સીબીએસઈના પુસ્તકો વિનામૂલ્યે ઓનલાઈન ઉપલબ્ધ થશેઃ સ્મૃતિ ઈરાની

નવી દિલ્હી: માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના સુશાસનના પ્રયાસોના ભાગરૂપે તમામ સીબીએસઈ પાઠ્યપુસ્તકો અને અધ્યયન સામગ્રી વિનામૂલ્યે ઓનલાઈન ઉપલબ્ધ થશે. પૂર્વ દિલ્હીમાં એક કેન્દ્રીય વિદ્યાલય ખાતે યોજાયેલા એક સમારોહને સંબોધતા તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ શાળાઓમાં સાકલ્યવાદી જતન સુનિશ્ચિત કરવા અને ભણતરના પરિણામોને સુધારવા માટે પગલાં હાથ ધરવામાં આવશે.

તેમણે કહ્યું,’અમે દોઢ મહિના અગાઉ ઈ-બુક્સ અને મોબાઈલ એપ્લિકેશન્સ મારફતે એનસીઈઆરટીના પુસ્તકો વિનામૂલ્યે ઓનલાઈન ઉપલબ્ધ કર્યા હતા.અમે તે જ રીતે સુશાસનના પ્રયાસોના ભાગરૃપે વધારાની અધ્યયન સામગ્રી અને વીડિયો સાથે સીબીએસઈના પુસ્તકો વિનામૂલ્યે ઓનલાઈન ઉપલબ્ધ કરાવીશું,’

બાળકો વ્યવસાયિક રીતે જ શ્રેષ્ઠ બને તે ઉપરાંત સારા માણસ પણ બને તે સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો હાથ ધરવા જોઈએ તેવા એક સમારંભમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કરેલા અનુરોધને પ્રતિભાવ આપતા ઈરાનીએ તેમના મંત્રાલયના અધિકારીઓને ‘બાળ સભા’નું આયોજન કરવા જણાવ્યું હતું. આ પ્રકારની બાળસભાઓમાં બાળકો સારા માણસ બને તેમાં મદદરૂપ થવા માટે સંરક્ષણ સહિતના તમામ ક્ષેત્રોના વ્યવસાયિકો અને બાળકો વચ્ચે પરામર્શ થશે.

ઈરાનીએ પુનરોચ્ચાર કર્યો હતો કે કેન્દ્ર સરકાર આવતા શૈક્ષણિક વર્ષથી કેન્દ્રીય વિદ્યાલયોમાં ‘શાળા દર્પણ’ અને ‘સારાંશ’ સેવાઓ (ધો.૧થી ધો.૯ માટે) શરૂ કરશે.  ‘શાળા દર્પણ’ સેવાનો હેતુ વાલીઓને તેમના સંતાનોની હાજરી, સમય પત્રક અને પરીક્ષામાં આવેલા માર્કસ વિશે એસએમએસથી વાકેફ કરવાનો છે. જ્યારે ‘સારાંશ’ માતા પિતાને તેમના બાળકોના વિષયવાર અભ્યાસના પરિણામોની જીલ્લા,રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સરખામણી કરવામાં મદદરૂપ થશે.

અગાઉ કાર્યક્રમને સંબોધતા સિસોદિયાએ બાળકોના જીવનમાં શિક્ષણની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. આપના નેતાએ બાળકોને સારા માણસ બનાવવાની જવાબદારી ઉપાડી લેવા શાળાઓને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું,’આપણે જ્યારે અખબારોમાં કોમી હિંસા, ક્યાંક બળાત્કાર વિશે વાંચીએ છીએ ત્યારે આપણને કશુંક ખૂટતું હોય તેમ લાગે છે. આથી આપણે જવાબદારી લેવી જોઈએ. એક વ્યક્તિ પોતાના જીવનના ૨૦ વર્ષ આપણને આપે છે.

You might also like