સગીરા પર રિક્ષા ડ્રાઈવરનો બળાત્કાર

728_90

અમદાવાદ: એક તરફ રાજ્યમાં મહિલાઓ અને બાળકો સુરક્ષિત હોવાની વાત સરકાર અને પોલીસ કરી રહી છે ત્યારે શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી અને અભ્યાસ કરતી ૧૫ વર્ષીય વિદ્યાર્થિની પર એક રિક્ષા ડ્રાઈવરે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ચાંદખેડા વિસ્તારમાં ૧૫ વર્ષીય સગીરા તેનાં દાદા-દાદી સાથે રહે છે. સગીરાના પિતાનું એકાદ વર્ષ અગાઉ જ અવસાન થયું છે. સગીરા ચાંદખેડામાં જ એક સ્કૂલમાં ધો.૧૦માં અભ્યાસ કરે છે. ચારેક મહિના અગાઉ જ્યારે સગીરા સ્કૂલમાં જતી હતી ત્યારથી ચાંદખેડા વિસતમાતાના મંદિર પાસે આવેલ વાળીનાથ ચોકડી પાસે રહેતો સુરેશ કાંતિભાઈ ઠાકોર નામનો યુવક તેને હેરાન કરતો હતો.

સુરેશ રિક્ષા ચલાવતો હોઈ જ્યારે વિદ્યાર્થિની સ્કૂલે જતી ત્યારે તેની છેડછાડ કરતો અને તેના ઘર પાસે આવી હોર્ન વગાડી હેરાન કરતો. બેથી ત્રણ દિવસના અંતરે આ રીતે તેને હેરાન કરી અને તેને ચાંદખેડા એએમટીએસ બસસ્ટેન્ડ પાછળની બાવળની ઝાડીઓમાં લઈ જતો અને તેની સાથે બે-ત્રણ દિવસના અંતરે તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારતો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ જો વિદ્યાર્થિની તેની સાથે લગ્ન નહીં કરે તો તેનાં દાદા-દાદીને મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઘટનાથી વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી અને તેના સ્વભાવમાં બદલાવ આવ્યો હતો. જેની જાણ તેનાં દાદા-દાદીને થતાં તેઓએ વિદ્યાર્થિનીને પૂછતાં સઘળી હકીકત જણાવી હતી. એલ ડિવિઝન એસીપી અર્પિતા પટેલે જણાવ્યું હતું કે હાલમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નંોંધવામાં આવી છે. ટૂંક સમયમાં જ આરોપીને ઝડપી લેવામાં આવશે.

You might also like
728_90