રેલવે ફાટક ઉપર ટ્રેનની જોરદાર ટક્કર વાગતાં ટેમ્પાના બે ટુકડા

મોડાસા: ધનસુરાના કંજરીકંપા ગામની સીમમાં માનવરહિત રેલવે ફાટક ઉપર ટ્રેનની જોરદાર ટક્કર વાગતાં ટેમ્પાના બે કટકા થઇ ગયા હતા અને રેલવે ટ્રેકથી ૨૦૦ ફૂટ દૂર ફંગોળાઇને પડ્યા હતા.  આ અકસ્માતમાં એક મહિલા સહિત ત્રણ જણાને ગંભીર ઇજા થઇ હતી. જેમને સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાની જાત થતાં ધનસુરા પોલીસ અને રેલવે તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ટેમ્પો ફાટક વચ્ચે જ બંધ પડતાં અકસ્માત સર્જાયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ધનસુરા તાલુકાના કંજરીકંપા ગામની સીમમાં આવેલા માનવરહિત રેલવે ફાટક પર વાગ્યાના નડિયાદથી મોડાસા તરફ આવી રહેલી ટ્રેન ફાટકની વચ્ચે જ બંધ પડેલા ટેમ્પા સાથે ધડાકાભેર અથડાઇ પડી હતી. જેના કારણે ટેમ્પો ફંગોળાઇને રેલવે ટ્રેકથી ૨૦૦ ફૂટ દૂર ફેંકાઇ ગયો હતો અને તેના બે ટૂકડા થઇ ગયા હતા. ટેમ્પો ધનસુરાથી બે કિમી દૂર બાયડ હાઇવેથી અંદર કંજરીકંપા ગામ તરફ જઇ રહ્યો હતો, ત્યારે કંજરીકંપા પાટિયા પાસેના ફાટક પર બનાવેલા બમ્પઉપરથી પસાર થતાં ટેમ્પો કૂદીને ફાટક વચ્ચે જ બંધ પડી ગયો હતો. બરાબર આજ સમયે ટ્રેન પસાર થતાં અકસ્માત સજાર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

આ અકસ્માતમાં ટેમ્પોમાં સવાર એક મહિલા અને બે પુરુષોને ઇજા થઇ હતી. જેમને સ્થાનિક ગામલોકોએ સારવાર માટે દવાખાને ખસેડ્યા હતા. ઇજાગ્રસ્તો કયાંના હતા તે જાણી શકાયું નથી.  ટેમ્પાનું પાસીંગ મહેસાણાનું હોઇ તેઓે મહેસાણા તરફ સારવાર માટે ગયા હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું હતું. આ ઘટના અંગે ધનસુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, ટેમ્પોચાલકે ટ્રેન આવે તે પહેલાં રેલવે ફાટક પસાર કરી દેવા પ્રયાસ કર્યો હતો. પરંતુ રેલવે ફાટક પર બનાવેલા બમ્પ પરથી પસાર થયેલો ટેમ્પો કૂદીને બંધ પડી ગયો હતો અને ફાટક વચ્ચે આવી ગયો હતો. આ સમયે નડિયાદથી મોડાસા તરફ જતી ટ્રેનના ડ્રાઇવરના ધ્યાને ટેમ્પો ચડે તે પહેલાં ટ્રેન ટેમ્પા સાથે અથડાઇ પડી હતી.

You might also like