સ્થાનિક બજારમાં સોનાનો ભાવ ૨૫,૦૦૦ થાય તેવી શક્યતા ઓછી

અમદાવાદ: અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યા બાદ વૈશ્વિક કોમોડિટી બજારમાં મોટાં ગાબડાં પડ્યાં છે. સ્થાનિક બજારમાં પણ તેની સીધી અસર જોવાઇ છે, પરંતુ સ્થાનિક બજારના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ટૂંકા ગાળામાં સોનું ૨૫,૦૦૦થી નીચે જાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પાછલા એક વર્ષમાં ૧૧ ટકા તૂટ્યું છે.

દરમિયાન ચાલુ સપ્તાહમાં સોનું બે ટકા તૂટ્યું છે, જે પાછલાં છ સપ્તાહમાં સૌથી નબળું સપ્તાહ રહ્યું છે, જ્યારે સ્થાનિક બજારમાં પાછલા એક વર્ષ અગાઉ જે ભાવ જોવા મળતા હતા તેની આસપાસનો જ ભાવ આજ કાલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક બુલિયન બજારના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે સ્થાનિક બજારમાં સોનું આગામી બેથી ચાર સપ્તાહમાં રૂ. ૨૫,૦૦૦થી નીચે જાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.

માણેકચોક ચોક્સી મહાજનના પૂર્વ પ્રેસિડેન્ટ હર્ષવર્ધન ચોક્સીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં ભલે નરમાઇ તરફી ચાલ જોવા મળી રહી હોય, પરંતુ સ્થાનિક બજારમાં ડોલર સામે રૂપિયાની નરમાઇની અસરે સ્થાનિક બજારમાં ઊંચી આયાત પડતરના પગલે સોનાના ભાવમાં ટૂંકા ગાળા માટે ૨૫,૦૦૦થી નીચે જાય તેવી શક્યતા હાલ ખૂબ ઓછી જોવા મળી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આયાત ડ્યૂટી રેટ ૧૦ ટકા જેટલા ઊંચા છે. જો સરકાર દ્વારા તેમાં ઘટાડો થાય તો સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં સીધા ઘટાડાની અસર જોવાય તેવી શક્યતા છે.

You might also like