ન્યૂઝીલેન્ડ-શ્રીલંકાઃ ધબડકા બાદ કેપ્ટન મેથ્યુસે બાજી સંભાળી

પ્રથમ દિવસની રમતના અંતે શ્રીલંકાના સાત વિકેટે ૨૬૪ રનઃ કેપ્ટન મેથ્યુસના અણનમ ૬૩ રન
હેમિલ્ટનઃ પ્રવાસી શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અહીં શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડના કેપ્ટન મેક્કુલમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાના નિર્ણયને ન્યૂઝીલેન્ડના બોલર્સે યથાર્થ ઠેરવતા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી સાત શ્રીલંકાના સાત બેટ્સમેનને પેવેલિયનમાં મોકલી આપ્યા છે. મેથ્યુસ ૬૩ રને રમી રહ્યો છે અને શ્રીલંકાનો સ્કોર સાત વિકેટે ૨૬૪ રન છે. વરસાદને કારણે આજે રમત વહેલી બંધ કરવાની ફરજ પડી હતી. આજે ફક્ત ૬૭ ઓવરની જ રમત શક્ય બની હતી.

આજે શ્રીલંકા તરફથી દાવની શરૂઆત કરુણારત્ને અને મેન્ડિસે કરી હતી, પરંતુ ૩૯ રનના કુલ સ્કોર પર કરુણારત્ને સાઉથીનો શિકાર બન્યો હતો. તેણે ફક્ત ૧૨ રન જ બનાવ્યા હતા. ત્યાર બાદ મેન્ડિસ સાથે જયસુંદરા જોડાયો હતો અને ટીમનો સ્કોર ૪૪ રન હતો ત્યારે ફરી સાઉથી ત્રાટક્યો હતો અને તેણે મેન્ડિસને ૩૧ રનના વ્યક્તિગત સ્કોર પર વેટલિંગના હાથમાં ઝિલાવી દીધો હતો. ત્યાર બાદ જયસુંદરા સાથે ચાંડિમલ જોડાયો હતો અને આ બંનેની જોડી શ્રીલંકાના સ્કોરને ૧૧૫ રન સુધી લઈ ગઈ હતી. ધૈર્યપૂર્વક રમી રહેલા જયસુંદરા અને ચાંડિમલ વચ્ચે રન લેતી વખતે હિચકિચાટ થતા સેન્ટરના એક સુંદર થ્રોને કારણે જયસુંદરા ૨૬ રન બનાવી રનઆઉટ થઈ ગયો હતો.

શ્રીલંકા હજુ આ આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ ૧૨૧ રનના કુલ સ્કોર પર સેટ થઈ ગયેલો ચાંડિમલ ૫૬ બોલમાં ૪૭ રન બનાવી બ્રેસવેલની બોલિંગમાં આઉટ થયો હતો. આમ ૧૨૧ રનમાં જ ચાર વિકેટ ગુમાવી દેતા શ્રીલંકા મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું, પરંતુ શ્રીલંકા કેપ્ટન એન્જેલો મેથ્યુસ અને સિરિવર્દાનાએ બાજી સંભાળી લેતી રમત રમીને શ્રીલંકાને કંઈક અંશે મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું અને પાંચમી વિકેટની ભાગીદારીમાં ૧૩૮ રન ઉમેર્યા હતા. શ્રીલંકાનો સ્કોર જ્યારે ૨૫૯ રન હતો ત્યારે સિરિવર્દના ૬૨ રન બનાવી બોલ્ટનો શિકાર બન્યો હતો. જોકે આજે એન્જેલો મેથ્યુસે કેપ્ટન્સ ઇનિંગ્સ રમતા દિવસના અંત સુધી એક છેડો સાચવી રાખ્યો હતો અને ૬૩ રને અણનમ રહ્યો હતો.

You might also like