બોર્ડ પરીક્ષાઃ સીસીટીવી નહીં હોય તો સેન્ટર નહીં

અમદાવાદ: ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા આ વખતે ઇલેક્ટ્રોનિક નજર હેઠળ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે મહાકાય કવાયત હાથ ધરવામાં આવી છે. આ કવાયતના ભાગરુપે એવો નિર્ણય કરાયો છે કે જ્યાં સીસીટીવી કેમેરા હશે નહીં ત્યાં સેન્ટરો રાખવામાં આવશે નહીં. સીસીટીવી નેટવર્કને ફરજિયાત કરવાનો નિર્ણય કરાયો છે. તમામ પરીક્ષા સેન્ટરોમાં ૧૦૦ ટકા સીસીટીવી રાખવામાં આવશે. ૨૦૧૬ની બોર્ડની પરીક્ષાને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પરીક્ષા સેન્ટરોમાં આ વખતે નવી વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં આ વખતે ૧૦.૮૩ લાખ વિદ્યાર્થીઓ છે જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૩.૩૪ લાખ વિદ્યાર્થીઓ છે.

આવી જ રીતે અંગ્રેજી માધ્યમમાં ધોરણ ૧૦માં ૬૦૦૦૦ વિદ્યાર્થીઓ છે. ૫૯૦૦૦ સીસીટીવીની જરૃર પડશે. બોર્ડ ટૂંક સમયમાં જ ધોરણ ૧૦, ધોરણ ૧૨ માટે ટાઈમટેબલની જાહેરાત કરનાર છે. માર્ચ ૨૦૧૬માં પરીક્ષા યોજાનાર છે. આ નિર્ણયના પરિણામ સ્વરુપે ૫૯૦૦૦ પરીક્ષા સેન્ટરોની યાદીમાંથી ઘણી સ્કૂલો કપાઈ શકે છે. બોર્ડના અધિકારીઓએ સીસીટીવી નેટવર્ક ધરાવનાર સ્કૂલોની યાદી આપવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચના આપી છે. માર્ચ ૨૦૧૫ સુધી બોર્ડે ગ્રામીણ વિસ્તારોમાં પરીક્ષા ઉપર નજર રાખવા માટે ટેબ્લેટનો ઉપયોગ કર્યો હતો. આના કારણે સફળતા મળી હતી. આ પ્રથા આગામી પરીક્ષામાં પણ ૫૦૦૦ સેન્ટરો પર જારી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે.

You might also like