ભારતીય ક્રિકેટમાં મોટા ફેરફાર કરવાનો સમય આવી ગયો છે?

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા હવે એક નવા યુગમાં એન્ટ્રી માટે તૈયાર દેખાઈ રહી છે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં ઐતિહાસિક જીત બાદ વિરાટની કેપ્ટનશિપને લઈને દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે, જ્યારે બીજી તરફ વન ડે અને ટી-૨૦ ટીમ, જેનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન તરીકે જ નહીં, ખુદના ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. પહેલાં બાંગ્લાદેશ વિરુદ્ધ શરમજનક પરાજય અને પછી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વન ડે અને ટી-૨૦ શ્રેણી ગુમાવવાથી એક નવી ચર્ચાનો જન્મ થઈ ગયો છે. ‘શું હવે વન ડે અને ટી-૨૦માં પણ ટીમનું નેતૃત્વ વિરાટને સોંપી દેવું જોઈએ?’

ભારતે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે, જ્યાં ભારત પાંચ વન ડે અને ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી રમવાનું છે. ત્યાર બાદ માર્ચમાં ભારતે પોતાની જ ધરતી પર ટી-૨૦ વિશ્વકપ રમવાનો છે. એવામાં પસંદગીકારો આજે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમની જાહેરાત કરવાના છે તો તેમાં અને આગામી ટી-૨૦ વિશ્વકપની કેપ્ટનશિપમાં ફેરફાર કરવાનો પ્રયોગ કરશે ખરા? આ પગલું ઉઠાવવામાં સૌથી મોટી ભૂમિકા પસંદગીકારોની રહેવાની છે એમાં કોઈ શંકા નથી, પરંતુ બીસીસીઆઇની નવી સલાહકાર સમિતિ (સચીન, ગાંગુલી અને લક્ષ્મણ) પણ આ બાબત તરફ કોઈ સંકેત આપી શક છે. ત્રીજો પક્ષ, જે આ ફેરફારમાં લીલીઝંડી આપી શકે છે તે છે ખુદ ધોની. કેપ્ટન કુલ અચાનક નિર્ણયો લેવા માટે દુનિયાભરમાં મશહૂર છે. ટેસ્ટ ક્રિકેટમાં નિવૃત્તિની જાહેરાત પણ કંઈક આવા જ અંદાજમાં ધોનીએ કરીહતી. એ જોવું દિલચસ્પ બની રહેશે કે શું ધોની ખુદ પાછળ હટીને વિરાટને આ કેપ્ટનશિપ સોંપી દેશે કે પછી અંતિમ કોશિશ કરવા તે તૈયાર રહેશે.

એમ તો ધોની હાલમાં બંને તરફથી દબાણમાં છે. તેની કેપ્ટનશિપમાં ટીમને હારનો સામનો કરવો પડી રહ્યો છે તે ઉપરાંત તેનું ખુદનું ફોર્મ પણ એવું છે કે તે દબાણમાં રહેશે જ. ધોની હાલમાં વિજય હજારે ટ્રોફી (વન ડે)માં ઝારખંડ તરફથી રમી રહ્યો છે અને પાછલી પાંચ મેચની ચાર ઇનિંગ્સમાં તે કુલ ૭૨ રન જ બનાવી શક્યો છે, જે દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૪૪ રનનો રહ્યો છે. જોકે પાછલી પાંચ આંતરરાષ્ટ્રીય વન ડે મચમાં ધોનીએ દક્ષિણ આફ્રિકા સામે અણનમ ૯૨ અને ૪૭ રનની બે મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ જરૂર રમ્યો, પરંતુ હાલ તે મેચ વિનર ખેલાડી સાબિત થઈ રહ્યો નથી.  સૌથી મોટો સવાલ એ જ છે કે જો ધોની કેપ્ટનપદેથી હટી જાય તો શું એક વિકેટકીપર બેટ્સમેન તરીકે તેને ટીમમાં સ્થાન મળે ખરું? જો ના, તો એવું માની લેવું જોઈએ કે તેની કેપ્ટનશિપ ખતમ થતાં જ ધોનીની કરિયર પણ ખતમ થઈ જશે.

You might also like