કાલુપુર સ્ટેશને અાવતા સપ્તાહથી ટિકિટ વેન્ડિંગ મશીન મુકાશે

અમદાવાદ: અાવતા સપ્તાહથી અમદાવાદ રેલવે સ્ટેશને પ્રવાસીઅોને જનરલ ટિકિટ ખરીદવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવું નહીં પડે. કારણ કે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર મુખ્ય પ્લેટફોર્મ નં. ૧ અને ૧૨ ઉપર કુલ ૬ ટિકિટ વેન્ડિંગ મશીન મૂકવામાં અાવી રહ્યાં છે.

રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર અા ટી.વી.એમ. અાવતા સપ્તાહથી કાર્યરત થશે. હાલમાં અા મશીનોની ટ્રાયલની કામગીરી ચાલુ છે.

અા કેશ કોઈન મશીનમાં રૂ. ૫થી રૂ. ૧૦૦૦ સુધીની ચલણી નોટ ઉપયોગમાં લઈ શકાશે. એટલું જ નહીં મશીન પાંચ કે દસ રૂપિયાનો સિક્કો પણ સ્વીકારી લેશે. માત્ર એક મિનિટના સમયગાળામાં પ્રવાસીને ટિકિટ મળી જશે. ટૂંકા અંતરની રોજબરોજ મુસાફરી કરી રહેલા પ્રવાસીઅો માટે ટિકિટ વેન્ડિંગ z મશીન અાશીર્વાદ સમાન બનશે. કારણ કે જેટલો સમય તેમને જે તે સ્થળે ટ્રેનમાં પ્રવાસ માટે થાય તેટલો સમય તેમણે ટિકિટ મેળવવા માટે લાઈનમાં ઊભા રહીને કાઢવો પડતો હતો. માટે પ્રવાસીઅોને પ્રવાસ સાથે હવે સમયની પણ બચત થશે.

અમદાવાદ ડિવિઝનનાં કુલ ૧૪ મોટાં રેલવે સ્ટેશને તબક્કાવાર ટિકિટ વેન્ડિંગ મશીન મૂકવામાં અાવશે. જેની સંખ્યા કુલ ૪૦ જેટલી હશે. અા અન્વયે હાલમાં અમદાવાદ સહિત સુરત અને વડોદરામાં પણ કામગીરી ચાલુ છે.

પેસેન્જરે જેટલી રકમની ટિકિટ હોય તેટલી રકમના છૂટા પૈસા રાખવા પડશે. હાલમાં મશીનના પાછા મળે તેવી વ્યવસ્થા નથી.

ચલણી નોટ સિવાય પેસેન્જર સ્માર્ટ કાર્ડનો ઉપયોગ પણ કરી શકશે. જે તેણે રેલવેના ટિકિટ કાઉન્ટર પરથી એક જ વાર ખરીદવાનું રહેશે. જેમાં રૂ. ૫૦૦ સુધીની રકમથી ખરીદવાનું રહેશે પરંતુ અા જ કારડનો ઉપયોગ ટીવીએમ મશીનમાં સિઝન ટિકિટ ઉપરાંત પ્લેટફોર્મ ટિકિટ પણ મેળવી શકાશે. જેમાં વધુમાં વધુ ચાર મુસાફરો માટે એક જ સમયે ટિકિટ ખરીદી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિતનાં મુખ્ય રેલવે સ્ટેશનો પર ટૂંક સમયમાં જ વોટર વેન્ડિંગ મશીન દ્વારા પેસેન્જરોને શુદ્ધ પાણી (અારઅો વોટર) ઉપલબ્ધ કરાવાશે. જેની કિંમત માત્ર ૫ રૂપિયા લિટર હશે.

અમદાવાદ, સુરત અને વડોદરા રેલવે ટિકિટ વેન્ડિંગ મશીન કાર્યરત થયા બાદ મહેસાણા અને ઉધના સ્ટેશને મશીનો કાર્યરત થશે. ટિકિટ વેન્ડિંગ મશીનમાં ગ્રાફિક ડિસપ્લે મુકાયો છે. જેમાં તમામ રૂટનો નકશો સમાવિષ્ટ કરાયો છે. ત્યારપછી મેનુમાં અોપ્શન મળશે. અા મશીનનો ઉપયોગ કોઈ પણ રેલ પ્રવાસી ૨૪ કલાક ૩૬૫ દિવસ કરી શકશે. સેન્ટ્રલ રેલવે દ્વારા હાલમાં ૩૮૩ અેટીવીએમ કાર્યરત છે.

You might also like