને સફરજનના ઝાડ મૂળ સાથે ઊખડીને જતા રહેલા.’

અખરોટ-સફરજનમાં કમાણી નથી
કાશ્મીરના અખરોટ અને સફરજન ભલે દેશભરમાં પ્રખ્યાત હોવાથી ઊંચા ભાવે વેચાતા હોય. તેની ખેતી કરતા આ મુસ્લિમ પરિવારો તેમાંથી માંડ-માંડ ઘર ચાલી શકે તેટલું મેળવી શકે છે. પૂરમાં જેમની ખેતી તબાહ થઈ છે તેવા અન્ય એક કાશ્મીરી હબિબુલ્લાહ શાહ કહે છે, ‘અમે ઢોળાવ પર જ્યાં પાણી રોકાતું હોય તેવી સપાટ જમીનમાં ડાંગર ઉગાડીએ છીએ, જ્યારે ઢોળાવો પર સફરજન અને અખરોટની ખેતી કરીએ છીએ.

અખરોટના એક ઝાડ પર ૫૦ કિલો જેટલા અખરોટ ઊતરે છે, સફરજનના ઝાડ પર ૧૦૦ કિલો સફરજન ઊતરે. એક ખેડૂત પાસે ઓછામાં ઓછા ૩૦થી ૩૫ સફરજનનાં ઝાડ હોય છે. સફરજનને ફૂલ આવવા શરૂ થાય ત્યારે વ્યાપારી ફૂલો જોઈને તેના આધારે કેટલો ઉતારો આવશે તેનો અંદાજ લગાવી અમને અડધા રૂપિયા ચૂકવી દે છે, અડધા પાક ઉતરે ત્યારે આપેછે. જો બરફ પડે અને ફસલ નિષ્ફળ જાય તો મોટાભાગના વેપારીઓ પૈસા પાછા માંગતા નથી, પણ અમે ઈમાનદારી દાખવીને સામેથી જ પાછા આપી દઈએ છીએ. આ વખતે પૂર અને હિમના કારણે મારી ખેતી સંપૂર્ણ નાશ પામી છે છતાં મેં વ્યાપારીને તમામ પૈસા પાછા આપી દીધા છે.’

હિજરતી આ પરિવારોમાં અખરોટ અને સફરજન સિવાયની ખેતી માત્ર ઘર પૂરતી જ હોય છે. પહાડી પ્રદેશના ઢોળાવો પર જમીન મોટાભાગે ઢાળવાળી, છૂટીછવાઈ હોય છે. સફરજનની ખેતીના જાણકાર ખેડૂત તાજદીન શાહ કહે છે, ‘સફરજનની ખેતી મોંઘી પડતી હોવાથી સમૃદ્ધ ખેડૂતો જ તેમાં પડે છે. છોડને જુદા જુદા તબક્કે સાત જાતની દવાઓનો છંટકાવ કરવો પડે છે. રૂપિયા ચાર લાખની ઊપજ થાય તો તેમાંથી બે લાખ જેટલો ખર્ચ થઈ જાય છે. દવાઓ ઉપરાંત સમયે સમયે યુરિયા, પોટાશ અને ડાયએમોનિયમ ફોસ્ફેટ ખાતરો આપજંવા પડે છે. જો એક પણ દવા ચૂકી જવાય તો સફરજન બગડી જાય. અમારી સ્થિતિ પડ્યા પર પાટું જેવી થઈ છે.’

બેટી પઢાઓ એમણે અપનાવ્યું
ગુજરાતમાં ફરજિયાત બેટી પઢાઓનો નારો લગાવવો પડે છે ત્યારે આ ગરીબ કાશ્મીરી પરિવારોમાં દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ સારૃં છે. દરેક સ્ત્રી ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ તો મેળવે જ છે. મુસ્તાકભાઈના પરિવારની બિલ્કીસ શાહ આમ તો માત્ર ૧૨ ધોરણ જ ભણી છે, પરંતુ કડકડાટ અંગ્રેજી બોલે છે. તેની દોસ્ત રુહીન પણ એટલું સારું અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ બોલી જાણે છે. તે કહે છે, ‘કુરાનમાં છોકરીનાં નિકાહની વય ૧૬ વર્ષ કહેવાઈ છે, પણ અમારાં લગ્ન ૧૮ વર્ષ બાદ જ થયાં છે. અમારે આગળ ભણવા માટે ગામથી દૂર આવેલી સ્કૂલોમાં જવું પડતું. મારા પરિવારમાં અમે બન્ને બહેનો ભણવામાં હોશિયાર હોઈ પિતાજીએ આગળ ભણવાની હા પાડેલી અને અમે બાર ધોરણ સુધી ભણી શક્યાં. હવે તો અમારાં બન્નેનાં લગ્ન થઈ ગયાં છે, પણ ભણતરના કારણે અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂમાં લખેલું કોઈ પણ લખાણ વાંચી શકીએ છીએ. અમદાવાદમાં અહીંની ભાષા સમજવામાં અભણ લોકોને તકલીફ પડે છે, પણ અમે હિંદી જાણતાં હોવાથી સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને કમ્યૂનિકેટ કરી શકીએ છીએ.’

ભણતરને ગંભીરતાથી લે છે
કાશ્મીરમાં શિયાળા દરમિયાન બાળકોને શાળાઓમાં રજાઓ હોય છે. જોકે હાલ આ પરિવારો વહેલા વતન છોડીને આવી ગયા હોવાથી બાળકોના ભણતર પર અસર ન પડે તે માટે ટ્યૂશન અપાય છે. કેમ્પના ભણેલાં યુવક-યુવતીઓ પ્રાથમિક શાળામાં ભણતાં બાળકોને દરરોજ ટ્યૂશન આપે છે. દસમા ધોરણ સુધી ભણેલી શાહિસ્તા શાહ નામની યુવતી કહે છે, ‘પહેલાં અમારા ગામમાં પ્રાથમિક શાળાથી આગળ સ્કૂલ નહોતી. ત્યારે અમારે નજીકમાં આવેલા રાજપુરા ગામે ભણવા જવું પડતું. અમને હિન્દી, અંગ્રેજી બન્ને ભાષા પણ ઉર્દૂમાં જ શીખવવામાં આવે છે. એટલે અમે તો હિન્દી પણ ઉર્દૂમાં જ લખીએ. હવે ગામમાં સ્કૂલ શરૂ થઈ છે ત્યારે અમે અહીંયા છીએ. આગળ જઈને શ્રીનગરની કોલેજમાં ભણવાની ઇચ્છા છે. આશા છે અમે જલ્દી ઘરે જઈશું.’

કાશ્મીરીઓ આઈએએસ બનવા સક્ષમ
આ પરિવારો કાશ્મીરના પાટનગર શ્રીનગરની આસપાસનાં ગામોના વતની હોવાથી યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ સારું એવું છે, પણ આતંકના ઓછાયા અને કુદરતી આફતોના કારણે શિક્ષિત યુવાનો નોકરીની યોગ્ય તકોથી વંચિત રહી જાય છે. મહંમદ શાહનવાઝ શાહ એફવાયબીએ સુધી ભણેલો યુવક છે. વિવિધ પાંચ પોસ્ટ માટે અરજી કરી હોવાથી તેને સારી જોબ મળવાની આશા બંધાઈ હતી. ત્યાં જ પૂરની પરિસ્થિતિ પેદા થઈ અને તેમણે વતન છોડીને અહીંયા આવવું પડ્યું. તે કહે છે, ‘એવું નથી કે અમે શિક્ષિત નથી. અમે પણ આઈએએસ કે આઈપીએસ બનવા સક્ષમ છીએ, પણ વિષમ આબોહવા અને કુદરતી પરિસ્થિતિ સાથે આતંકવાદ પણ ભળતા મારી જેવા અનેક આશાસ્પદ યુવાનોનાં સપનાં રોળાઈ જાય છે. હાલ તો અમે ટુરિસ્ટોના ગાઈડ તરીકે કામ કરીને ખપ પૂરતું કમાઈ લઈએ છીએ.’

કાશ્મીર તેના કાશ્મીરી જાજમ માટે પણ વિખ્યાત છે. ‘તમે અહીં જાજમ ન બનાવી શકો?’ – યુવતીઓનાં ટોળાં વચ્ચે બેઠેલી જાજમની કારીગર જમીલા ઉત્સાહમાં આવીને જવાબ વાળતાં કહે છે, ‘જાજમ ગમે ત્યાં ન બની શકે, તેના માટે વાતાવરણ અનુકૂળ હોવું જરૂરી છે. વળી જાજમ આયોજનબદ્ધ રીતે તૈયાર થાય છે. પ્રથમ વેપારી જરૂરિયાત પ્રમાણે ઓર્ડર નોંધે છે અને પછી બનાવવાની શરૂઆત થાય છે. પહેલાં આખી ડિઝાઇન કાગળ પર બનાવાય છે, જાજમ નિર્માણ માટે એક વડા હોય છે, જેની નીચે પાંચ-છ કારીગરો કામ કરતાં હોય છે. વડા દરેક વાણા માટે કલર બોલે છે અને કારીગરો એ રંગના દોરા વાપરતા જાય છે. મોર, પોપટ, ફૂલ,વેલ જેવી ડિઝાઇન ઉપસી આવે છે. એક જાજમ તૈયાર થતાં દોઢેક મહિનો લાગે છે. જેની બજારકિંમત રૂ. ૩.૫થી ૪ લાખ સુધીની હોય છે, પણ અમને ફૂટના ૨૦૦ રૂપિયા લેખે મજૂરી ચૂકવાય છે.’

ગાલીચા શાલ મહિલાઓ બનાવે
કાશ્મીરમાં સામાન્ય શિરસ્તો એવો છે કે, પુરુષો ટુરિસ્ટ ગાઈડ અથવા તો ટુરિઝમ સાથે સંકળાયેલું કોઈ કામ કરે અને મહિલાઓ ખેતીની સાથે જાજમ, ગાલીચા અને કાશ્મીરી શાલ બનાવે. અમદાવાદમાં આવી પહોંચેલા કાશ્મીરી પરિવારોની મહિલાઓ પણ આ જ ફોર્મ્યુલાને અનુસરે છે.

મોટા ભાગની મહિલાઓ ઠંડી વધે તો જાજમ કે ગાલીચા બનાવવા પ્રયાસ કરે છે જે ભારે કલાત્મક હોય છે. આ કામ ભારે જહેમત માંગી લે છે. કાશ્મીરી મહિલાઓ તેમાં માહેર હોય છે. બજારમાં આ જાજમ, ગાલીચા અને શાલની કિંમત પણ ઊંચી હોય છે. કલાત્મક હાથકારીગરી અને પસંદગીના રંગોના મિશ્રણ સાથે તૈયાર થયેલી કાશ્મીરી શાલમાં મુખ્યત્વે મરુન, પર્પલ, પિન્ક, મજેન્ટા, રેડ અને બ્લૂ રંગો વધુ જોવા મળે છે. વજનમાં એકદમ હલકી અને સોફ્ટ હોવા છતાં તે ગરમ હોય છે. હાથકારીગરીથી તૈયાર થતી કાશ્મીરી શાલની વિશેષતા એ છે કે તેમાં પેટર્ન અને કલરને એવી રીતે પસંદ કરવામાં આવે છે કે તે પરંપરાગત કે પશ્ચિમી કોઈ પણ આઉટફિટ સાથે મેચ કરી શકાય.

કાશ્મીરી શાલનો વિકાસ અકબરના શાસનમાં થયેલો. જોકે અફઘાન શાસકોના ભારે કરના કારણે મોટા ભાગના કારીગરો કાશ્મીર છોડીને પંજાબના અમૃતસરમાં સ્થાયી થઈ ગયા. આજની તારીખે પણ અમૃતસરમાં બનતી શાલો વખણાય છે, પરંતુ કાશ્મીરી શાલોની તોલે આવી શકી નથી. માગને પહોંચી વળવા માટે અનેક વેપારીઓએ કાશ્મીરમાં આવીને શાલોનો બિઝનેસ કરવા માંડ્યો છે. એટલે કાશ્મીરમાં મોટા ભાગની દુકાનો પંજાબી વેપારીઓની થઈ પડી છે.

બધી વ્યવસ્થા થાય તો પણ રહેવું નથી
જો તમને અહીં રહેવા અને કામ કરવાની વ્યવસ્થા કરી આપવામાં આવે તો શું તમે ગુજરાતમાં રહેવાનું પસંદ કરશો? – આ સવાલના જવાબમાં મુસ્તાકભાઈ તરત ના પાડી દે છે. તેઓ કહે છે, અહીં અમને કોઈ હેરાન નથી કરતું, પણ અમદાવાદમાં ગરમી બહુ છે. અમે શૂન્ય ડિગ્રી તાપમાનમાં રહેનારા લોકો છીએ એટલે અમદાવાદની ગરમી અમારાથી સહન નથી થતી. પરસેવો વળી જાય છે. અમે તો રાત્રે પડદા ઊંચકી લઈએ છીએ.

કાશ્મીર જેવા ઠંડા પ્રદેશમાં રહ્યા હોવાથી આ પરિવારોને અમદાવાદની ગરમી અસહ્ય થઈ પડી છે. જ્યાં શૂન્ય સેન્ટિગ્રેડ તાપમાન અને બર્ફિલો માહોલ છે ત્યાં અમદાવાદની ૧૯ સેન્ટિગ્રેડ ગરમી પણ તેમને આકરી થઈ પડે તે સ્વાભાવિક છે. ઠંડા પ્રદેશમાંથી અચાનક ગરમ પ્રદેશમાં વસવાટ કરવાનો થયો હોવાથી આ કાશ્મીરીઓના ચહેરા લાલ થઈ જાય છે.

છેલ્લા કેટલાક સમયથી ‘આતંકવાદી એટલે મુસ્લિમ’ જેવી માન્યતા જ્યાં ઘર કરી ગઈ છે ત્યારે એ માન્યતાઓથી તદ્દન વિરુદ્ધ આ કાશ્મીરી મુસ્લિમ પરિવારોના દિલમાં હિન્દુસ્તાન વસેલું છે. તેઓ આતંકવાદની છાયાથી કેવી રીતે દૂર રહી શક્યા તેની કહાણી પણ રસપ્રદ છે. આખા રસાલામાં સૌથી જૈફ એવાં તાજબેગમ શેખ કહે છે, ‘બહારથી કેટલાંક લોકો ઘાટીમાં આવતા, યુવાનોને બેરોજગારી અને ઇસ્લામના નામે ઉશ્કેરતા હતા. જોકે અમારો વિસ્તાર શિક્ષિત અને ટુરિસ્ટોની આવનજાવનના કારણે ફરજિયાત શિક્ષિત બન્યો હતો. જેના કારણે એ લોકોની ધર્મના નામે ઝેર ફેલાવવાની વાત અમને કોઈ રીતે ગળે નહોતી ઊતરતી. વળી, અમે અનેક હિન્દુ પરિવારો સાથે ઘર જેવો સંબંધ ધરાવતા હોવાથી એ તત્ત્વોની ધર્મના નામે ઝેર ફેલાવવાની મુરાદ ક્યારેય બર ન આવી શકી. કેટલાક સ્થાનિકો બિચારા તેમનાથી દબાયેલા હોવાથી તેમનો સામનો કરી શકતા નહોતા. હવે જોકે બધું ખતમ થઈ ગયું છે. સરકારે પગલાં લેવાનું શરૂ કરી દેતાં સ્થિતિમાં સુધાર આવ્યો છે. ટુરિઝમના કારણે અમે અન્ય પ્રદેશોના લોકોના સતત સંપર્કમાં આવતા હોવાથી દેશની વાસ્તવિકતાથી અમે વાકેફ હતા. અમારો વિસ્તાર પ્રવાસન સ્થળ હોવાથી સલામત રહી શક્યો.’

સપનામાંય પાકિસ્તાન જવાના વિચાર નથી આવતો
ગુલામરસૂલ શાહ પણ આવા જ કોઠાસૂઝ ધરાવતા વ્યક્તિ છે. કાશ્મીરના કૂપવાડા જિલ્લાના સોનુકૂટ ગામના વતની એવા ગુલામરસૂલના પરિવારમાં કુલ ૧૨ વ્યક્તિઓ છે. પોતાના જીવનકાળમાં કાશ્મીરના અનેક રંગો જોઈ ચૂકેલા ગુલામરસૂલ કહે છે, ‘એક વખતે જ્યાં જવામાં લોકોનેે સ્વર્ગની અનુભૂતિ થતી હતી એ અમારું કાશ્મીર હવે આતંકવાદી પ્રવૃત્તિઓનો અખાડો બની ચૂક્યું છે. સ્થિતિ એટલી ખરાબ નથી હોતી જેટલી પ્રચાર માધ્યમોમાં બતાવવામાં આવે છે. કાશ્મીરને બદનામ કરવામાં આતંકવાદ કરતાં આંતરરાષ્ટ્રીય રાજકારણનો મોટો ફાળો છે. આજની તારીખમાં પણ સામાન્ય કાશ્મીરી ભારત સાથે જ રહેવા માંગે છે. તેને સપનામાં પણ પાકિસ્તાન જવાનો વિચાર નથી આવતો, પણ રાજકારણીઓ તેની આ ઇચ્છાને કદી પૂર્ણ નથી થવા દેતા. આજે સ્થિતિ એ છે કે, કાશ્મીર અને બારામુલ્લામાં ગમે ત્યારે, ગમે તે થઈ શકે છે. અમારા ગામમાં આતંકવાદી હુમલાઓ થતા નથી, પણ તેની અસરમાંથી અમે બાકાત નથી રહી શકતા.’

પૂર અને આતંકના ભય જેવી વિકટ પરિસ્થિતિ છતાં આ પરિવારોની દરેક વ્યક્તિઓના દિલમાં વહેલી તકે વતનમાં પરત ફરવાની લાગણી ઉછાળા મારે છે. જૈફ વયના રાજબીબી શેખ કહે છે, ‘દરેકને પોતાનું ઘર સારું જ લાગે, પછી ભલેને તે ઝૂંપડું કેમ નથી? પૂર, બરફવર્ષામાં તબાહ થઈને અહીં આવ્યા છીએ. જોકે વતન ભૂલાતું નથી, પહાડો અમને પોકારી રહ્યા હોય તેમ લાગ્યા કરે છે અને જલ્દી ઘરે જઈએ તેમ ઇચ્છીએ છીએ.’

ગુજરાતની માણસાઈની સુગંધ
રિપોર્ટિંગ દરમિયાન ‘અભિયાન’ના પત્રકારોએ આ પરિવારોની ગરીબી નજરોનજર જોઈ હતી. આથી તેમણે કોઈ સંસ્થાનો સંપર્ક કરી બનતી મદદ કરવાનું નક્કી કર્યું હતું. કેટલીક સંસ્થાઓ પર નજર કર્યા બાદ આખરે સોમનાથ ટ્રસ્ટનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. ટ્રસ્ટના સંચાલક પી.કે. લહેરીને વાત કરી જોઈ અને તેમણે પરિસ્થિતિની ગંભીરતા પારખી જઈને તરત આ ૬૦ પરિવારો માટે રૂ. સવા લાખના ખર્ચે ૧૫ દિવસ સુધી ચાલે તેટલો દાળ, ભાત અને તેલનો જથ્થો લોડિંગ રિક્ષામાં ભરીને સ્થળ પર મોકલી આપ્યો હતો.

આજે દેશમાં અસહિષ્ણુતા અને કોમી મતભેદોનો મુદ્દો ભારે ચર્ચામાં છે, ત્યારે અહીં હિન્દુઓના પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટના દાન દ્વારા આ ગરીબ મુસ્લિમ પરિવારોની ભૂખ ભાંગવામાં આવી છે. ગરીબ આ પરિવારોએ દાતાઓને આશીર્વાદ આપતા અનેક શબ્દો કહ્યા હતા. એ વાતાવરણમાં દૂરદૂર સુધી અસહિષ્ણુતા ક્યાંય નહોતી. હતી તો ફક્ત માણસાઈ…કરુણા અને ભાઈચારાની સુગંધ.

વયોવૃદ્ધ કાશ્મીરી ગુલામરસૂલે ઉચ્ચારેલા શબ્દો યાદ આવી જાય છે, ‘અલ્લાહને સબકો એક બનાયા હૈ. હમે તો ફખ્ર હોતા હૈ જબ હમ એક નેક હિન્દુ કો અમરનાથ બાબા કે યા વૈષ્નોદેવી કે દર્શન કરવાતે હૈ. કોઈ ઈસ સેક્યુલરિઝમ કો ક્યું નહીં દેખતા?’

અમને હિન્દી, અંગ્રેજી બન્ને ભાષા પણ ઉર્દૂમાં જ શીખવવામાં આવે છે. એટલે અમે તો હિન્દી પણ ઉર્દૂમાં જ લખીએ. હવે ગામમાં સ્કૂલ શરૂ થઈ છે ત્યારે અમે અહીંયા છીએ. આશા છે અમે જલ્દી ઘરે જઈશું: શાહિસ્તા શાહ

કાશ્મીર ભલે સરફજનથી પ્રખ્યાત હોય, પણ મારી જેવા ખેડૂતોની અડધી આવક તેની માવજતમાં ખર્ચાઈ જાય છે. ઋતુ મુજબ દવાનો છંટકાવ કરવો પડે છે. જો એક પણ દવા ચૂકી જવાય તો સફરજનની ખેતી નાશ પામે છે: તાજદીન શાહ

એવું નથી કે અમે શિક્ષિત નથી. અમે પણ આઈએએસ કે આઈપીએસ બનવા સક્ષમ છીએ, પણ વિષમ આબોહવા અને કુદરતી પરિસ્થિતિ સાથે આતંકવાદ પણ ભળતા મારી જેવા અનેક આશાસ્પદ યુવાનોનાં સપનાં રોળાઈ જાય છે : મહંમદ શાહનવાઝ શાહ

વતનમાં અમે કાલિન બનાવીએ છીએ. જેની બજાર કિંમત ૩-૪ લાખ રૂપિયા હોય છે, પણ અમને તો એક ફૂટની કામગીરીના ફક્ત ૨૦૦ રૂપિયા મળે છે. મહેનત અમારી હોવા છતાં નફો વેપારીના ખિસ્સામાં જાય છે: જમીલા શેખ

અલ્લાહે સૌને એક બનાવ્યા છે છતાં ભેદભાવ કેમ. અમે તો હિન્દુઓને વૈષ્ણોદેવી અને અમરનાથનાં દર્શન કરાવીએ છીએ. કોઈ રાજકારણી આ સેક્યુલરિઝમને કેમ સમજવા પ્રયાસ નથી કરતા: મુસ્તાકભાઈ શેખ

કુરાનમાં છોકરીનાં નિકાહની વય ૧૬ વર્ષ કહેવાઈ છે, પણ અમારાં લગ્ન ૧૮ વર્ષ બાદ જ થયાં છે. અમે બંને બહેનો ભણવામાં હોશિયાર હોઈ પિતાજીએ આગળ ભણવાની હા પાડેલી. : બિલ્કીસ શેખ

સફરજનના ઝાડને ફૂલ આવવા શરૂ થાય ત્યારે વ્યાપારી ફૂલો જોઈને તેના આધારે કેટલો ઉતારો આવશે તેનો અંદાજ લગાવી અમને અડધા રૂપિયા ચૂકવી દે છે, પણ જો બરફ પડે અને ફસલ નિષ્ફળ જાય તો અમારે પૈસા પાછા આપી દેવા પડે છે: હબિબુલ્લાહ શાહ

દરેકને પોતાનું ઘર સારું જ લાગે, પછી ભલેને તે ઝૂંપડું હોય. પૂર, બરફવર્ષામાં તબાહ થઈને અહીં આવ્યા છીએ. જોકે વતન ભૂલાતું નથી. પહાડો અમને પોકારી રહ્યા હોય તેમ લાગ્યા કરે છે અને જલ્દી ઘરે જઈએ તેમ ઇચ્છીએ છીએ: રાજબીબી શેખ

અમારા ગામમાં આંગણવાડી માટે મેં અરજી કરી છે. તે મંજૂર થશે એટલે અમારા ગામમાં સેન્ટર ફાળવી દેવામાં આવશે. હું રાહ જોઈ રહી છું કે ક્યારે વતનમાં પરત ફરવાનું થાય: રુક્સાના શાહ

બહારથી કેટલાંક લોકો ઘાટીમાં આવતા, યુવાનોને બેરોજગારી અને ઇસ્લામના નામે ઉશ્કેરતા હતા. જોકે ધર્મના નામે ઝેર ફેલાવતી વાત અમને કોઈ રીતે ગળે નહોતી ઊતરતી. : તાજબેગમ શેખ

તમામ લોકો લોકલ સર્વેલન્સમાં છે
કાશ્મીર સાથે સંકળાયેલા હોવાથી સુરક્ષાની તકેદારી ખૂબ મહત્ત્વની છે. ત્યાંથી આવેલા તમામ લોકોનાં નામ અને ફોટા સાથેની એક યાદી આમારી પાસે છે. તેમનાં વતનનાં સરનામાં પણ એ યાદીમાં સામેલ છે. અહીં રહેતા એકેએક વ્યક્તિનાં બી રોલ ફોર્મ પણ ભરવામાં આવ્યાં છે. વળી વધારાની તકેદારીરૂપે આ તમામ લોકો લોકલ સર્વેલન્સમાં રહે છે. આ લોકો અંગે અમારા પોલીસ મથક ઉપરાંત દેશની તમામ સુરક્ષા એજન્સીઓને પણ જાણ હોય છે.

જે તે એજન્સી દ્વારા દરેક વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા ઓળખપત્ર અને સરનામાં વગેરે માહિતીનું વેરીફિકેશન પણ કરવામાં આવતું હોય છે. બે વર્ષ પહેલાંની વાત કરૃં, હું એટીએસ(એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ)માં ફરજ બજાવતો હતો ત્યારે અમારા વિભાગ દ્વારા હું જ આ કાશ્મિરી શરણાર્થીઓનું વેરીફિકેશન કરવા આવ્યો હતો. : એસ એમ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર, શહેર કોટડા, અમદાવાદ

નરેશ મકવાણા
પૂરક માહિતીઃ ગૌતમ શ્રીમાળી તસવીરોઃ અમિત દવે

You might also like