ડીજી પોલીસ મીટમાં ભાગ લેવા મોદી કચ્છ અાવી પહોંચ્યા

અમદાવાદ: કચ્છના ધોરડોના સફેદ રણમાં અાજ સાંજથી રાજ્યના પોલીસવડાઓની કોન્ફરન્સમાં ભાગ લેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખાસ વિમાન મારફતે ભૂજ અાવી પહોંચ્યા હતા. જ્યાં મુખ્યપ્રધાન અાનંદીબહેન પટેલ તથા અન્ય મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું. હે‌િલકોપ્ટર મારફતે નરેન્દ્ર મોદી ભૂજથી ધોરડો પહોંચ્યા હતા. ધોરડોના સફેદ રણમાં ડીજી મીટ માટે ખાસ ટેન્ટ સિટી ઊભું કરાયું છે. વડા પ્રધાન માટે અમદાવાદના નામાંકિત દસ ડોક્ટરો ઉપરાંત દિલ્હીના ડોક્ટરોનો કાફલો તહેનાત કરાયો છે.

ધોરડોમાં અાજ સાંજથી ડીજી પોલીસ મીટ શરૂ થઈ રહી છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યના પોલીસવડાઓ સપરિવાર ધોરડો પહોંચી ગયા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ પણ ડીજી મીટમાં હાજરી અાપવાના છે. પાકિસ્તાન સરહદથી માત્ર ૧૭૦ કિલોમીટર દૂર થઈ રહેલી અા ડીજી મીટ માટે લશ્કરી દળ તથા અર્ધલશ્કરી દળ સહિત સુરક્ષા જવાનોની ફોજ ખડકી દેવાઈ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના બદલાયેલા વાતાવરણની અસર કચ્છમાં જોવા મળી છે. ગઈ કાલથી ધોરડોના અા સફેદ રણમાં ઠંડી ૧.૨ ડિગ્રી થઈ ગઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અા કા‌િતલ ઠંડી વચ્ચે બે દિવસ પસાર કરશે. અા ઉપરાંત કોન્ફરન્સમાં હાજર રહેનાર રાજ્યોના પોલીસવડાઓ સહિતના અામંત્રિતો માટે વધારે ફર્સ્ટ એઈડની મે‌િડસન અને પાંચ કરતાં વધુ એમ્બ્યુલન્સ પણ સફેદ રણમાં તહેનાત કરવામાં અાવી છે. દરમિયાનમાં વડા પ્રધાન ગુજરાતની મુલાકાતે હોવા છતાં અમદાવાદ કે ગાંધીનગર અાવવાના નથી તેઓ ભૂજથી સીધા નવી દિલ્હી જવા રવાના થશે.

You might also like