કામ બાબતે હું ખૂબ જ જિદ્દી છુંઃ ફરહાન અખ્તર

અભિનેતા, લેખક, નિર્માતા, દિગ્દર્શક અને ગાયક તરીકે મલ્ટિ-ટેલેન્ટ પ્રતિભા ધરાવતો ફરહાન અખ્તર તેની અનોખી ભૂમિકા માટે જાણીતો છે. ‘ભાગ મિલ્ખા ભાગ’માં અદ્ભુત અભિનય કરીને તેણે અનેક એવોર્ડ્સ મેળવ્યા હતા. અમિતાભ સાથેની તેની આગામી ફિલ્મ ‘વજીર’ સંદર્ભે ખાસ વાતચીત…

તારામાં આટલી મલ્ટિ ટેલેન્ટ ક્યાંથી આવી?
બધી બાબતો કેવી રીતે ઉજાગર થઈ તે મને ખબર નથી, પરંતુ હું ઘણાં લોકોથી પ્રભાવિત થયો છું. શરૂઆતથી જ ફિલ્મ અને સંગીત તથા લેખનનો શોખ હતો. જોકે આ બધું એકસાથે કેવી રીતે આવ્યું તે અંગે કોઈ પ્લાનિંગ નહોતું કર્યું. બાળપણમાં રોજ લેખનની પ્રેક્ટિસ કરતો. ૧૦ વર્ષનો હતો ત્યારે લગાતાર ત્રણ વર્ષ સુધી સંગીત પણ શીખ્યો છું. સત્તર વર્ષની ઉંમરે હું ગિટાર વગાડતાં શીખ્યો છું. મારા પિતાએ મને પહેલી ગિફ્ટ ગિટારની આપી હતી.

કોલેજમાંથી કાઢી મુકાયો ત્યારે ભણવામાં રસ નહોતો?
હું કોલેજ બંક કરીને ફિલ્મો જોવા જતો. મિત્રોના ઘરે કે મારા ઘરે પણ માત્ર ફિલ્મો જ જોતો હતો. કોલેજના એ વર્ગો મારા માટે ફિલ્મોનું જ્ઞાન મેળવવા સમાન હતા. જોકે શરૂઆતમાં મેં વિચાર્યું નહોતું કે, હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાઈશ, પરંતુ ફિલ્મી દુનિયા માટે કંઈક કરીશ એ નક્કી હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ મને હંમેશાં આકર્ષિત કરતી, પરંતુ હું ફિલ્મોનું નિર્દેશન કરીશ એવું વિચાર્યું નહોતું.

તારા પિતાએ કોઈ બાબતે તને ગાઈડ કર્યો છે?
બાળપણમાં મેં મારા પિતાને સલીમ અંકલ સાથે કલાકો વિતાવતા જોયા છે. તેઓ કલાકો સુધી સ્ટડી રૂમમાં બેસીને લખ્યા કરતા. શું લખતા તે ખબર ન હોય, પરંતુ તેમનો સમય ફિક્સ રહેતો. પપ્પા-મમ્મીની લેખન શિસ્ત જોઈને હું પ્રભાવિત થયો. લેખન માટેની સહનશક્તિ અને શિસ્ત ઘણા પાસેથી શીખ્યો છું.

કામથી સંતુષ્ટ ન હોય ત્યારે અન્ય પ્રોજેક્ટ કેવી રીતે પસંદ કરે છે?
એક કામથી મને સંતોષ નથી મળતો, પરંતુ કોઈ કામ કરવાની ઇચ્છા થાય તો હું તેમાં પીછેહઠ નથી કરતો. નિર્દેશનમાં સારું ચાલતું હોય તો અન્ય કામ ન કરવું જોઈએ તેમ હું નથી વિચારતો. દિલથી કોઈ કામ કરવાની ઇચ્છા થાય તો પછી તે માટે મને કોઈ રોકી શકતું નથી. આ બાબતે હું ખૂબ જ જિદ્દી છું. ‘રંગ દે બસંતી’માં મને રોલ મળી રહ્યો હતો, પરંતુ હું તે કરવા તૈયાર નહોતો. ‘ભાગ મિલ્ખા ભાગ’ માટે મને ઓફર થઈ ત્યારે હું કોઈ પણ ભોગે તે કરવા તૈયાર થયો હતો. દિલથી ઇચ્છા ન થાય ત્યાં સુધી હું કામ નથી કરતો.

બોલીવૂડમાં કન્વેન્શનલ હીરોની ઈમેજ તે તોડી એ વાત સાચી?
હું જેવો દેખાઉ છું તેવો જ રહીશ. હું મારી ઊંચાઈ પણ નથી બદલી શકતો. તમે ક્યારેક વજન ઘટાડો કે વધારો, પરંતુ તમારા બોડી સ્ટ્રક્ચરની બહાર નથી જઈ શકતા. લોકોને સ્વયં તરફ આકર્ષિત કરવા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો, જેથી લોકોનાં દિલ જીતી શકાય.

તારાં મમ્મી, પપ્પા અને બહેનમાંથી કોને આદર્શ માને છે?
મારા જીવનમાં હું અમિતાભ બચ્ચન અને રોબર્ટ ડી નેરોથી ઘણો પ્રભાવિત થયો છું. આ બંનેની ફિલ્મો જોઈને જ હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ તરફ આકર્ષાયો. અન્ય લોકોને નિહાળતો, પરંતુ મારી શરૂઆત આ બંનેથી જ થઈ અને ‘વજીર’માં મને અમિતાભ સાથે કામ કરવા મળ્યું એટલે હું ખુશ છું. તેમની ફિલ્મ ‘લક્ષ્ય’નું દિગ્દર્શન મેં કર્યું હતું, જે યાદગાર રહ્યું. હવે હું તેમની સાથે જ કામ કરી રહ્યો છું, જ્યારે પણ આ ફિલ્મ જોઈશ ત્યારે જૂની યાદો તાજી જશે.

‘વજીર’માં ખાસ શું છે?
આ ફિલ્મ કરવાની ખૂબ મજા આવી. વિનોદ ચોપડાએ ખૂબ જ સારી વાર્તા લખી છે. થ્રિલર લખવી ખૂબ જ મુશ્કેલ હોય છે. તેમાં હ્યુમન ડ્રામા અને થ્રિલરનું બેલેન્સ હોવંઆ જોઈએ. હૃદયને કોઈ વાત સ્પર્શે અને એ બાબત તમારા મનમાં પણ ચાલી રહી હોય, તે ફિલ્મમાં સુંદરતાથી બતાવાયું છે.

પ્રથમ વાર એક્શન રોલ ભજવ્યો છે, કોઈ મુશ્કેલી પડી?
આજની ફિલ્મોમાં એક્શન સીન્સ એકદમ સેફ્ટીથી ફિલ્માવાય છે. જોકે કોઈ મોટો સ્ટંટ કરતાં પહેલાં થોડું નર્વસ ચોક્કસ થવાય છે. એક્શન સીન્સનું દિગ્દર્શન કરવાનું હોય ત્યારે તેને કેવી એક્શન જોઈએ છે તે દિગ્દર્શક પર નિર્ભર કરે છે. તૈયારી કરવામાં જરા પણ ચૂક થઈ જાય તો આખું દૃશ્ય બગડી શકે છે.

તારા પિતાની જેમ તારા અને અમિતાભના ક્લાસિક સીન છે?
મારા પિતા અને અમિતાભના ઘણા સીન ક્લાસિક છે, તેમાંથી કોઈ એક પસંદ કરવું મુશ્કેલ છે, પરંતુ મારી પ્રિય ફિલ્મ ‘દીવાર’ છે. જેની વાર્તા અને પરફોર્મન્સ મજબૂત છે. ‘શોલે’ના પણ ઘણા સીન મારા ફેવરિટ છે. આ ફિલ્મમાં અમિતાભ સાથે મારા ઘણા સારા સીન છે. મોડી રાત્રે હું તેમના ઘરે આવીને તેમની સાથે ચેસ રમું છું, એ આ ફિલ્મનો ફેવરિટ સીન છે. જેમાં ઈમોશનલ કનેક્શન પણ જોવા મળે છે.

તારાં બંને બાળકો સાથે સમય ગાળે છે?
શાક્યા પંદર વર્ષથી થઈ ગઈ છે અને અમારા માટે હવે સમય કાઢવો જરૂરી બન્યો છે. તે ટીનેજર છે, તેની પોતાની દુનિયા અને મિત્રવર્તુળ છે, એટલે હું તેને ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન નથી કરતો, પરંતુ તેને જ્યારે મારી જરૂરત હોય ત્યારે હું તેને સમય આપું છું. તેને આર્ટમાં ખૂબ જ રસ છે અને તે તેમાં જ આગળ વધવા ઇચ્છે છે. અકિરા ખૂબ જ નાનો છે એટલે તેની સાથે રમવા-ફરવાનો સમય હું કાઢી લઉ છું.

હિના કુમાવત

You might also like