હેરાલ્ડ કેસમાં આજે સોનિયા-રાહુલ કોર્ટમાં હાજર થશેઃ જરૂર પડ્યે જામીન મેળવશે

નવી દિલ્હી: રૂ. ૨૦૦૦ કરોડની પ્રોપર્ટી હડપ કરવાના ઈરાદાથી રૂ. ૯૦ કરોડના રાજકીય ભંડોળનો દુરુપયોગ કરવાના આરોપ સર કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પાંચ આરોપીઓ આજે બપોરે ૩.૦૦ વાગ્યાની આસપાસ નેશનલ હેરાલ્ડ કેસમાં પતિયાલા હાઉસ કોર્ટ સમક્ષ હાજર થશે. જેલ કે બેલ તેની ચર્ચા હવે કોર્ટમાં થશે. જોકે સોનિયા ગાંધી સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે જરૂર પડ્યે આ કેસમાં જામીન મેળવવામાં આવશે.

સોનિયા ગાંધીએ પક્ષ નેતાઓને કોઈ પણ પ્રકારનો ડ્રામા કે દેખાવ નહીં કરવા જણાવ્યું છે. અગાઉ એવા અહેવાલો હતા કે કોંગ્રેસના લોકસભા – રાજ્યસભાના ૧૦૦ સાંસદો અને ચાર મુખ્ય પ્રધાનો પતિયાળા કોર્ટ સુધી કૂચ કાઢશે, પરંતુ શુક્રવારે રાત્રે કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ પક્ષના નેતાઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે પક્ષ દ્વારા કોઈ ડ્રામા કરવામાં આવશે નહીં.

માત્ર આ કેસ સાથે સંકળાયેલા લોકો જ કોર્ટ જશે. બાકીના નેતાઓ પક્ષના કાર્યાલયમાં જ રહેશે. કોર્ટમાં હાજર થતી વખતે કોઈ ડ્રામા જોઈએ નહીં. આ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના નેતા મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડીસ પણ કોર્ટમાં હાજર થશે. કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ આપવાની તેમની પિટિશન દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અરજી કરી છે.

કોંગ્રેસ પક્ષના નેતાઓએ આ કેસની સુનાવણી પહેલા કોંગ્રેસ કાર્યાલયમાં બપોરે ૧.૦૦ વાગ્યે એક બેઠકનું આયોજન કર્યું છે, જેમાં ભવિષ્યની રણનીતિ નક્કી કરવામાં આવશે. સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે ન્યાયિક પ્રક્રિયાનો આદર કરવામાં આવશે. કોર્ટ જેવો આદેશ આપશે તે મુજબ તેનું પાલન કરવામાં આવશે. કોર્ટ જો જામીન મેળવવાનું કહેશે તો જામીન લેવામાં આવશે. સોનિયાએ અપીલ કરી છે કે મોદીના બદલાના રાજકારણનો જવાબ જનતાની વચ્ચે જઈને આપવામાં આવશે.

મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ લવલીનસિંહ આ કેસની સુનાવણી કરશે. પતિયાલા હાઉસ કોર્ટમાં તેઓ જુલાઈ ૨૦૧૫માં આવ્યા છે. આ અગાઉ તીસહજારી કોર્ટમાં તેઓ સિવિલ જજ હતા. તેમના અગાઉ આ કેસમાં મેજિસ્ટ્રેટ ગોમતી મનોચાએ જેમની હવે ટ્રાન્સફર થઈ ચૂકી છે. ગોમતી મનોચાએ આ અગાઉ સોનિયા, રાહુલ સહિતના આરોપીઓના કોર્ટમાં હાજર થવા સમન્સ બજાવ્યા હતા. સોનિયા અને રાહુલનો કેસ સિનિયર એડવોકેટ અને પક્ષના પ્રવકતા અભિષેક મનુ સિંઘવી લડી રહ્યા છે.

પતિયાલા હાઉસ કોર્ટમાં આજે જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવા આવ્યો છે. એસ.પી.જી અને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ અદાલત સંકુલની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું. કોર્ટ સંકુલની અંદર અને બહારની પ્રવૃત્તિઓ પર નજર રાખવા ૧૬ સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે.

You might also like