ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ગાર્ડન પાસે ક્રીડાંગણ બનાવાશે

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને વધુ લોકોપયોગી બનાવવાની દિશામાં સતત આગળ ધપી રહ્યા છે. ઉસ્માનપુરાના રિવરફ્રન્ટ ગાર્ડનની બિલકુલ નજીક તંત્ર ભૂલકાંઓનું ક્રીડાંગણ બનાવવા જઈ રહ્યું છે. ખાસ બાળકો માટેનું આ ક્રીડાંગણ જુલાઈ-૨૦૧૬ સુધીમાં ધમધમતું થઈ જશે.

સાબરમતી નદીના બંને કાંઠાનો વિકાસ કરી અમદાવાદીઓ માટે આનંદપ્રમોદનાં અને મનોરંજનનાં સાધનો ઊભાં કરવા કોર્પોરેશને મહત્ત્વાકાંક્ષી સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હાથ પર લીધો છે. નયનરમ્ય સાબરમતી રિવરફ્રન્ટે દેશ-િવદેશના મહાનુભાવોની પ્રશંસા મેળવી છે. યુવાઓ માટે પણ રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

છેલ્લા છ મહિના અગાઉ મ્યુનિ. સત્તાવાળાઓએ સરદારબ્રિજના પશ્ચિમ છેડા પર ઈવેન્ટ ગ્રાઉન્ડનું નિર્માણ કર્યું હતું. હવે તંત્રે ભૂલકાંઓનું ક્રીડાંગણ બનાવવાની દિશામાં આગેકૂચ આરંભી છે. ભૂલકાંનું ક્રીડાંગણ ઉસ્માનપુરાના રિવરફ્રન્ટ પાર્ક પાસેના ૧૫૦૦ સ્કે. મીટરના પ્લોટમાં આકાર લેશે, જેમાં ભૂલકાંઓ પોતાનાં માતા-પિતા સાથે લપસણી, હીંચકા જેવાં રમતગમતનાં સાધનોનો આનંદ માણી શકશે, જે એન્યુઝમેન્ટ પાર્ક જેવો ખર્ચાળ કે મોટી રાઈડ ધરાવતો નથી.

ભૂલકાંઓના ક્રીડાંગણ માટે સત્તાધીશોએ એક્સ્પ્રેશન ઓફ ઈંટરેસ્ટ બહાર પાડ્યાં છે, જે ઈચ્છુક કંપનીઓ આગામી તા.૧૩ જાન્યુ., ૨૦૧૬ સુધીમાં તંત્રમાં જમા કરાવશે. પીપીપી ધોરણે હાથ ધરાનારા આ નવતર પ્રયોગમાં પસંદગી પામેલી કંપનીઓ બાળકોની ક્રીડા માટેની વિવિધ સુવિધાઓનું કોર્પોરેશનમાં પ્રેઝન્ટેશન કરશે. ત્યાર બાદ કંપની પ્રાઈસબીડ આપશે, જોકે જુલાઈ, ૨૦૧૬ સુધીમાં આ ક્રીડાંગણ બાળકોની કિલકારીઓથી ગૂંજતું થઈ જશે.

You might also like