અભય ગાંધી જામીન પર છૂટે તેવો ખેલ?

અમદાવાદઃ મહાઠગ અભય ગાંધીએ આચરેલા ૬૦૦ કરોડના કૌભાંડમાં વધુ તપાસ માટે મેટ્રો કોર્ટે કરેલા હુકમ બાદ ક્રાઇમ બ્રાંચે રૂ. છ લાખના ખર્ચે ચાર ગુનાઓની તપાસ કરવા માટે બે વર્ષે સીએની નિમણૂક કરી હતી. આ નિમણૂક કરવામાં આવ્યાને દસ માસથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી સીએ દ્વારા તપાસ અંગેનો કોઈ અહેવાલ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો નથી, જેના લીધે નીચલી કોર્ટમાં છેલ્લાં અઢી વર્ષથી કેસ ચાલી શક્યો નથી.

‘એક કા તીન’ હેઠળ ૬૦૦ કરોડનું કૌભાંડ આચરવાના કેસમાં શહેર ક્રાઇમ બ્રાંચે અભય ગાંધી, તેના ભાઈ પારસ ગાંધી સહિત અન્ય સામે કોર્ટમાં ચાર્જશીટ મૂકી હતી. આ કેસમાં કોર્ટે આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરીને સાક્ષીઓની જુબાની તથા ઊલટતપાસ શરૂ કરી હતી. દરમિયાન આ કેસમાં એજન્ટો સહિતનાની તપાસ નહીં થતાં સીઆરપીસીની કલમ ૧૭૩(૩) મુજબ વધુ તપાસ કરવા તા. ૩ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ અરજી થઈ હતી, જેમાં ૨૪ માર્ચ, ૨૦૧૪ના રોજ કોર્ટે ૧૫ દિવસમાં તપાસ કરીને તેનો અહેવાલ રજૂ કરવા હુકમ કર્યો હતો, પરંતુ ક્રાઇમ બ્રાંચે તપાસનો અહેવાલ રજૂ નહીં કરતાં કોર્ટ ખફા થઈ હતી અને તાકીદે જવાબદાર અધિકારીને રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા.

ત્યાર બાદ તપાસનીશ અધિકારીએ કોર્ટને લેખિતમાં જણાવ્યું હતું કે નાણાકીય વ્યવહારોની તપાસ કરવા સરકાર પાસે સીએની માગણી ૧૫ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ કરવામાં આવી હતી. આ કેસની તપાસ માટેની દરખાસ્ત તા. ૩૧ મે, ૨૦૧૩ના રોજ ગૃહ વિભાગને મોકલી આપવામાં આવી હતી, જેના આધારે ૧૩ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ ચાર સીએના ભાવ મંગાવવામાં આવ્યા હતા, જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પીપારાની ફી સૌથી ઓછી હોવાથી ૧૪ જુલાઈ, ૨૦૧૪ના રોજ તેમની સેવા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ માટે ૯ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ સીએ પીપારાને તપાસ કરવા માટે દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી. આ વાતને દસ માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તપાસમાં કોઈ પ્રગતિ થઈ શકી નથી.

અભય ગાંધીના કેસમાં વધુ તપાસનો અહેવાલ કોર્ટમાં રજૂ કરવામાં આવતો નથી, જેના લીધે નીચલી કોર્ટમાં કેસ આગળ ચાલી શકતો નથી. બીજી તરફ નીચલી કોર્ટમાં કેસ ચાલતો નહીં હોવાથી જામીન મેળવવા માટે અભય ગાંધીએ કરેલી અરજીઓ હાઈકોર્ટ સુધી ફગાવી દેવામાં આવી છે.

You might also like