હવે ૧૯૮૩નો વર્લ્ડકપ રણવીરસિંહ ઉઠાવશે

મુંબઈઃ હાલ બોલિવૂડમાં બાયોપિકનો જુવાળ ફાટી નીકળ્યો છે. પાછલાં કેટલાંક વર્ષોમાં એક પછી એક ઘણા દિગ્ગજોનાં જીવન પર ફિલ્મો બની ચૂકી છે, જેમાં રમતની દુનિયામાંથી મિલ્ખાસિંહ, મેરી કોમ, મોહંમદ અઝહરુદ્દીન, એમ. એસ. ધોની અને સચીન જેવા મહાન ખેલાડીઓના જીવનના સંઘર્ષની કહાણી તમે મોટા પડદા પર જોઈ ચૂક્યા છે, પરંતુ હવે ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટના લિવિંગ લેજન્ડ કપિલદેવના જીવન પર પણ ફિલ્મ જોવા મળશે.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ફિલ્મ ‘એક થા ટાઇગર’, ‘બજરંગી ભાઈજાન’ અને ‘ટ્યૂબલાઇટ’ જેવી ફિલ્મોને ડિરેક્ટ કરી ચૂકેલા કબીર ખાન આ ફિલ્મનું નિર્દેશન કરશે, જ્યારે આ ફિલ્મમાં કપિલનું પાત્ર રણવીરસિંહ ભજવશે. ઉલ્લેખનીય છે કે ૧૯૮૩માં ભારતને ક્રિકેટ વિશ્વકપમાં મળેલી ખિતાબી જીતની કહાણી પર આ ફિલ્મ બનશે. આ વાતની પુષ્ટિ કરતાં ફિલ્મ એક્સપર્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને કહ્યું, ”કબીર ખાનના નિર્દેશનમાં કપિલના જીવન પર બની રહેલી ફિલ્મમાં રણવીરસિંહ મુખ્ય ભૂમિકા ભજવશે.”

મીડિયા રિપોર્ટ્સની વાત માનવામાં આવે તો આ ફિલ્મ માટે સૌથી પહેલાં અર્જુન કપૂર સાથે ચર્ચા થઈ હતી, પરંતુ કોઈ કારણસર અર્જુન કપૂર સાથે વાત બની નહીં. ત્યાર બાદ આ અંગે રણવીરસિંહ સાથે વાત કરવામાં આવી અને તેણે આ ડીલને ફાઇનલ કરી દીધી છે. એવું પહેલી વાર બનશે કે જ્યારે રણવીર અને કબીર ખાન એકસાથે કામ કરશે. આ સાથે એવું પણ પહેલી વાર બનશે કે રણવીર કોઈ બાયોપિક ફિલ્મ કરશે.

‘પદ્માવતી’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી ફિલ્મોમાં ઐતિહાસિક પાત્ર ભજવનારા રણવીરને એક ખેલાડીના પાત્રમાં જોવો તેના ચાહકો માટે દિલચસ્પ બની રહેશે.

ઉલ્લેખનીય છે કે ભારતે કપિલના નેતૃત્વમાં ૧૯૮૩માં રમાયેલા ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલમાં વિન્ડીઝને માત આપીને પહેલો ખિતાબ જીત્યો હતો. આ ઐતિહાસિક જીતની કહાણી પર આધારિત ફિલ્મને ફેન્ટમ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરાશે. રણવીરસિંહ આ ફિલ્મ માટે કપિલ દેવ ઉપરાંત ૧૯૮૩ની ટીમના અન્ય ખેલાડીઓની પણ મુલાકાત લેશે.

You might also like