મોદી સરકારના પ્રધાનો જાન્યુ.થી વિરોધ પક્ષો સામે મોરચો માંડશે

નવી દિલ્હી: મોદી સરકારના પ્રધાનો આવતા મહિને દેશભરમાં ફરીને વિપક્ષને બેનકાબ કરશે. લોકોને જણાવાશે કે કઇ રીતે વિપક્ષ સંસદ ચલાવવા દેતા નથી અને મહત્વના ખરડા લટકી પડયા છે. સાથોસાથ સરકારની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોંચાડાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૃવારે મંત્રીઓ સાથે મોડી રાત સુધી બેઠક યોજી હતી. તેમણે મંત્રીઓને સલાહ આપી હતી કે તેઓ તેમનું કામ કરે અને વિપક્ષની વાતો પર બહુ ધ્યાન કેન્દ્રીત ન કરે.

પીએમ મોદીએ મંત્રીમંડળ સાથે બેઠક યોજીને જે રણનીતિ તૈયાર કરી છે તે મુજબ એનડીએ સરકારના મંત્રીઓ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં ફરીને સંસદમાં કામકાજ રોકવાના વિપક્ષના પ્રયત્નો અંગે લોકોમાં પ્રસાર કરશે. કારણે કે સંસદ ન ચાલવાથી અનેક બિલ પેન્ડિંગ પડ્યા રહ્યા છે. તેઓ લોકોને જણાવશે કે સરકાર ગરીબો માટે શું કરી રહી છે અને કઈ કઈ ઉપલબ્ધિઓ હાંસલ થઈ રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને યોજેલી મંત્રીગણની બેઠકમાં મંત્રીઓને કહ્યું હતું કે સરકાર જે કંઈ કરી રહી છે તેને લઈને આશાવાદી રહે તથા જૂઠ પર આધારિત ચાલતા વિપક્ષના અભિયાનોથી પ્રભાવિત ન થાય. મોદીની મંત્રીમંડળ સાથેની આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. વડાપ્રધાને તેમના કેબિનેટ સહયોગીઓને સરકારના કામકાજ અંગેના સંદેશાઓ લોકો સુધી પહોંચાડવા અને તેમની સાથે સારો સંપર્ક કેળવવાના પડકારને સ્વીકારવા જણાવ્યું હતું.

આ ઉપરાંત તેમણે મંત્રીઓને તેમના વિભાગના કામકાજની સમયાંતરે સમીક્ષા કરવા પણ જણાવ્યું હતું તથા કામકાજના પ્રદર્શનને વધારવા તથા સરકારની છબિ સુધારવા માટે નવા નવા વિચારો વિકસાવવા પર ભાર મૂકયો હતો. તેમણે મંત્રીઓને એવી પણ સલાહ આપી હતી કે મંત્રીઓએ તેમના સંસદીય વિસ્તારમાં જાન્યુઆરીના બીજા સપ્તાહથી મુલાકાતો લેવી અને તેમના વિસ્તારોમાં ઓછામાંઓછી ૩૦ મિનિટ જરૃરથી પસાર કરવી.

You might also like