1986: મારાડોનાના દમ પર ચેમ્પિયન બન્યું આર્જેન્ટિના

૧૯૮૬માં ૧૩મા ફિફા વિશ્વકપનું આયોજન ૩૧ મેથી ૨૯ જૂન દરમિયાન મેક્સિકોમાં કરવામાં આવ્યું હતું. એવું બીજી વાર બન્યું હતું કે મેક્સિકો ફૂટબોલના આ મહાકુંભની યજમાની કરી રહ્યું હતું. મેક્સિકોએ ૧૯૭૦માં પણ ફિફા વિશ્વકપની યજમાની કરી હતી. મેક્સિકો બે વાર વિશ્વકપની યજમાની કરનારો પહેલો દેશ બન્યો હતો. ૨૪ ટીમની આ ટૂર્નામેન્ટના ખિતાબી મુકાબલાને આર્જેન્ટિનાએ વેસ્ટ જર્મનીને ૩-૨થી હરાવી જીતી લીધો હતો. એ આર્જેન્ટિનાનો બીજો વિશ્વકપ ખિતાબ હતો. તેણે ૧૯૭૮માં પોતાની યજમાનીમાં પણ ખિતાબ પોતાના નામે કર્યો હતો. એ વિશ્વકપને આર્જેન્ટિનાના કેપ્ટન મારાડોનાના શાનદાર પ્રદર્શન માટે આજે પણ યાદ કરવામાં આવે છે, જેણે પોતાની ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ચારે બાજુ મારાડોનાનું નામ ગૂંજ્યું
એ વિશ્વકપ સંપૂર્ણ રીતે ડિએગો મારાડોનાનો જ સાબિત થયો હતો. ૨૫ વર્ષીય મારાડોના આર્જેન્ટિના ટીમનું નેતૃત્વ સંભાળી રહ્યો હતો અને સમગ્ર ટૂર્નામેન્ટમાં તેણે પોતાનો જબરદસ્ત પ્રભાવ છોડ્યો હતો. મારાડોનાએ એ વિશ્વકપમાં કુલ પાંચ ગોલ કર્યા હતા, જેમાંના બે ગોલ ક્વાર્ટર ફાઇનલમાં અને બે ગોલ સેમિફાઇનલમાં કર્યા હતા. તેણે અન્ય પાંચ ગોલ કરવામાં બીજા ખેલાડીની મદદ પણ કરી હતી. આમ મારાડોનાએ પોતાના દમ પર આર્જેન્ટિનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું.

હેન્ડ ઓફ ગોડ ગોલ
એ વિશ્વકપને આર્જેન્ટિના અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ક્વાર્ટર ફાઇનલ મેચ માટે પણ યાદ કરવામાં આવે છે. એ મેચ આર્જેન્ટિનાએ ૨-૧થી જીતી લીધી હતી, પરંતુ એ હાર-જીતથી વધુ આર્જેન્ટિનાએ કરેલા બે ગોલની થઈ હતી. એ બંને ગોલ મારાડોનાએ કર્યા હતા. એમાં પહેલો ગોલ ઘણો ચર્ચાસ્પદ બન્યો હતો. બોલ મારાડોનાના હાથને ટકરાઈને ગોલ પોસ્ટમાં ગયો હતો. રેફરી એ જોઈ શક્યો નહીં અને તેને ગોલ જાહેર કરી દીધો. મારાડોનાએ એ ગોલને ભગવાનની ઇચ્છા જણાવીને ‘હેન્ડ ઓફ ગોડ ગોલ’ જાહેર કર્યો હતો. તેની ચાર મિનિટ બાદ જ મારાડોનાએ એટલો શાનદાર ગોલ કર્યો કે એ ગોલને સદીનો સર્વશ્રેષ્ઠ ગોલ (ગોલ ઓફ ધ સેન્ચુરી) જાહેર કરવામાં આવ્યો. મારાડોનાએ ઈંગ્લેન્ડના પાંચ ખેલાડીઓને ચમકો આપીને એ ગોલ કર્યો હતો, જેમાં ગોલકીપર પણ સામેલ હતો.

ગોલ્ડન બૂટ અને ગોલ્ડન બોલ
ઈંગ્લેન્ડના ગેરી લાઇનકરને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરવા બદલ ગોલ્ડન બૂટ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો, જ્યારે આર્જેન્ટિનાના ડિએગો મારાડોનાને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરીને ગોલ્ડ બોલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

You might also like