નોટોમાં કાગળનાં બંડલો બતાવી લોકોને છેતરનાર મુખ્ય આરોપીની ધરપકડ

અમદાવાદ: ‘મારા શેઠે મને કાઢી મૂકયો છે, તેમના ત્યાંથી હું આ પૈસા ચોરી લાવ્યો છું, તેમના પૈસાના બદલે દાગીના આપી દો કહી ઉપર નોટો રાખી વચ્ચે કાગળના બંડલો રાખી છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. ક્રાઈમબ્રાંચે આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના મળી રૂ. ૪૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
ક્રાઈમબ્રાંચનાં પી.આઈ કે.આઈ. મોદી અને પીએસઆઈ એ.વાય. બલોચ અને ટીમ પેટ્રોલિંગમાં હતી દરમ્યાનમાં મળેલી બાતમીનાં આધારે પોલીસે નારણ ઊર્ફે ડેંડો મોહનભાઈ સોલંકી (રહે. નેહરુનગરના છાપરા, કુબેરનગર, મૂળ ધાર, રાજસ્થાનને ઝડપી લઈ સોનાની કાનની બુટ્ટીઓ, ચેઈન અને પાયલ મળી રૂ. ૪૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપીની પૂછપરછ કરતાં એકાદ વર્ષ અગાઉ તેણે તેના ત્રણ સાગરિતો સાથે મળી ચોટીલા ખાતે એક ઉંમર લાયક વ્યક્તિને નોટોમાં કાગળનાં બંડલ રાખી અમારા શેઠને ત્યાંથી પૈસા ચોરી કરી લાવ્યા છીએ કહીને તેઓની પાસેથી વીંટીઓ લઈ લીધી હતી.

ચારેક માસ અગાઉ તેઓએ એક બહેનના ગળામાંથી સોનાની ચેઈન તોડી હતી ઉપરાંત એક ભૈયાજીના મકાનમાંથી છ એક મહિના અગાઉ સોનાની બુટ્ટીઓ અને ચાંદીની પાયલની ચોરી કરી હતી. સાતેક માસ અગાઉ તેના ત્રણ સાગરિતો સાથે કાગળના ત્રણ બંડલ લઈ છેતરપિંડી કરવા તેઓ નીકળ્યા હતાં. પરંતુ સુરત રેલ્વે સ્ટેશન પર તેઓ ઝડપાઈ ગયા હતાં. આરોપીએ અન્ય ચેઈન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીઓ પણ કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે અન્ય કઈ કઈ જગ્યાએ ઘરફોડ, ચેઈન સ્નેચિંગ અને છેતરપિંડી કરી છે તેની પૂછપરછ શરૂ કરી છે.

You might also like