શાહરૂખની ફિલ્મ ‘દિલવાલે’ના શ્રેણીબદ્ધ શો આખરે રદ થયા

અમદાવાદ: શાહરુખખાન અભિનીત દિલવાલે ફિલ્મના શ્રેણીબદ્ધ શો ફિલ્મની રજૂઆતના પ્રથમ દિવસે જ રદ્દ કરી દેવામાં આવ્યા હતા. જુદા જુદા વર્ગ તરફથી શાહરુખખાનની ફિલ્મ સામે જોરદાર નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ભારતમાં અસહિષ્ણુતાના સંદર્ભમાં શાહરુખ ખાન દ્વારા કરવામાં આવેલા નિવેદન સામેના વિરોધમાં જોરદાર દેખાવો થયા હતા. અમદાવાદ, સુરત અને અન્યત્ર જગ્યાઓ ઉપર શાહરુખ ખાનની ફિલ્મના શો રદ થયા હતા.

અમદાવાદમાં બેથી વધુ સિનેમા હોલ, મહેસાણા, વ્યારા, માંડવી, વલસાડમાં દેખાવો કરવામાં આવ્યા હતા અને શોને અધવચ્ચે બંધ કરાયા હતા. રાયપુરમાં સિટી પ્લસ નજીક જોરદાર દેખાવો કરવામાં આવ્યા હતા જ્યારે કાંકરિયામાં અપ્સરા ખાતે, સીટીએમ વિસ્તારમાં, રિવોલ્યુશન વિસ્તારમાં પણ દેખાવો કરાયા હતા. સુરતમાં પણ હિન્દુ રાષ્ટ્ર સેના દ્વારા દેખાવો કરાયા હતા. પોલીસે દેખાવ કરી રહેલા ઘણા લોકોની સુરતમાં ધરપકડ કરી હતી.

વલસાડમાં પણ વિરોધ પ્રદર્શન જારી રહ્યો હતો. તાપીમાં શોને રદ કરવાની ફરજ પડી હતી જ્યારે કચ્છ જિલ્લાના માંડવીમાં પણ શોને રદ કરવાની ફરજ પડી હતી. શાહરુખ ખાનની સાથે સાથે આમિર ખાનને પણ દેશદ્રોહી તરીકે ગણાવ્યા હતા. આજે શહેરના એસજી હાઈવે પર એન્જલ મલ્ટીપ્લેક્ષ પણ દિલવાલેના શો રદ કરાયા હતા. મહેસાણા અને વલસાડમાં પણ વિવાદ રહ્યો છે. શાહરુખની ફિલ્મ રજૂઆત થાય તે પહેલા જ ગઇકાલથી જ દેખાવો શરૂ થયા હતા.

શહેરમાં દિલવાલે મુવીના પોસ્ટર્સ ફાટવામાં આવ્યા હતા અને થિયેટરમાં અણબનાવની અમદાવાદના થલતેજ સ્થિત પીવીઆરમાં આજના શો રદ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં થલતેજ પીવીઆર સિનેમાઘરમાં, રાયપુર સિટી, પ્લસ થિયેટર, મિરાજ સિનેમામાં બેનરો સાથે અને બેનર વગર પણ વિરોધ પ્રદર્શન થયું હતું, દેશ અંગેની અગાઉ કરેલી શાહરૂખની કોમેન્ટ તેની હાલની ફિલ્મ માટે ભારે પડી રહી છે.

અમદાવાદ શહેરમાં ઘણા વિસ્તારોમાં શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ દિલવાલે સામે વિરોધ નોંધાવતા બહિષ્કાર અંગેના પોસ્ટર્સ લાગવા લાગ્યા હતા. આઈ.આઈ.એમ, હેલ્મેટ ચાર રસ્તા વગેરે સ્થળો પર બોયકોટ દિલવાલેના પોસ્ટર્સ લાગવા લાગ્યા હતા.  જે પછી અમદાવાદના ઘણા થિયેટર્સ અને મલ્ટિપ્લેક્સિસ બહાર લાગેલા ફિલ્મના પોસ્ટર્સ લોકો ફાડી રહ્યા છે તો બીજી તરફ વિરોધ પ્રદર્શનને લઈને અમદાવાદના થલતેજ વિસ્તારના પીવીઆરમાં આજના શો રદ કરી દેવામાં આવ્યા છે. શાહરુખ ખાનની ફિલ્મને વિરોધ પ્રદર્શન જારી રહે તેવી શક્યતા છે.

વિરોધ કરનાર ડોકટર સહિત ૧૯ની અટકાયત
અસહિષ્ણુતા મુદ્દે વિવાદાસ્પદ નિવેદન કરનાર ફિલ્મ અભિનેતા શાહરૃખ ખાનની ફિલ્મ દિલવાલે આજે રિલીઝ થતાં શહેરનાં કેટલાક મલ્ટિપ્લેક્સોમાં આ ફિલ્મનો વિરોધ કરાયો હતો. વાડજમાં આવેલી દેવસ્થ કિડની હોસ્પિટલનાં ડોકટર દિનેશ પટેલ અને તેમની ટીમનાં ૧૮ જેટલાં લોકોએ ભેગા મળી સવારે એસ.જી. હાઇવે પર આવેલા પીવીઆર મલ્ટિપ્લેક્સ બહાર બેનર્સ અને સૂત્રોચ્ચાર કરી ફિલ્મનો વિરોધ કર્યો હતો. બીજી તરફ ફિલ્મનો વિરોધ થવાનાં એંધાણને પગલે મલ્ટિપ્લેક્સોની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેથી વસ્ત્રાપુર પોલીસે વિરોધ કરનારા તમામ ૧૯ લોકોની અટકાયત કરી અને બપોર બાદ મુક્ત કર્યા હતાં. રાયપુર વિસ્તારમાં આવેલાં સિટીપલ્સ સિનેમા ઘર પાસે પણ ફિલ્મનો વિરોધ કરાયો હતો. કેટલાંક લોકોએ પોસ્ટરો ફાડી નાખ્યા હતાં, જેથી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી. શહેરમાં આ રીતે ફિલ્મનો વિરોધ થતાં કેટલીક જગ્યાએ ફિલ્મનાં શો ને રદ કરવામાં આવ્યાં હતાં. તો કેટલીક જગ્યાએ ફિલ્મનાં પોસ્ટરો ઊતારી લેવાની ફરજ પડી હતી. પોલીસે તમામ સિનેમાઘરો અને મલ્ટિપ્લેક્સ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

You might also like