‘દિલવાલે’ને પોલીસ પ્રોટેક્શન

અમદાવાદ: અસહિષ્ણુતાના મુદ્દે સર્જાયેલા વિવાદમાં સપડાયેલા ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ ‘દિલવાલે’નો શહેરના મોટા ભાગના મલ્ટિપ્લેક્સોમાં વિરોધ થઇ રહ્યો છે. ફિલ્મનો બહિષ્કાર કરવા માટે ગઇ કાલે શહેરમાં અનેક જગ્યાએ પોસ્ટર્સ લાગ્યાં હતાં ત્યારે આજે ફિલ્મ રિલીઝ થતાં સવારે કેટલાંક થિયેટરો બહાર લોકોએ બેનર્સ દર્શાવી ફિલ્મનો વિરોધ કર્યો હતો. બીજી તરફ વિરોધનાે સૂર દેખાતાં શહેરના મોટાભાગના મલ્ટિપ્લેક્સની બહાર સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને.

ફિલ્મ અભિનેતા શાહરુખ ખાને અસહિષ્ણુતાના મુદ્દે નિવેદન આપતાં વિવાદ સર્જાયો હતો, જેથી આ મામલે બજરંગદળ તેમજ અન્ય લોકોએ શાહરુખનો વિરોધ કર્યો હતો. શાહરુખ ખાનની ફિલ્મ ‘દિલવાલે’ આજે રિલીઝ થઇ હતી. રિલીઝ થતાં ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. એસજી હાઇવે પર આવેલા પીવીઆર સિનેમા બહાર ડોક્ટર દિનેશ પટેલ અને કેટલાક કાર્યકરો દ્વારા બેનર્સ અને સૂત્રોચ્ચાર દ્વારા ‘દિલવાલે’ ફિલ્મનો વિરોધ કરાયો હતો. બીજી તરફ ઓમ ક્રાંતિ સેના દ્વારા રાયપુર વિસ્તારમાં આવેલા સિટીપલ્સ સિનેમા પાસે દર્શકોને ફિલ્મ ન જોવા માટે બે હાથ જોડી ગુલાબનું ફૂલ આપી સમજાવી અનોખો વિરોધ દર્શાવ્યો હતો, જોકે આ ફિલ્મનો વિરોધ થવાનો હોઇ અન્ય કોઇ સંગઠનો દ્વારા મલ્ટિપ્લેક્સમાં હોબાળો ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે.

સેક્ટર-૧ જેસીપી રાજીવ રંજન ભગતે જણાવ્યું હતું કે ફિલ્મના વિરોધને લઇ તમામ મલ્ટિપ્લેક્સની બહાર સ્થાનિક પોલીસની એક વાન હાજર રહેશે. બીજી તરફ ફિલ્મનો વિરોધ કરવા માટે અગાઉ યુવાનો સાથે મિટિંગો-પેમ્ફલેટની વહેંચણી કરવામાં આવી હોવાનું બજરંગદળના પ્રમુખ જ્વલિત મહેતાએ જણાવ્યું હતું. શાહરુખ ખાને પોતાના નિવેદન બદલ માફી માગી છે, પરંતુ કેટલાંક સંગઠનો હજુ સુધી તેને માફ કરવા તૈયાર નથી, જેના પગલે આજે ફિલ્મ રિલીઝ થતાં તેનો વિરોધ કરાઇ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગુજરાતના કોમી હુલ્લડો પર અાધારિત ફિલ્મ ‘પરજાનીયા’, અામિર ખાનની ‘ફના’, સંજય લીલા ભણસાલીની ‘ગોલિયો કી રાસલીલાઃ રામલીલા’ પણ કોઈને કોઈ કારણસર ઉગ્ર વિરોધનો ભોગ બની હતી. અા ફિલ્મોની રિલીઝ અટકાવવા પણ દેખાવો યોજાયા હતા.

You might also like